ભાજપે બાહુબલી નેતાની ટિકિટ લટકાવી! નથી થઈ રહી કોઈ જાહેરાત, પત્નીને ચૂંટણી લડાવવાનું દબાણ
Image Source: Twitter
Brij Bhushan Sharan Singh: ભાજપે ઉત્તર પ્રદેશની મોટા ભાગની બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે પરંતુ રાયબરેલી અને કૈસરગંજ જેવી ચર્ચિત બેઠકો પર હજુ પણ ઉમેદવારો જાહેર નથી કર્યા. દરેકની નજર કૈસરગંજ પર છે કારણ કે બાહુબલી નેતા બ્રિજભૂષણ શરણ સિંહ અહીંથી ભાજપના સાંસદ છે. તેમની ટિકિટ હજુ સુધી નક્કી કરવામાં નથી આવી અને પાર્ટીએ એવા પણ કોઈ સંકેત નથી આપ્યા કે બ્રિજભૂષણનું ચૂંટણી મેદનમાં નહીં ઉતરશે તો તેમના સ્થાન પર કોને ચૂંટણી મેદનમાં ઉતારવામાં આવશે. આ વચ્ચે હવે પાર્ટી સૂત્રોનું કહેવું છે કે બ્રિજભૂષણ શરણ સિંહની ટિકિટ પરનો નિર્ણય તેમના પર લાગેલા યૌન શોષણના આરોપોને કારણે ટાળવામાં આવી રહ્યો છે.
ભાજપે બાહુબલી નેતાની ટિકિટ લટકાવી
આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે અને દિલ્હીની કોર્ટ આ મહિનાના અંત સુધીમાં પોતાનો ચુકાદો આપી શકે છે. આવી સ્થિતિમાં ભાજપ હાઈકમાન્ડ ઈચ્છે છે કે કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખીને પણ ટિકિટ નક્કી કરવામાં આવે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો નિર્ણય બ્રિજભૂષણ શરણ સિંહના પક્ષમાં આવે તો તેમને ટિકિટ મળી શકે છે. અન્યથા તેમના જ પરિવારના કોઈપણ સદસ્યને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. સૌથી વધુ ચર્ચા તેમની પત્ની કેતકી સિંહના નામની થઈ રહી છે. કેતકી સિંહ પહેલા પણ 1996 થી 1998 સુધી સાંસદ રહી ચુક્યા છે. જો કે, એવી પણ માહિતી સામે આવી રહી છે કે, બ્રિજભૂષણ પરિવારમાં પણ કોઈને ટિકિટ આપવા નથી માગતા અને પોતે ચૂંટણી લડવા માંગે છે.
પત્નીને ચૂંટણી લડાવવાનું દબાણ
આ કારણોસર ભાજપ માટે કૈસરગંજ બેઠક પર નિર્ણય લેવો થોડો મુશ્કેલ થશે. ભાજપ હાઈકમાન્ડ બ્રિજભૂષણ શરણ સિંહને મહિલા કુશ્તીબાજો દ્વારા યૌન શોષણના આરોપો સાથે સબંધિત કેસનો હવાલો આપતા કહી રહ્યું છે કે, આ અંગે ચુકાદાની રાહ જુઓ. જો નિર્ણય તમારા પક્ષમાં આવે તો ચૂંટણી લડો, નહીં તો પરિવારના કોઈ સભ્યને તક આપો. પાર્ટીના વ્યૂહનીતિકારોનું માનવું છે કે કેતકી સિંહને મેદાનમાં ઉતારવાથી મહિલા કાર્ડ પણ મજબૂત થશે. પીએમ નરેન્દ્ર મોદી ખુદ સતત મહિલાઓને પ્રમોટ કરવાની વાત કરી રહ્યા છે.
મહિનાના અંત સુધીમાં ચુકાદો આવી શકે
ગત અઠવાડિયે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં બ્રિજભૂષણ શરણ સિંહ સામે આરોપ ઘડવા અંગેનો નિર્ણય આવવાનો હતો. પરંતુ બ્રિજભૂષણે અપીલ કરી હતી કે આ મામલે વધુ તપાસ થવી જોઈએ. તેમની અરજી પર સુનાવણી બાદ કોર્ટે નિર્ણય રિઝર્વ રાખ્યો હતો અને આ જ મહિનાના અંત સુધીમાં ચુકાદો આપી શકે છે. બ્રિજભૂષણે પોતાની અરજીમાં એવી પણ દલીલ કરી હતી કે જે દિવસે એક મહિલા રેસલરે યૌન શોષણનો આરોપ લગાવ્યો તે દિવસે તે દેશની બહાર જ હતો.