Get The App

રાહુલ-અખિલેશ, શરદ-ઉદ્વવ... આ લોકસભા ચૂંટણીની 'હીટ જોડી', ભાજપને આ રીતે રાખ્યું બહુમતીથી દૂર

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
રાહુલ-અખિલેશ, શરદ-ઉદ્વવ... આ લોકસભા ચૂંટણીની 'હીટ જોડી', ભાજપને આ રીતે રાખ્યું બહુમતીથી દૂર 1 - image
Image : IANS

Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપને ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે અને પોતાના દમ પર સરકાર બનાવવાનું સપનું રોડાયું છે. હવે એનડીએ એટલે કે સાથી પક્ષો પર ભાજપને આધાર રાખવો પડશે. એનડીએ સામે I.N.D.I.A ગઠબંધનને ફાયદો થયો છે અને 234 બેઠકો જીતવામાં સફળ રહી છે. I.N.D.I.A ગઠબંધનને આટલી બેઠકો મળી તે પાછળ રાહુલ-અખિલેશ, શરદ-ઉદ્ધવ જેવી જોડીએ એવી વ્યૂહનીતિ અપનાવી કે ભાજપ બહુમતીના આંકડા સુધી પહોંચી ન શકી.

આ ત્રણ રાજ્યોમાં ભાજપનો વિજયરથ અટક્યો 

પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ એવા ત્રણ રાજ્યો છે જ્યાંથી I.N.D.I.A ગઠબંધનએ એનડીએને મોટી હાર આપી છે. સૌથી વધુ બેઠક ધરાવતા ઉત્તર પ્રદેશમાં રાહુલ-અખિલેશની જોડીએ વડાપ્રધાન મોદીના વિજય અભિયાન પર બ્રેક લગાવી દીધી છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં મમતા-અભિષેકની જોડીએ આવું જ કામ કર્યું છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા જ શરદ અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાં મોટી તિરાડ પડી હતી, પરંતુ આ બંનેની જોડી વડાપ્રધાન મોદીના વિજય રથની સામે એટલી મજબૂતીથી ઉભી રહી કે ભાજપે બહુમતી ગુમાવવાનો વારો આવ્યો છે.

રાહુલ-અખિલેશની જોડીનો ઉત્તર પ્રદેશમાં જાદુ ચાલ્યો

ઉત્તર પ્રદેશમાં ભાજપ વધુ બેઠકો જીતવાનો દાવો કરી રહી હતી. પરંતુ રાહુલ અખિલેશની જોડીએ એવું કામ કર્યું કે ભાજપની પ્રચંડ જીતનું સપનું ચક્નાચુર કરી નાખ્યું હતું. આ રાજ્યમાં ભાજપના દિગ્ગજોને હારનો સામનો કરવો પડ્યો છે. અમેઠીમાં જોઈએ તો ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની, જેઓ જીતના પ્રબળ દાવેદાર હતા, તેઓ હારી ગયા છે અને કિશોરી લાલ શર્મા (કોંગ્રેસના ઉમેદવાર) જીત્યા છે. રાયબરેલીમાં પણ કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવામાં સફળ રહી છે. રાયબરેલી જે અત્યાર સુધી સોનિયા ગાંધીની સલામત બેઠક હતી તે હવે રાહુલ ગાંધીના ખાતામાં આવી ગઈ છે. એકંદરે, ઉત્તર પ્રદેશમાં ભાજપ માત્ર 33 બેઠકો સુધી સીમિત રહી છે, જ્યારે અહીં સપાને 37 અને કોંગ્રેસને 6 બેઠકો મળી છે.

પશ્ચિમ બંગાળમાં મમતા-અભિષેકની જોડીએ મોદીના વિજય રથને રોક્યો

 આ ઉપરાંત જો પશ્ચિમ બંગાળ તરફ આગળ વધીએ, જે ટીએમસી અને સીએમ મમતાનો ગઢ છે. ચૂંટણી પહેલા જ સંદેશખાલીનો મામલો ચર્ચામાં હતો. લોકસભા ચૂંટણી 2019 મુજબ ભાજપને પશ્ચિમ બંગાળમાં 18 બેઠકો મળી હતી. આ વખતે ભાજપ અહીં માત્ર 12 બેઠકો સુધી જ સીમિત રહી છે. છેલ્લી લોકસભાની ચૂંટણીની સરખામણીમાં આ વખતે ભાજપને 6 બેઠકોનું નુકસાન થયું છે. ટીએમસી અહીં 29 બેઠકો પર જીતી છે, જ્યારે કોંગ્રેસને માત્ર એક બેઠક મળી છે.

શરદ-ઉદ્ધવના ગઠબંધનથી મહારાષ્ટ્રમાં NDAનો રસ્તો મુશ્કેલ બની ગયો

બીજી તરફ મહારાષ્ટ્ર પર નજર કરીએ તો તે ઉત્તર પ્રદેશ પછી બીજા નંબરના સૌથી મોટા રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં ભાજપને મોટું નુકસાન થયું છે. હવે જો આંકડાઓ પર નજર કરીએ તો આ વખતે ભાજપ મહારાષ્ટ્રમાં માત્ર 9 બેઠકો જીતી છે, જે વર્ષ 2019 કરતા સીધી રીતે 14 ઓછી છે. જનતાએ શરદ પવારને વાસ્તવિક NCP વડા તરીકે સ્વીકારી લીધા છે. શરદ પવાર 8 બેઠકો જીતવામાં સફળ થયા છે. શિવસેના શિંદે જૂથ પણ સાત બેઠકો પર જ્યારે ઉદ્ધવ જૂથે 9 બેઠકો પર જીત મેળવી છે. હવે જો કોંગ્રેસના આંકડા જોઈએ તો 13 બેઠકો જીતી છે.

રાહુલ-અખિલેશ, શરદ-ઉદ્વવ... આ લોકસભા ચૂંટણીની 'હીટ જોડી', ભાજપને આ રીતે રાખ્યું બહુમતીથી દૂર 2 - image


Google NewsGoogle News