Get The App

સ્થાપનાના 10 વર્ષ બાદ ભાજપને સત્તામાં તક મળી હતી, 2થી 303 બેઠક પર કેવી રીતે પ્રભુત્વ જમાવ્યું

1980માં ભાજપ અસ્તિત્વમાં આવ્યું હતું અને 1984માં તેણે લોકસભાની ચૂંટણીમાં ફક્ત 2 જ બેઠકો હાથ લાગી હતી

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
સ્થાપનાના 10 વર્ષ બાદ ભાજપને સત્તામાં તક મળી હતી, 2થી 303 બેઠક પર કેવી રીતે પ્રભુત્વ જમાવ્યું 1 - image


Lok sabha Election 2024 | આઝાદી બાદ આશરે ચાર દાયકા સુધી ભારતીય રાજનીતિમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે કોંગ્રેસઓ દબદબો રહ્યો હતો. 1980માં ભાજપ અસ્તિત્વમાં આવ્યું હતું અને 1984માં તેણે લોકસભાની ચૂંટણીમાં ફક્ત 2 જ બેઠકો હાથ લાગી હતી. ત્યારબાદ વર્ષ 1989ની લોકસભા ચૂંટણી આ રાજકીય દ્રશ્યમાં ઘણો ફેરબદલ લઈને આવી હતી. આ સમયે ભાજપ એક મોટી રાજકીય તાકાત તરીકે ઉભરી હતી અને આગામી એક દાયકામાં તેણે દેશની રાજનીતિને દ્વિધ્રુવીય બનાવી દીધી હતી. જનસંઘના નેતા શ્યામા પ્રસાદ મુખર્જી, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારતની રાજનીતિમાં આ ફેરફારનો શ્રેય આપવામાં આવે છે. 

જવાહરલાલ નેહરુનો સમય 

કોંગ્રેસે જવાહરલાલ નેહરુના નેતૃવમાં 1951, 1957 અને 1962ની લોકસભા ચૂંટણી મોટા અંતરથી જીતીને સરકાર બનાવી હતી. આ સમયમાં જવાહરલાલ નહેરુ દેશના સૌથી વધુ લોકપ્રિય નેતા હતા. લેફ્ટ પાર્ટી,જનસંઘ અને અમુક સમાજવાદી ધારાના રાજકીય પક્ષો વિપક્ષમાં હતા પરંતુ તેમની એટલી શક્તિ નહોતી કે કોગ્રેસને પડકાર આપી શકે. 

ઇન્દિરા ગાંધીના હાથમાં દેશનું શાસન 

તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના નિધન બાદ ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન બન્યા હતા. કોંગ્રેસે તેમના નેતૃત્વ હેઠળ 1967, 1971 અને 1980ની ચુંટણી જીતી હતી. જોકે 1975માં ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદીને વિપક્ષના તમામ નેતાઓને જેલમાં પૂરી દીધા હતા. લોકોના મૌલિક અધિકારો છીનવી લેવામાં આવ્યા હતા.ઇન્દિરા ગાંધીની નીતિઓ વિરુદ્ધ સમગ્ર વિપક્ષ એકસંપ થઇ ગયું હતું અને 1977ની સામાન્ય ચુંટણીમાં પ્રથમ વખત કોંગ્રેસની હાર થઇ હતી. 1977માં જનતા પાર્ટીની સરકાર બની અને મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા હતા. જનતા પાર્ટીની સરકાર દેશમાં સૌથી પહેલી બિન કોંગ્રેસી સરકાર હતી. દેશની રાજનીતિમાં કોંગ્રેસના આધિપત્યને પ્રથમ વખત ગંભીર પડકારનો સામનો કરવો પડ્યો હતો. 

મોટી રાજકીય શક્તિ સ્વરૂપે ભાજપ સામે આવ્યો 

1980માં ભાજપની રચના થઇ હતી. ભાજપ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદને આગળ કરીને પ્રજા વચ્ચે ગયું હતું. 1989ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ એક મોટી રાજકીય તાકાત સ્વરૂપે ઉભરી આવ્યું. આ ચૂંટણીમાં ભાજપને 85 બેઠક પર જીત મળી હતી. ત્યારે વીપી સિંહના નેતૃત્વમાં જનતા દળની ગઠબંધન સરકાર બની હતી. 1991ની લોકસભા ચૂંટણીમાં ભાજપની બેઠક વધીને 120 થઇ ગઈ હતી. 1996ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ 161 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. અહીંથી ભારતનું રાજકારણ દ્વિધ્રુવી બન્યું. એક ધ્રુવ ભાજપનો હતો અને બીજો ધ્રુવ કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષોનો હતો. 1998માં ભાજપે 182 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. 1999ની સામાન્ય ચૂંટણીમાં અટલજીના નેતૃત્વમાં ફરી એનડીએની સરકાર બની. પાંચ વર્ષ સુધી ચાલનારી આ પ્રથમ બિન-કોંગ્રેસી ગઠબંધન સરકાર હતી.

2004માં એનડીએ હાર્યું હતું 

વર્ષ 2004માં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં એનડીએની હાર થઇ હતી. ત્યારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકાર બની હતી. મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ સરકાર 2009ની સામાન્ય ચૂંટણીમાં ફરી સત્તા પર આવી. આ કારણે ભાજપ 10 વર્ષ સુધી વિપક્ષમાં રહ્યો. આ પછી ભાજપે નરેન્દ્ર મોદીને તેના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા અને 2014ની સામાન્ય ચૂંટણી લડી. આ ચુંટણીમાં ભાજપે 282 બેઠકો જીતીને પૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં સરકાર બનાવી હતી. ત્યરબાદ ભારતીય રાજકારણમાં ભાજપનું વર્ચસ્વ વધવા લાગ્યું. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની બેઠકો વધીને 303 થઈ ગઈ છે.



Google NewsGoogle News