"કોંગ્રેસ પાસે લોકસભા ચૂંટણી લડવા ફંડ જ નથી..' ખડગેનું દર્દ છલકાયું, ભાજપ પર કર્યા પ્રહાર
Lok Sabha Election 2024: હવે લોકસભાની ચૂંટણીમાં થોડા જ અઠવાડિયા બાકી છે અને તે પહેલા જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસની ખરાબ હાલત અંગે સંકેત આપી દીધા છે. ખડગેએ સંકેત આપ્યો હતો કે કોંગ્રેસ પાર્ટી સામે ભંડોળની ભયંકર અછત વર્તાઈ રહી છે.
ખડગેએ લગાવ્યો મોટો આરોપ
ખડગેએ આરોપ લગાવ્યો છે કે જે બેંક ખાતાઓમાં લોકો દ્વારા દાનમાં મળેલા પૈસા રાખવામાં આવ્યા હતા તે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે ફ્રીઝ કરી દીધા છે. ખડગેએ કહ્યું કે પાર્ટીને આવકવેરા વિભાગે દંડ ફટકાર્યો છે.
ખડગેએ લોકોને કરી અપીલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર નિશાન સાધતા ખડગેએ લોકોને દેશમાં બંધારણ અને લોકશાહીને બચાવવા તથા તેમની પાર્ટીની જીત સુનિશ્ચિત કરવા માટે આગામી લોકસભા ચૂંટણીમાં મજબૂત રીતે ઊભા રહેવાનું પણ આહ્વાન કર્યું હતું.
ભાજપ પર તાક્યું નિશાન
ખડગેએ કહ્યું કે ચૂંટણીમાં દરેકને સમાન તક મળવી જોઈએ. ખડગેએ ભાજપ પર કોંગ્રેસના બેંક ખાતાઓ ફ્રીઝ કરવાનો અને આવકવેરાના માધ્યમથી પાર્ટી પર મોટો દંડ લગાવવાનો આરોપ લગાવ્યો. ખડગેએ કહ્યું કે ભાજપ પોતે ચૂંટણી બોન્ડ દ્વારા મળેલા હજારો કરોડ રૂપિયાનો ખુલાસો કરવા તૈયાર નથી.
ભાજપે ચૂંટણી બોન્ડ વિશે સત્ય જણાવવું જોઈએ
કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે આ અમારી પાર્ટીના પૈસા હતા જે સામાન્ય લોકોએ દાનમાં આપ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા તેને સ્થગિત કરી દેવામાં આવ્યું છે અને હવે અમારી પાસે ખર્ચ કરવા માટે પૈસા નથી, જ્યારે ભાજપ ડરના કારણે ચૂંટણી બોન્ડ વિશે ખુલાસો કરી રહ્યો નથી.