વડાપ્રધાન મોદીની પડતીના પાંચ આધ્યાત્મિક કારણો, જેની લોકમુખે થઈ રહી છે ચર્ચા
Loksabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના પરિણામોમાં ભાજપને એક્ઝિટ પોલથી બિલકુલ વિપરિત મોટો ઝટકો લાગ્યો છે. આ ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ ધરાવતા NDAને 290 અને કોંગ્રેસ સહિતના વિપક્ષી ગઠબંધનને 230 જેટલી બેઠકો મળી રહી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને સાથી પક્ષોના ગઠબંધન એનડીએએ 303 બેઠક જીતી હતી, તો યુપીએએ ફક્ત 52 બેઠક હાંસલ કરી હતી. આ સ્થિતિમાં લોકમુખે એવી ચર્ચા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘટતી જતી લોકપ્રિયતા કે પડતીના પાંચ મુખ્ય આધ્યાત્મિક કારણ છે.
1. અધૂરા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ
જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમનો તર્ક હતો કે, રામ મંદિર અધૂરું ગણાય કારણ કે, તેનું શિખર નથી બન્યું. તેથી તેની પ્રાણ પ્રતિષ્ઠા ના થઈ શકે. આ ઉપરાંત મંદિર ભગવાનનું શરી છે. મંદિર ભગવાનની આંખોનું પ્રતિનિધિત્વ કરે છે અને કળશ માથાનું પ્રતીક છે. મંદિરની ધજા ભગવાનના વાળ છે. એટલે આંખ, માથું અને વાળ વિના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોગ્ય નથી.
જો કે, શંકરાચાર્યના તર્કની અવગણના કરીને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. આ દરમિયાન અનેક લોકોએ આરોપ લગાવ્યો હતો કે, સરકાર ફક્ત રાજકીય લાભ ખાટવા અધૂરા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી રહી છે.
2. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વખતે શંકરાચાર્યોનું અપમાન
જ્યોતિષપીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે અધૂરા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નહીં કરવાની ચેતવણી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘રામ મંદિરની આ રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરવી અયોગ્ય છે. એટલે હું ત્યાં નહીં જાઉં કારણ કે, હું ત્યાં જઈશ તો તે શાસ્ત્રોનું ઉલ્લંઘન હશે.’
બીજી તરફ, પૂરી ગોવર્ધન પીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને રાજકીય ગણાવીને તેનો અસ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ મહોત્સવને રાજકીય રંગ આપી દેવાયો છે કારણ કે, આ મહોત્સવનું સંચાલન વડાપ્રધાન મોદી કરવાના છે. આ દરમિયાન કર્ણાટકના શંકરાચાર્ય ભારતી તીર્થ અને ગુજરાતના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ પણ આ મહોત્સવથી દૂર રહેવાની જાહેરાત કરી હતી.
આમ છતાં, સરકારે શંકરાચાર્યોની અવગણના કરીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી હતી.
3. વારાણસીના અનેક મંદિરો વિકાસના નામે ધરાશાયી
ઉત્તર પ્રદેશની યોગી સરકારે વિકાસના નામે વારાણસીમાં અનેક મંદિરો ધરાશાયી કરી દીધા હતા. આ કારણસર અનેક લોકોમાં કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની યોગી સરકાર સામે રોષ હતો, જેની તેમણે બિલકુલ અવગણના કરી હતી.
4. વિકાસના નામે વારાણસીના ત્રેતા યુગના વૃક્ષનું નિકંદન
હિંદુ શાસ્ત્રો મુજબ વારાણસી કે કાશી વિશ્વના સૌથી જૂના પવિત્ર શહેર છે. મહાદેવ સહિતના દેવતાઓ પણ અહીંની ધરતી પર વિહાર કરી ચૂક્યા છે. પુરાણોમાં પણ પાને પાને કાશીનો ઉજ્જવળ ઈતિહાસ વિખરાયેલો પડ્યો છે, જેના પ્રતીકો આજે પણ અહીં જોવા મળે છે. એવું જ એક પ્રતીક છે કાશીનું પ્રસિદ્ધ અક્ષય વન વૃક્ષ, જેનો ઉલ્લેખ ત્રેતા યુગમાં પણ જોવા મળે છે. એવું કહેવાય છે કે, ખુદ ભગવાન હનુમાન અહીં બિરાજે છે.
કટ ટુ 27 એપ્રિલ 2021. આ દિવસે ઉત્તર પ્રદેશની યોગી સરકારે કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ આ મહાન વૃક્ષ મૂળસોતું ઉખાડી નાંખ્યું. સ્થાનિકોની અનેક ચેતવણીને કેન્દ્રની ભાજપ કે યોગી સરકારે ફગાવીને આ કૃત્ય આચર્યું હતું.
5. વડાપ્રધાન મોદીનું લેડી લક ના રહ્યું
લોકમુખે એવી પણ ચર્ચા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તેમના માતા હીરાબા તેમના માટે ‘લેડી લક’ હતા. 30 ડિસેમ્બર 2022ના રોજ 99 વર્ષની વયે હીરાબાનું મૃત્યુ થયું. વડાપ્રધાન મોદી જાહેરમાં કહી ચૂક્યા છે કે, ‘મારી માતાના સમગ્ર જીવન અને ત્યાગે મારું વ્યક્તિત્વ ઘડવામાં અને મારો આત્મવિશ્વાસ કેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.’
ઈશ્વરીય શક્તિ કે અધ્યાત્મિકતામાં માનનારા અનેક લોકોમાં ચર્ચા છે કે, આ પાંચ કારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પડતીના મહત્ત્વના કારણ છે.