ચૂંટણી પ્રચાર પૂરો થતાં જ અહીં સાધનામાં લીન થશે PM મોદી, સ્વામી વિવેકાનંદે પણ ત્યાં ધ્યાન કર્યું હતું
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીનો અંતિમ પડાવ ચાલી રહ્યો છે. ત્યારે પ્રચાર પડઘમ શાંત થતાંની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના કન્યાકુમારી જવાના છે. અહેવાલો અનુસાર, 30મી મેથી પહેલી જૂન સુધી વડાપ્રધાન મોદી કન્યાકુમારીમાં જ રહેશે. રોક મેમોરિયલના ધ્યાન મંડપમાં સાધના કરશે. આ એ જ જગ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદ ધ્યાન કરતાં હતા.
સ્વામી વિવેકાનંદે ત્રણ દિવસ સુધી સાધના કરી હતી
રોક મેમોરિયલમાં ધ્યાન કર્યા બાદ સ્વામી વિવેકાનંદના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હતું. એવી માન્યતાઓ છે કે જેમ સારનાથનું ગૌતમ બુદ્ધના જીવનમાં સ્થાન હતું, તેવી જ રીતે સ્વામી વિવેકાનંદના જીવનમાં રોક મેમોરિયલનું સ્થાન રહ્યું હતું. સ્વામી વિવેકાનંદે અહીં ત્રણ દિવસ સુધી સાધના કરી હતી. અહીં જ સ્વામી વિવેકાનંદે વિકસિત ભારતનું સપનું જોયું હતું. કહેવાય છે કે અહીં જ વડાપ્રધાન મોદી ધ્યાન લગાવશે અને સ્વામીજીના વિકસિત ભારતના સપનાંને સાકાર કરવાનો સંકલ્પ સિદ્ધ કરશે.
રોક મેમોરિયલનો રસપ્રદ ઈતિહાસ
સ્વામી વિવેકાનંદ વર્ષ 1893માં વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપવા માટે અમેરિકાના શિકાગો ગયા હતા. અહીં તેમણે એ ભાષણ આપ્યું હતું, જેનો પડઘો આખી દુનિયામાં સંભળાયો હતો. આજે પણ તેમના ભાષણની ચર્ચા થાય છે. એવું કહેવાય છે કે તે પ્રવાસ પહેલા તેઓ 24મી ડિસેમ્બર 1892ના રોજ કન્યાકુમારીની મુલાકાતે ગયા હતા. અહીં દરિયા કિનારેથી લગભગ 500 મીટર દૂર તેમણે પાણીની વચ્ચે એક વિશાળ પથ્થર જોયો. તેઓ તરીને ત્યાં પહોંચ્યો અને ધ્યાનમાં મગ્ન થઈ ગયા. અંતે તેમણે પોતાના જીવનનું લક્ષ્ય અને તેને પરિપૂર્ણ કરવા માટે જ્ઞાન પ્રાપ્ત થયું અને નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બન્યા. વર્ષ 1970માં આ વિશાળ પથ્થરની નજીક સ્વામી વિવેકાનંદને સમર્પિત એક ભવ્ય સ્મૃતિ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
કેદારનાથમાં પીએમ મોદીએ ગુફામાં બેસીને સાધના કરી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2021માં કન્યાકુમારી જતી વખતે હેલિકોપ્ટરમાંથી વિવેકાનંદ મેમોરિયલનો વીડિયો બનાવ્યો હતો. હવે ચાર વર્ષ બાદ પીએમ મોદી અહીં ધ્યાન કરશે. નોંધનીય છે કે, વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રચાર પૂર્ણ થયા બાદ વડાપ્રધાન મોદી કેદ્રનાથ પહોંચ્યા હતા અને રુદ્ર ગુફામાં ધ્યાન કર્યું હતું.
પંજાબમાં છેલ્લી ચૂંટણી રેલી યોજાશે
લોકસભા ચૂંટણીના સાતમાં તબક્કાના ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન મોદીની છેલ્લી રેલી પંજાબમાં છે. અહેવાલો અનુસાર, પંજાબના હોશિયારપુરમાં જનસભાને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન મોદી સીધા કન્યાકુમારી માટે રવાના થઈ શકે છે. હાલમાં કન્યાકુમારીમાં પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: આ રાજ્યમાં રસપ્રદ થઈ ચૂંટણી: જો કોંગ્રેસ એક પણ બેઠક ના જીતે તો જતી રહેશે મુખ્યમંત્રીની ખુરશી!