ભારત રત્ન પદની જાહેરાત થતાં લાલ કૃષ્ણ અડવાણીએ બે હાથ જોડી, આંસુ સાથે ભારતની જનતાનો આભાર માન્યો
- આપણા યુગના સૌથી વધુ આદરણીય રાજકીય નેતા : મોદી
- પુત્રી પ્રતિભાએ કહ્યું : પ્રાણ પ્રતિષ્ઠાથી તેઓ અત્યંત આનંદિત થયા હતાં, પુત્ર જયંતે કહ્યું : જીવનના આ તબક્કે પણ તેઓના પ્રયત્નોની નોંધ લેવાઈ
નવી દિલ્હી : દેશના વરિષ્ઠ રાજકીય નેતા બહુમાન્ય તેવા લાલકૃષ્ણ અડવાણીને 'ભારત રત્ન' પદક આપવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાતથી અડવાણીનું સમગ્ર કુટુમ્બ આ સર્વોચ્ચ સન્માન તેઓને મળતાં આનંદ વિભોર થઇ ગયું છે.
અડવાણીનાં પુત્રી પ્રતિભા આ જાહેરાત થઇ ત્યારે તેઓની પાસે જ બેઠાં હતાં. આ જાહેરાત વિષે જાણી અડવાણી ભાવુક બની ગયા હતા અને આંખમાં આંસુ સાથે તેઓએ સમગ્ર ભારતના નાગરિકોનો આભાર માન્યો હતો. તેઓનાં પુત્રી પ્રતિભા અડવાણીએ તેઓને લાડુ ખવડાવ્યો હતો, અને ધન્યવાદ આપ્યા હતા.
પ્રતિભા અડવાણીએ કહ્યું : દાદા (અડવાણી)ને રાષ્ટ્રનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળતાં અમારૃં સમગ્ર કુટુમ્બ આનંદવિભોર બની ગયું છે. આજે હું મારાં દિવંગત માતુશ્રીને પણ શ્રદ્ધાંજલી અર્પું છું, કારણ કે તેઓએ મારા પિતાશ્રીનાં અંગત જીવન અને રાજકીય જીવન ઘડવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
પ્રતિભા અડવાણીએ વધુમાં જણાવ્યું કે જ્યારે અયોધ્યા મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાના સમાચારો સાંભળ્યા ત્યારે તેઓ આનંદ વિભોર બની ગયા હતા. કારણ કે તે ક્ષણ માટે તો તેઓએ જીવનભર સંઘર્ષ ખેલ્યો હતો. તેઓનું હૃદય એટલું કોમળ છે કે જ્યારે કોઈ તેઓની પ્રશંસા કરે ત્યારે તેઓની આંખોમાં આંસુ આવી જાય છે. આ બહુમાનથી તેઓ ગદગદ થઇ ગયા હતા, જો કે તેઓ બહુ જ થોડા શબ્દો બોલે છે. તેથી શબ્દોથી તેઓની લાગણી દર્શાવી શક્યા નથી, પરંતુ, આભાર દર્શન સમયે તેઓની આંખનાં આંસુઓએ ઘણું ઘણું કહી દીધું છે.
બાલકૃષ્ણના અડવાણીના પુત્ર અને ભાજપના વરિષ્ઠ નેતા જયંત અડવાણીએ કહ્યું હતું કે, જીવનના આ તબક્કે પણ તેઓની સેવાઓ અને પ્રયત્નોની ભવ્ય રીતે નોંધ લેવાઈ છે. તે જ અદ્ભુત છે.
તે સર્વવિદિત છે કે આ પૂર્વે પૂર્વવડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને પણ આ બહુમાન આપવામાં આવ્યંા હતું.
આ પૂર્વે અડવાણીને રાષ્ટ્રનું આ સર્વોચ્ચ નાગરિક સન્માન જાહેર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ આપણા યુગના સૌથી વધુ આદરણીય રાજકારણીઓ પૈકીના એક છે. રાષ્ટ્રના વિકાસમાં તેઓએ આપેલું પ્રદાન અવિસ્મરણીય છે. તેઓએ રાજકીય જીવનનો પ્રારંભ ખરા અર્થમાં ગ્રાસ રૂટથી કર્યો હતો, ત્યાંથી માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે તેમજ ગૃહમંત્રી તથા નાયબ વડાપ્રધાન તરીકે તેઓએ અમૂલ્ય ફાળો આપ્યો હતો. સંસદમાં તેઓએ કરેલું પ્રદાન ઉદાહરણરૂપ હતું અને તેમાં ઊંડી સમજ પણ હતી.
અડવાણીજીની દાયકાઓની જાહેર જીવનની યાત્રા, પારદર્શિતા અને પ્રતિબધ્ધતાનાં રાજકારણમાં આદર્શ ધોરણો સ્થાયી રહે તેવાં છે. તેઓએ રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક પુનરૂત્થાન માટે અદ્વિતીય પ્રદાન કર્યું છે. તેઓને ભારત રત્નથી બહુમાનિત કરવા તે મારા માટે પણ એક ભાવવાહી ક્ષણ છે. તેઓ પાસેથી હું ઘણું ઘણું શીખ્યો છું અને તે તકો મળી તેને હું મારો વિશેષાધિકાર માનું છું.