SC-STના હક છીનવી મુસ્લિમોને આપવા માગે છે કોંગ્રેસ..' ECની ચેતવણી છતાં નડ્ડાનો આરોપ
Lok Sabha Elections 2024 : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (JP Nadda)એ વિપક્ષો પર આકરા પ્રહારો કરી આક્ષેપ કર્યો છે કે, ‘કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોના અધિકાર છિનવી મુસ્લિમોને આપવા માંગે છે. આ જ તેમનો છુપાયેલો એજન્ડા છે અને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પણ સ્પષ્ટ તુષ્ટીકરણ દેખાઈ રહ્યું છે.
‘ભાજપ મુસ્લિમોની ઉપેક્ષા કરવા ઈચ્છતી નથી, પરંતુ...’
તેમણે કહ્યું કે, ‘BJP મુસ્લિમોની ઉપેક્ષા કરવા ઈચ્છતી નથી, પરંતુ અન્ય સમાજના ભોગે મુસ્લિમોને અયોગ્ય લાભ ન મળવો જોઈએ. કોંગ્રેસ એવું કહે છે કે, દેશની સંપત્તિ પર પહેલો હક મુસ્લિમોનો છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કહે છે કે, દેશની સંપત્તિ પર પહેલો હક ગરીબોનો છે.’
‘પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જાણીજોઈને નિવેદન કર્યું’
તેમણે યુપીએ સરકારના કાર્યકાળનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘ડિસેમ્બર-2006માં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે દેશના સંશાધનો પર પહેલો હક મુસલમાનોનો હોવાનું કરેલું નિવેદન ભુલથી નહીં જાણીજોઈને કર્યું હતું. ત્યારબાદ તેમણે એપ્રિલ-2009માં એક સવાલના જવાબમાં પોતાના નિવેદનને યોગ્ય ઠેરવ્યું હતું અને કહ્યું કે, લઘુમતીઓ ખાસ કરીને મુસ્લિમોને પ્રાથમિકતા મળવી જોઈએ. દેશના સંશાધનો પર પહેલો હક મુસ્લિમોનો હોવો જોઈએ.’
‘મુસ્લિમોની સ્થિતિ ખરાબ હોવાનો સચ્ચર કમિટીનો ખોટો’
સચ્ચર કમિટીનો રિપોર્ટ ખોટો હોવાનો આક્ષેપ કરી નડ્ડાએ કહ્યું કે, ‘રિપોર્ટમાં મુસ્લિમોની સ્થિતિ દલિતોથી પણ ખરાબ દર્શાવાઈ હતી. રિપોર્ટનો અર્થ સ્પષ્ટ છે કે, કોંગ્રેસ પહેલેથી જ પ્રયાસ કરી રહી છે કે, મુસ્લિમોને કોઈપણ પ્રકારે અનુસૂચિત જાતિ જાહેર કરી, તેમને એસસી અનામત હેઠળ લાભ આપવામાં આવે.’ તેમણે એમ પણ કહ્યું કે, જવાહલાલ નેહરુ હંમેશા મુસ્લિમોની તરફેણ કરતા હતા.