કોંગ્રેસની મુશ્કેલી વધી ! ‘INDIA’ ગઠબંધનના વધુ એક પક્ષને ‘સીટ શેરિંગ’નો વાંધો પડ્યો
કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ પહેલાં જ ગઠબંધનમાં સામેલ પક્ષોએ સીટ શેરિંગનો મુદ્દે ઉઠાવ્યો
લોકસભાની ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટી, ટીએમસી બાદ વધુ એક પક્ષે કોંગ્રેસને ઈશારા જવાબ આપી દીધો
I.N.D.I.A. Alliance Seat Sharing Controversy : લોકસભા ચૂંટણી-2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેઠળના NDAને ટક્કર આપવા ઈન્ડિયા ગઠબંધન મેદાનમાં તો ઉતરી ગઈ છે, જોકે હજુ સુધી ગઠબંધનમાં સામેલ પક્ષોમાં સીટ શેરિંગ મામલે આંતરીક વિખવાદ જોવા મળી રહ્યો છે. આ મામલે એક પછી એક પક્ષો કોંગ્રેસ પાસે ઈશારા-ઈશારામાં જવાબ માગી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને હવે ઝારખંડમાં જેએમએમએ કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
અમે તેને વધુ બેઠકો આપવાના મૂડમાં નથી : JMM
સીટ શેરિંગના સવાલ પર જેએમએમ નેતા મહુઆ માંઝીએ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસને ઈશારા-ઈશારામાં કહી દીધું કે, ‘અમે તેને વધુ બેઠકો આપવાના મૂડમાં નથી. ગત ચૂંટણીમાં અમે કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતદાળ સાથે મળીને રીતે લડ્યા હતા, તે રીતે જ સીટ શેરિંગ થયું હતું. લોકસભામાં કોંગ્રેસને વધુ બેઠકો મળી હતી, વિધાનસભામાં જેએમએમને વધુ બેઠકો મળી હતી.’
‘...તો અમે કેન્દ્રીય પાસે નહીં જઈએ, ટુંક સમયમાં નિર્ણય કરીશું’
માંઝીએ વધુમાં કહ્યું કે, ‘આ વખતે દિલ્હીમાં યોજાયેલી ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં મોટા નેતાઓ તરફથી કહેવાયું હતું કે, જે ક્ષેત્રમાં જે વધુ મજબુત હશે, જેની પક્કડ વધુ હશે, તે રાજ્યમાં વાત કર્યા બાદ કમિટી નિર્ણય કરશે કે કયા પક્ષને કઈ બેઠકો આપવામાં આવે. ગઠબંધનનો ઉદ્દેશ્ય વધુમાં વધુ બેઠકો જીતવાનો છે. જે પક્ષનો ઉમેદવાર વધુ મજબુત હશે, તેને જ બેઠક આપવામાં આવશે. જોકે આ મામલે હજુ સ્થાનિક લેવલે સમિટી બનાવાઈ નથી. જો સ્થાનિક કમિટી સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો અમે કેન્દ્રીય સમિતી પાસે નહીં જઈએ. આ મામલે ટુંક સમયમાં નિર્ણય કરાશે.’
2019માં કયા પક્ષને કેટલી બેઠકો મળી હતી ?
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ઝારખંડમાં ભાજપે 11 જ્યારે તેની સહયોગી AJSUએ એક બેઠક જીતી હતી. જ્યારે વિપક્ષી દળોને માત્ર 2 બેઠકો મળી હતી, જેમાં કોંગ્રેસને એક અને JMM એક બેઠકનો સમાવેશ થાય છે. કોંગ્રેસ નવ, જેએમએમ ચાર અને આરજેડીએ એક સીટ પર ચૂંટણી લડી હતી. રાજ્યની છેલ્લી ચૂંટણીની વાત કરીએ તો ઝારખંડ મુક્તિ મોરચાએ 43 બેઠકો, કોંગ્રેસે 31, આરજેડીએ 7 બેઠકો પર ચૂંટણી લડી હતી. જેએમએમ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. તેણે 30 બેઠકો જીતી હતી. કોંગ્રેસ પાર્ટીને 16, જ્યારે લાલુ પ્રસાદ યાદવની પાર્ટીને માત્ર એક બેઠક જ મેળવી હતી.
