Get The App

કોંગ્રેસે અંતિમ સમયે બદલ્યો નિર્ણય!, હવે રાહુલ ગાંધી અમેઠી નહીં પણ આ બેઠક પરથી ચૂંટણી લડશે

Updated: May 2nd, 2024


Google NewsGoogle News
કોંગ્રેસે અંતિમ સમયે બદલ્યો નિર્ણય!, હવે રાહુલ ગાંધી અમેઠી નહીં પણ આ બેઠક પરથી ચૂંટણી લડશે 1 - image


Image Source: Twitter

Lok Sabha Election 2024: એક સમયે ગાંધી પરિવારનો ગઢ રહી ચૂકેલી યુપીની હાઈપ્રોફાઈલ અમેઠી અને રાયબેરલી બેઠક પર કોંગ્રેસે હજુ સુધી ઉમેદવાર જાહેર નથી કર્યા. છેલ્લા ઘણા સમયથી આ બંને બેઠક પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે તેવી અટકળોએ જોર પકડ્યું છે. જોકે, કોંગ્રેસે હજુ સુધી આ બેઠકો પર ઉમેદવાર જાહેર ન કરતા સસ્પેન્સ યથાવત્ છે. હવે આ વચ્ચે સૂત્રો પાસેથી મહિતી મળી રહી છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેઠીના બદલે રાયબરેલીથી ચૂંટણી લડી શકે છે.

બીજી તરફ અમેઠીથી ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કોંગ્રેસ કે. એલ. શર્માને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. કોંગ્રેસ યુપીની આ બંને હાઈપ્રોફાઈલ બેઠક પર આજે બપોરે ઉમેદવાર જાહેર કરી શકે છે. 

પ્રિયંકા ગાંધી ક્યાંથી લડશે ચૂંટણી

સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રાહુલ ગાંધીએ પોતાના નિર્ણય પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પોતાની માતા સોનિયા ગાંધીના કહેવા પર પુનર્વિચાર કર્યો છે. તેનાથી હવે એ સ્પષ્ટ થઈ ગયુ છે કે, પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી રાયબરેલીથી નહીં લડશે. જો કે, અત્યાર સુધી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે સોનિયા ગાંધીએ સક્રિય રાજકારણમાંથી સન્યાસ લીધા બાદ કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને રાયબરેલીથી ટિકિટ આપી શકે છે.

રાહુલ ગાંધી અમેઠીથી 2004થી 2019 સુધી સાંસદ રહ્યા છે

જોકે, આ નિર્ણય ચોંકાવનારો એટલા માટે છે, કારણ કે, રાહુલ ગાંધી અમેઠીથી 2004થી 2019 સુધી સાંસદ રહ્યા છે. તેમણે 2019ની લોકસભા ચૂંટણી અમેઠી અને કેરળની વાયનાડ બેઠક પરથી લડ્યા હતા પરંતુ તેઓ અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી હારી ગયા હતા. આ વખતે રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. 

અમેઠી અને રાયબરેલીમાં 20મી મેના રોજ મતદાન થવાનું છે. બંને બેઠકો પર ઉમેદવારી નોંધાવાની પ્રક્રિયા 3 મે સુધી ચાલુ રહેશે. સ્મૃતિ ઈરાનીએ અમેઠી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. વિપક્ષી ગઠબંધન 'I.N.D.I.A.'માં સામેલ સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહી છે. ગઠબંધનમાં કોંગ્રેસને યુપીની 80માંથી 17 બેઠકો આપવામાં આવી છે. આ 17 સીટોમાં અમેઠી અને રાયબરેલી સામેલ છે.


Google NewsGoogle News