ચીન-પાકિસ્તાને ભેગા મળી સરહદ પર શરૂ કર્યું આ મોટું કારસ્તાન, ભારત માટે ખતરો
એલઓસી નજીક કેટલાક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાઈ રહ્યાનો ખુલાસો
ચીન તરફથી LOCમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવી રહ્યા છે
નવી દિલ્હી, તા.25 જૂન-2023, રવિવાર
પાકિસ્તાનનું સૌથી ભરોસાપાત્ર મિત્ર હોવાનો દાવો કરતું ચીન હવે LOC પર પણ પોતાની સક્રિયતા દેખાડી રહ્યું છે. LAC પર વિવાદ યથાવત્ છે, ત્યારે ચીન હવે LOC પર પણ પાકિસ્તાનને ભરપુર મદદ કરી રહ્યું છે. સેનાના કેટલાક અધિકારીઓના જણાવ્યા અનુસાર, એલઓસી નજીક કેટલાક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યા છે, તેમાં ચીનનો હાથ હોવાનું સામે આવ્યું છે.
LOCમાં ચીનનું શું કામ ?
મળતા અહેવાલો મુજબ ચીન ગુપ્ત રીતે પાકિસ્તાનને કોમ્બેટ એરિયલ વાહનો આપી રહ્યું છે. ચીન તરફથી એલઓસીમાં અંડરગ્રાઉન્ડ કેબલ પણ નાખવામાં આવી રહ્યા છે. આ મદદ એટલા માટે કરાઈ રહી છે, ચીન પાકિસ્તાનને બતાવી શકે કે, તેનો એકમાત્ર અને સૌથી સાચો મિત્ર ચીન જ છે. ઉલ્લેખનિય છે કે, ચીન હાલ પાકિસ્તાનમાં તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પર કામ કરી રહ્યું છે.
પાકિસ્તાનને ચીનની મોટી મદદ
ભારત CPEC પ્રોજેક્ટનો સતત વિરોધ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટનો રૂટ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી પસાર થાય છે... આવી સ્થિતિમાં ભારતે વાંધો ઉઠાવ્યો છે. પરંતુ તેમ છતાં ચીન આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા માંગે છે. આ મામલે ચીન ત્યારે જ સફળ થઈ શકે છે, જ્યારે તેને પાકિસ્તાનનું સંપૂર્ણ સમર્થન મળતું રહે... આ જ કારણે ચીન તેને તમામ મોરચે સતત મદદ કરી રહ્યું છે. ત્યારે મળતા અહેવાલો મુજબ ચીને પાકિસ્તાનને અત્યાધુનિક SH-15 ગન સપ્લાય કરી છે. પાકિસ્તાને આવી કુલ 236 બંદૂકોનો ઓર્ડર આપ્યો છે.
હવે પાકિસ્તાનને મળી રહેલા આ હથિયારો પર ભારતીય સેના સત્તાવાર રીતે કંઈ પણ બોલવાનું ટાળી રહી છે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, તમામ માહિતી ગુપ્તચર તંત્રને સતત અપાઈ રહી છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે ચીન દ્વારા પાકિસ્તાનને મદદ કરવામાં આવી રહી છે. ભારત વિરુદ્ધ સતત ષડયંત્ર રચવા માટે પાકિસ્તાનને ચીન તરફથી સંપૂર્ણ મદદ મળે છે. પછી ભલે તે શસ્ત્રોના રૂપમાં રહે કે અન્ય કોઈ બાબતે...