અખિલેશ યાદવે પણ કોંગ્રેસ પર આડકરતું નિશાન સાંધ્યું
રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ (Bharat Jodo Nyay Yatra) ઉત્તર પ્રદેશમાંથી પણ નિકળવાની છે. આ મામલે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે તાજેતરમાં જ કોંગ્રેસ પર આડકરતું નિશાન સાધ્યું હતું. તેમણે સીટ શેરિંગનો મુદ્દો ઉઠાવી કહ્યું હતું કે, ‘જો રાહુલની યાત્રા ઉત્તરપ્રદેશમાં પહોંચે તે પહેલા સીટોની વહેંચણી થાય તો તેઓ પણ યાત્રામાં જોવા મળશે, પરંતુ જો સીટોની વહેંચણી નહીં થાય તો સપા જોવા નહીં મળે. રાહુલ અંગે પૂછેલા પ્રશ્ન પર અખિલેશે કહ્યું હતું કે, ‘તેમની યાત્રામાં તમામ લોકો, ખાસ કરીને ઉમેદવારો મજબૂતી સાથે જોવા મળશે. એટલે કે હાલ આ કોંગ્રેસની યાત્રા છે અને અમને આશા છે કે, જેટલા વિપક્ષી દળો છે, જે કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કરી લડવા ઈચ્છે છે, તેમની વચ્ચે યાત્રા પહેલા તમામ પ્રદેશોની સીટોની વહેંચણી થઈ જશે. આમ કરવાથી વધુ મજબુતી સાથે લડી શકાશે. યાત્રા પહેલા ટિકિટની વહેંચણી થઈ જાય, સીટોની વહેંચણી થાય અને જ્યારે સીટોની વહેંચણી થશે ત્યારે ઘણા લોકો યાત્રામાં સહયોગ કરવા પહોંચી જશે, કારણ કે જે ઉમેદવાર ચૂંટણી લડવાનો હશે તે પુરી જવાબદારી સાથે ત્યાં ઉભો રહેશે.’
ટીએમસીએ કોંગ્રેસ પાસે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ અંગે સ્પષ્ટતા માંગી
અખિલેશના નિવેદન અગાઉ ટીએમસીના નેતા કુણાલ ઘોષે કોંગ્રસને ભાજપની દલાલ કહી હતી. ઉપરાંત તેમણે રાહુલની યાત્રા અંગે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ‘પશ્ચિમ બંગાળમાં યાત્રાના પ્રવેશ ટાણે કોંગ્રેસનો એજન્ડા શું હશે? શું તેઓ ભાજપના અત્યાચારો વિરુદ્ધ બોલશે કે પછી મમતા બેનર્જીનો વિરોધ કરશે ? પાર્ટીનો તર્ક એવો છે કે, અધીર રંજન ચૌધરી જેવા નેતાઓ સીએમ મમતા બેનર્જીનો સતત વિરોધ કરી રહ્યા છે, તો શું કોંગ્રેસ હાઈકમાન્ડ પણ તેમના જેવું વલણ અપનાવશે ?’ ઘોષે એમ પણ કહ્યું હતું કે, ‘કોંગ્રેસ ભાજપની દલાલ છે. સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાહુલ ગાંધીની દિલ્હી કોંગ્રેસમાં મોટો તફાવત છે. પશ્ચિમ બંગાળની 2021ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ટીએમસીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું અને તેની ચૂંટણીને કારણે BJPને ફાયદો થયો હતો. 2021માં ટીએમસી ભાજપને હરાવવા ચૂંટણી લડી રહી હતી, જોકે કોંગ્રેસે CPM સાથે મળી ચૂંટણી લડી અને મતોનું ધ્રુવીકરણ કર્યું હતું. તેમને ચૂંટણીમાં કંઈ જ ન મળ્યું. તેમણે માત્ર ભાજપને જ ફાયદો પહોંચાડવાનું કામ કર્યું હતું. મમતા બેનર્જી ગઢબંધન મામલે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ સાથે વાત કરી રહી છે. ગઠબંધન અંગે સમય આવતા બધુ સ્પષ્ટ કરી દેવાશે. બંગાળ રાજ્ય કોંગ્રેસનું કોઈ મહત્વ નથી. ’
ઉલ્લેખનિય છે કે, રાહુલ ગાંધી 12 જાન્યુઆરી-2024થી ભારત ન્યાય યાત્રા શરૂ કરવાના છે. આ યાત્રા કુલ 14 રાજ્યોમાંથી પસાર થશે. આ 14 રાજ્યોમાં પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થાય છે.