ભારત જોડો ન્યાય યાત્રાના લોગો અને મુદ્રાલેખ કોંગ્રેસ પ્રમુખે પ્રસિદ્ધ કર્યા
- રાહુલ ગાંધીએ પૂર્વેની યાત્રાનો વિડીયો પોસ્ટ કર્યો
- રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ઇમ્ફાલથી નીકળી દેશનાં ૧૫ રાજ્યોમાંથી પસાર થઈ, મુંબઈમાં સંપન્ન થવાની છે
નવીદિલ્હી : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા તા. ૧૪ જાન્યુઆરીના દિવસે મણિપુરનાં ઇમ્ફાલથી શરૂ થઈ દેશનાં ૧૫ રાજ્યોમાંથી પસાર થઈ, મુંબઈમાં સંપન્ન થવાની છે. આ યાત્રાનો હેતુ દેશના સામાજિક, આર્થિક અને રાજકીય મુદ્દાઓ ઉપર સર્વ કોઈનું ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. આ માહિતી આપતાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, અમે આજે (શનિવારે) આ યાત્રાનો લોગો (ચિન્હ) પણ નક્કી કરી લીધો છે. તેમજ આ યાત્રાનો મુદ્રાલેખ પણ નક્કી કરી લીધો છે. યાત્રાનો મુદ્રાલેખ રહેશે, ન્યાયિક હક્ક મિલને તક.
ખડ્ગેએ વધુમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આ યાત્રા ૧૧૦ જિલ્લાઓમાંથી પસાર થશે. તે લોકસભાનાં ૧૦૦ નિર્વાચીન ક્ષેત્રો (સીટ્સ) તથા જુદાં જુદાં રાજ્યોની કુલ મળીને ૩૩૭ વિધાનસભા ક્ષેત્રોને આવરી લેશે.
બીજી તરફ સોશ્યલ મિડીયા 'X' ઉપર રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે અમે અમારા જ લોકોની વચ્ચે ન્યાયનું સૂત્ર જગાવી અન્યાય સામે તેમને ઉભા કરવા માગીએ છીએ. હું શપથ પૂર્વક જણાવું છું કે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મારી યાત્રા ચાલુ જ રહેશે.
આ યાત્રા ૬,૭૦૦ કિ.મી.નો પંથ ૬૭ દિવસમાં કાપશે તેમ કહેતાં કોંગ્રેસના પ્રવક્તા ધનંજય ઠાકુરે જણાવ્યું હતું કે, આ યાત્રા ૧૬-૧૭ ફેબુ્રઆરીએ છત્તીસગઢ પહોંચશે. પાંચ દિવસ સુધી તે છત્તીસગઢમાં જ રહેશે અને રાજ્યના ૭ જિલ્લાઓ આવરી લેશે. છત્તીસગઢમાં આદિવાસીઓ ૩૨ ટકા જેટલા છે. તેમના પ્રશ્નો પણ સમજવા અને તેનો ઉકેલ શોધવાનો પ્રયત્ન પણ તે દરમિયાન કરાશે.
આ સાથે ધનંજય ઠાકુરે જણાવ્યું હતું કે, જનસામાન્યના અધિકારો માટે લડવાનું સૌથી સબળ-શસ્ત્ર તે સત્યાગ્રહ છે, અને ભારત જોડો ન્યાય પદયાત્રા તે સૌથી સબળ પરિવર્તનકારી સત્યાગ્રહ બની રહેવાની છે. સ્વાતંત્ર્ય પછી આવો પ્રબળ સત્યાગ્રહ પહેલી જ વાર શરૂ કરાયો છે.
આ પદયાત્રા અંગે રાજકીય નિષ્ણાંતો જણાવે છે કે આ યાત્રા દ્વારા કોંગ્રેસ છત્તીસગઢમાં પક્ષના કાર્યકરોનો ઉત્સાહ વધારવા માગે છે. વિશેષત: ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી સમયે ભાજપને પડકાર આપવા માટે આ અનિવાર્ય પણ છે. છત્તીસગઢમાં૯૦ વિધાયકોની વિધાનસભામાં ભાજપે ૫૪ બેઠકો મેળવી સત્તા પ્રાપ્ત કરી છે. જ્યારે કોંગ્રેસ ૩૫ બેઠકો પર વિજયી બની છે. ૨૦૧૬માં યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ૬૮ બેઠકો મેળવી હતી. આમ છેલ્લી ચૂંટણીમાં તેણે ૩૩ બેઠકો ગુમાવી હતી. જ્યારે ગોંદવાના ગણતંત્ર પાર્ટીએ ૧ બેઠક મેળવી હતી.
ધનંજય ઠાકુરનાં આ નિવેદન પૂર્વે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું હતું કે, રાહુલ ગાંધીની આગામી ભારત-જોડો ન્યાય યાત્રા તે આ પૂર્વે યોજાયેલી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા જેટલી જ દેશનાં રાજકારણમાં પરિવર્તનકારી બની રહેવાની છે.