Get The App

Lok Sabha Election 2024: ચૂંટણી પંચની તૈયારી, ભડકાઉ ભાષણ આપનારા નેતાઓને અગાઉથી જ નોટિસ ફટકારાશે

ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તમામ તૈયારી પૂર્ણ : મુખ્ય ચૂંટણી કમિશનર

15થી 20 માર્ચ વચ્ચે ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવે તેવી આશા

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
Lok Sabha Election 2024: ચૂંટણી પંચની તૈયારી, ભડકાઉ ભાષણ આપનારા નેતાઓને અગાઉથી જ નોટિસ ફટકારાશે 1 - image


Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો મેદાનમાં આવી ગયા છે, તો બીજીતરફ ચૂંટણી પંચે પણ તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે (Rajiv Kumar) લોકસભા ચૂંટણીની તારીખો (Lok Sabha Election Date) અંગે આજે આશા વ્યક્ત કરી છે કે, 15થી 20 માર્ચ વચ્ચે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દેવાશે. જોકે તે પહેલા ચૂંટણી પંચની ટીમ 12 અને 13મી માર્ચે જમ્મુ-કાશ્મીરની મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ કેન્દ્રીય ગૃહ સચિવ અને અન્ય વિભાગો સાથે પણ ચર્ચા-વિચારણા કરશે. ત્યારબાદ ચૂંટણીની ફાઈનલ તારીખ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે એક અગ્રણી મીડિયા જૂથને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ચૂંટણીમાં ભડકાઉ ભાષણ આપનારા નેતાઓને અગાઉથી જ નોટિસ ફટકારાશે.

કાશ્મીરમાં લોકસભા-વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવાશે?

કાશ્મીરમાં લોકસભાની સાથે વિધાનસભાની પણ ચૂંટણી કરાવાશે કે નહીં, તે અંગે પણ નિર્ણય થવાનો છે. આમ તો ત્યાં એક સાથે ચૂંટણી કરવી ચૂંટણી પંચ સુવિધાજનક માને છે, પરંતુ આ બાબત સુરક્ષા દળની ઉપલબ્ધતા વગેરે બાબત પર નિર્ભર છે. ચૂંટણી દરમિયાન રાજ્યોમાં દરેક ઉમેદવારોને કેન્દ્રીય સુરક્ષા આપવાની હોય છે. કલમ 370 નાબુદ કરાયા બાદ કાશ્મીરમાં પ્રથમવાર ચૂંટણી યોજાશે.

ભડકાઉ ભાષણ આપનારા નેતાઓને અગાઉથી જ નોટિસ ફટકારાશે

ચૂંટણી પ્રચાર દરમિયાન ભડકાઉ ભાષણો પર લગામ કસવાના પ્રયાસો હેઠળ ચૂંટણી પંચે નેતાઓને અગાઉથી જ નોટિસ મોકલવાની તૈયારી કરી લીધી છે. ચૂંટણી પંચના રેકોર્ડમાં જે નેતાઓ સામે ભડકાઉ ભાષણ કરવાના કેસ નોંધાયેલા છે, તેમને પહેલેથી જ નોટિસ મોકલવામાં આવશે.


Google NewsGoogle News