અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવે સૈફઈમાં કર્યું મત, સપા પ્રમુખે કહ્યું- ભાજપ જાણી જોઈને ગરમીમાં ચૂંટણી યોજે છે
Image: PTI |
Lok Sabha Election 2024 3rd Phase Polling LIVE: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન આજે યોજાઈ રહ્યું છે. જેમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના 93 લોકસભા ક્ષેત્રોમાં મતદાન જારી છે. ચૂંટણી આયોગે કહ્યું કે ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 1331 ઉમેદવારો મેદાનમાં છે.
આ તબક્કામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રિય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, મનસુખ માંડવિયા, પ્રહલાદ જોષી સહિતના ઉમેદવારો સામેલ છે. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવે સૈફઈ મતદાન મથક પર મત આપ્યો. આ દરમિયાન સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, ‘ભાજપ જાણીજોઈને ગરમીમાં મતદાનનું આયોજન કરે છે. ચૂંટણીનું આયોજન એક મહિના પહેલાં પણ કરાવી શકાય છે. આ મત તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે. જેથી તમામ મતદાતાઓને વધુને વધુ મત આપવા અપીલ કરૂ છું. જે આપણા બંધારણને મજબૂત બનાવશે.’
અખિલેશે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘જુમલા જૂઠ્ઠાણુ છે. ના તો ખેડૂતોની આવક બમણી થઈ છે, ના તો રોજગારી વધી છે. પરીક્ષામાં પેપર લીકના બનાવો પણ વધ્યા છે. મોંઘવારી વધી છે. આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખી મત આપવો જોઈએ.’