'એક બેઠકની લાલચમાં મિત્રએ સાથ છોડ્યો..' I.N.D.I.A.ના સાથી પક્ષ પર ઓમર અબ્દુલ્લાનો કટાક્ષ
Lok Sabha Elections 2024: નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ ફરી એકવાર I.N.D.I.A. ગઠબંધનના સહયોગી પક્ષ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)પર નિશાન સાધ્યું છે. તેમણે શનિવારે (20મી એપ્રિલ) કહ્યું, 'આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, 'મારો પક્ષ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ અને રાજૌરી બેઠક પર એક મિત્ર સામે ચૂંટણી લડી રહી છે, જે લોકસભા બેઠક માટે લાલચુ બની ગયો છે.' અનંતનાગ-રાજૌરી બેઠક પરથી ચૂંટણી લડી રહેલા પીડીપી વડા મહેબૂબા મુફ્તી પર ઓમર અબ્દુલ્લાએ કટાક્ષ કર્યા છે. જો કે, નેશનલ કોન્ફરન્સ (NC)એ આ બેઠક પર વરિષ્ઠ નેતા મિયાં અલ્તાફને મેદાનમાં ઉતાર્યા છે.
એક બેઠકની લાલચમાં મિત્રએ સાથ છોડ્યો: ઓમર અબ્દુલ્લા
પત્રકાર પરિષદમાં ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે,' અનંતનાગ-રાજૌરી બેઠક પર ચૂંટણીનો જંગ ભાજપ સાથે નથી. અહીં નેશનલ કોન્ફરન્સને કમનસીબે I.N.D.I.A.ના સહયોગી પક્ષ સામે ચૂંટણી લડવી પડી રહી છે, તેમણે બેઠકની લાલચમાં અમારો સાથ છોડી દીધા. પીડીપી પણ પીપલ્સ એલાયન્સ ફોર ગુપકર ઘોષણા (PAGD)નો ભાગ હતા, જે કલમ 370 નાબૂદ કર્યા પછી રચવામાં આવી હતી.'
ઓમર અબ્દુલ્લાએ ભાજપ પર સાધ્યું નિશાન
પીડીપી અને એનસીએ અનંતનાગ, શ્રીનગર અને બારામુલ્લા લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. જેના પર ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, પીડીપી 2020માં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીઓ માટે પીએજીડી વચ્ચેની સર્વસંમતિથી પીછેહઠ કરી રહી છે. ભાજપ કાશ્મીર ખીણમાં લોકસભા ચૂંટણી સીધી રીતે લડી રહ્યું નથી, તે તેમની પાર્ટી અને પીપલ્સ કોન્ફરન્સ જેવા પક્ષોને સમર્થન આપી રહ્યું છે.'
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે,'લોકોના પ્રતિસાદને જોતા, મને આશા છે કે નેશનલ કોન્ફરન્સ અનંતનાગ, શ્રીનગર અને બારામુલ્લા લોકસભા બેઠક જીતશે.પ્રથમ તબક્કાના મતદાન બાદ એવું લાગે છે કે ભાજપ ઉધમપુર બેઠક પણ બચાવી શકશે નહીં.
જમ્મુ-કાશ્મીરમાં પાંચ તબક્કામાં મતદાન થશે
જમ્મુ-કાશ્મીરની વાત કરીએ તો અહીં પાંચ લોકસભા બેઠક માટે પાંચ તબક્કામાં મતદાન થશે, પહેલા તબક્કામાં (19 એપ્રિલ) ઉધમપુર બેઠક પર મતદાન થઈ ચૂક્યું છે. જ્યારે જમ્મુ બેઠક પર બીજા તબક્કામાં (26 એપ્રિલ) મતદાન થશે. અનંતનાગમાં ત્રીજા તબક્કામાં (સાતમી મે) મતદાન થશે. તો ચોથા તબક્કામાં (13મી મે) શ્રીનગર બેઠક પર મતદાન થશે. જ્યારે પાંચમા તબક્કામાં (20મી મે) બારામુલ્લામાં મતદાન થશે.