'બંનેની ઉંમર 50થી વધુ અને બંને યુવાનો...': સપા-કોંગ્રેસના ગઠબંધન પર BJP સાંસદનો કટાક્ષ
- સુધાંશુ ત્રિવેદીએ કટાક્ષ કરતા કહ્યું કે, આ બે યુવાનોનું અનોખુ ગઠબંધન છે
નવી દિલ્હી, તા. 26 ફેબ્રુઆરી 2024, સોમવાર
ઉત્તર પ્રદેશના રાજ્યસભા સાંસદ અને ભાજપના ઉમેદવાર સુધાંશુ ત્રિવેદીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, આ બે યુવાનોનું ગઠબંધન છે.
તેમનો ભૂતકાળ તેમનું ભવિષ્ય બતાવી રહ્યું છે
સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, આ બે યુવાનોનું અનોખુ ગઠબંધન છે અને તેની અદભૂત વિશેષતાઓ છે. બંનેની ઉંમર 50 વર્ષથી વધુ છે અને બંને યુવાનો છે. બંનેની વિશેષતા એ છે કે, રાહુલ ગાંધીના પિતા દિવંગત રાજીવ ગાંધીએ 400 બેઠકો પર જીત મેળવી હતી અને રાહુલ ગાંધી તેને 44 બેઠકો પર લઈ આવ્યા.
આ સાથે જ મુલાયમ સિંહનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે મુલાયમ સિંહે 2012માં પોતાના દમ પર સ્પષ્ટ બહુમતી સાથે પોતાની સરકાર બનાવી હતી અને સત્તા અખિલેશ યાદવને આપી અને તેઓ બેઠકોને 57 પર લઈ આવ્યા છે. તેમનો ઈતિહાસ જોતા તેમનું ભવિષ્ય સ્પષ્ટ છે.
7 વર્ષ બાદ સાથે આવ્યા રાહુલ-અખિલેશ
આગામી લોકસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી અંગેની સહમતિ બન્યા બાદ બંને પાર્ટીઓના ગઠબંધન પર મહોર લગાવવા અને સાથે મળીને ચૂંટણી લડવાનો સંકેત આપવા માટે અખિલેશ યાદવ ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાના અંતિમ દિવસે સામેલ થયા હતા. સાત વર્ષ બાદ ફરી એકવાર અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી સાથે નજર આવ્યા હતા.