Get The App

ભાજપે પત્તું કાપતાં હતાશ દિગ્ગજ નેતાએ 30 વર્ષની કારકિર્દીનો આણ્યો અંત! રાજનીતિથી લીધો સંન્યાસ

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News

ભાજપે પત્તું કાપતાં હતાશ દિગ્ગજ નેતાએ 30 વર્ષની કારકિર્દીનો આણ્યો અંત! રાજનીતિથી લીધો સંન્યાસ 1 - image

Lok Sabha Election : લોકસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થતા જ કેટલાક નેતાઓની નારાજગી સામે આવી રહી છે.  ગૌતમ ગંભીર અને જયંત સિન્હાએ યાદી જાહેર થતા પહેલા જ સક્રિય રાજકારણથી દૂર રહેવાની વિનંતી કરી હતી. ત્યારે હવે યાદી જાહેર થયા બાદ ડૉ. હર્ષવર્ધને પણ રાજનીતિથી સંન્યાસ લેવાની વાત કરી છે. તેમણે ટ્વિટર X પર એક લાંબી પોસ્ટ કરીને આ માહિતી આપી છે.


ડો. હર્ષવર્ધને જાહેરાત કરી છે કે તેઓ રાજકારણને અલવિદા કહી રહ્યા છે. તેમણે X પર લખ્યું કે 'રાજકારણમાં મારી 30 વર્ષની કારકિર્દી ઘણી સફળ રહી છે. આ દરમિયાન હું પાંચ વખત વિધાનસભાની ચૂંટણી અને બે વખત સંસદની ચૂંટણી જીત્યો હતો. મેં હંમેશા ખુબ જોરદાર માર્જિનથી વિજય મેળવ્યો છે અને પક્ષમાં અને સરકારમાં મહત્ત્વના હોદ્દા સંભાળ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારમાં મહત્ત્વના હોદ્દા પર રહ્યા પછી હું મારા મૂળ તરફ પાછો આવ્યો છું.'

વધુમાં હર્ષવર્ધને લખ્યું છે કે 'આજથી 50 વર્ષ અગાઉ હું કાનપુરની જીએસવીએમ મેડિકલ કોલેજમાં જોડાયો ત્યારે લોકોની સેવા કરવી એ મારો ધ્યેય હતો. હું ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કરવા માટે આ પ્રોફેશનમાં આવ્યો હતો. અંદરખાનેથી હું એક સ્વયંસેવક હતો અને દીનદયાળ ઉપાધ્યાયની નીતિમાં માનતો હતો. આરએસએસના આગ્રહના કારણે હું રાજકારણમાં આવ્યો. ગરીબી, બીમારી અને અજ્ઞાન - આ ત્રણ દુશ્મનોનો સામનો કરવા માટે હું રાજકારણમાં આવ્યો હતો. હું દિલ્હીનો આરોગ્ય મંત્રી રહ્યો હતો અને બે વખત કેન્દ્રિય આરોગ્યમંત્રી પણ બન્યો હતો. આ દરમિયાન મને પોલિયો મુક્ત ભારત અભિયાનમાં જોડાવાની તક મળી હતી. કોવિડના પ્રથમ અને બીજા તબક્કા વખતે પણ કરોડો દેશવાસીઓની સેવા કરવાની તક મળી હતી.'

તેમણે આ તમામ પ્રગતિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટીના સાથીદારો અને કાર્યકરોનો આભાર માનીને જાહેરાત કરી છે કે તેઓ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે અને હવે ક્રિષ્ના નગર ખાતે ઈએનટી ક્લિનિક મારી રાહ જોઈ રહ્યું છે.


Google NewsGoogle News