I.N.D.I.A. માં થયો લોચો, એક બેઠક માટે ગઠબંધનના બે ઉમેદવાર! બળવાની શરૂઆતના સંકેત
સપાએ એવી બેઠક પર ઉમેદવાર જાહેર કરી દીધો જ્યાંથી અપના દળ ચૂંટણી લડવા માગે છે
image : IANS |
Lok Sabha Elections 2024: સમાજવાદી પાર્ટીએ બુધવારે લોકસભા ચૂંટણી માટે છ ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી. બીજી તરફ અપના દળ (કમેરાવાદી) જે I.N.D.I.A. ગઠબંધનનો ભાગ છે, તેણે બળવો કરતાં પહેલાંથી જ યુપીની ત્રણ લોકસભા બેઠકો પર તેના ઉમેદવારો ઉભા કરવાનો નિર્ણય લઈ લીધો છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ક્રિષ્ના પટેલે ખુદ આ જાહેરાત કરી હતી.
અપના દળે 3 બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાની યોજના બનાવી
પાર્ટીએ બુધવારે ફુલપુર, મિર્ઝાપુર અને કૌશામ્બી લોકસભા સીટ પરથી ઉમેદવારો જાહેર કરવા અંગે યોજના બતાવી હતી. અપના દળના રાષ્ટ્રીય અધ્યક્ષ ક્રિષ્ના પટેલે જણાવ્યું કે અમે લાંબા સમયથી I.N.D.I.A. એલાયન્સના ભાગીદાર છીએ. અમે ગઠબંધનની દરેક બેઠકમાં સામેલ થયા છીએ. પાર્ટીએ ત્રણ સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ત્યાં આ જાહેરાતના થોડા સમય બાદ સપાએ પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી.
તો પછી વાત ક્યાં અટકી...?
I.N.D.I.A. ગઠબંધનના સાથી સપાએ મિર્ઝાપુરથી રાજેન્દ્ર એસ બિંદને મેદાનમાં ઉતારી દીધા છે. જ્યારે અપના દળના રાષ્ટ્રીય અધ્યક્ષ ક્રિષ્ના પટેલે જણાવ્યું હતું કે અમે શરૂઆતથી જ ફુલપુર, કૌશામ્બી અને મિર્ઝાપુર બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. પલ્લવી પટેલ આ ત્રણ પૈકી એક બેઠક પરથી ચૂંટણી લડશે. પરંતુ હવે જો અપના દળ યુપીની મિર્ઝાપુર લોકસભા સીટ પરથી ઉમેદવારના નામની જાહેરાત કરે તો આવી સ્થિતિમાં ગઠબંધન પાસે એક જ સીટ પર બે ઉમેદવારો થઇ જશે. નોંધનીય છે કે પલ્લવી સમાજવાદી પાર્ટીના સિરથુ કૌશામ્બી સીટથી ધારાસભ્ય છે. તેમણે રાજ્યસભાની ચૂંટણીમાં સપા સામે બળવો કર્યો હતો.