મોટી ટ્રેન દુર્ઘટના સર્જવાનું કાવતરું, લોકો પાયલૉટની સમજદારીથી રાજસ્થાનમાં હોનારત થતાં ટળી
Rajasthan Train Accident: રાજસ્થાનમાં એક મોટી ટ્રેન દુર્ઘટના માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું પરંતુ ષડયંત્રનો સમયસર ખુલાસો થતાં મોટી દુર્ઘટના ટળી હતી. આ સમગ્ર ઘટના 29 ઑગસ્ટની રાત્રે બની હતી. અહીં, કોટા-બીના રેલવે સેક્શન પર છબરા વિસ્તારના ચાચોડા ગામ પાસે બાઇકનો અડધો અધૂરો સ્ક્રેપ રેલવે ટ્રેક પર રાખવામાં આવ્યો હતો. આ સ્ક્રેપ સાથે એક માલગાડી અથડાઈ ગઈ હતી. જો કે, ગુડ્સ ટ્રેનના ડ્રાઇવરની સૂઝબૂઝના કારણે આ અકસ્માત ટળ્યો હતો.
ટ્રેક પર જૂની બાઇકનો ભંગાર
મળતી માહિતી મુજબ, કોટા-બીના રેલવે પર છબરા વિસ્તારમાંથી એક માલગાડી પસાર થઈ રહી હતી. અચાનક લોકો પાયલૉટને ટ્રેક પર કંઈક થઈ રહ્યું હોવાની શંકા ગઈ. લોકો પાયલૉટે (Loco Pilot) પોતાની સૂઝબૂઝથી માલગાડીને બ્રેક લગાવીને રોકવાનો પ્રયાસ કર્યો. જો કે, ત્યાં સુધીમાં માલગાડી પાટા પર રખાયેલા ભંગાર સાથે અથડાઈ હતી. આ પછી ટ્રેક પર જઈને ડ્રાઇવરે જોયુ તો ત્યાં જૂની બાઇકનો સ્ક્રેપ પડ્યો હતો. આ ભંગાર માટીથી ઢંકાયેલો હતો. લોકો પાયલૉટની સમજદારીથી આ હોનારત થતાં અટકી હતી.
હાલ આ ઘટના બાદ આરપીએફ અને રેલવે અધિકારીઓ આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. આ ઘટનામાં, સ્ક્રેપ બાઇક પર લખેલા ચેચિસ નંબરના આધારે માલિકને શોધી કાઢવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યો છે. એવી શક્યતા છે કે આ ભંગાર જંકમાંથી ઉપાડવામાં આવ્યો છે. તેને લાવીને રેલવે ટ્રેક પર રાખવામાં આવ્યો હતો અથવા જૂના કોઈ અકસ્માત બાદ રેલવે ટ્રેક પાસે પડેલ બાઇકનો ભંગાર ઉપાડીને રાખ્યો હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. હાલમાં રેલવે રાજસ્થાન પોલીસ સાથે મળીને તપાસમાં લાગેલી છે.
આ પણ વાંચો: અમીર હોય કે ગરીબ, વિશ્વના મોટા ભાગના લોકોમાં 15 પોષક તત્ત્વોની ઉણપ, ચોંકાવનારો રિપોર્ટ