પૂર્વ દિગ્ગજ PM મનમોહન સિંહને ભારત રત્નથી સન્માનિત કરવા માગ, AAPનો ટેકો
Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થઈ ગયું. ગુરુવારે સાંજે તેમની તબિયત લથડી હતી. ત્યારપછી તેમને દિલ્હી એઈમ્સના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન પર સરકારે સાત દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. આજે તિરંગો પણ અડધી કાઠીએ નમેલું રહેશેે.
લાંબા સમયથી બીમાર હતા...
પૂર્વ પીએમના નિધન બાદ કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. તેમના મૃત્યુ બાદ મનમોહન સિંહના પાર્થિવ દેહને મોડી રાત્રે એઈમ્સથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. ડૉ.મનમોહન સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મનમોહન સિંહને ભારત રત્નથી સન્માનિત કરવાની માગ
દિવંગત અને પૂર્વ દિગ્ગજ વડાપ્રધાન મનમોહન સિંહને હવે ભારત રત્નથી સન્માનિત કરવાની માગ ઊઠી છે. બીજી બાજુ આજે આમ આદમી પાર્ટી તરફથી સંજય સિંહે પણ આ માગને ટેકો જાહેર કર્યો હતો. આ સાથે ભારતીય અર્થતંત્રમાં દિવંગત પીએમના ફાળાને પણ વખાણ્યો હતો.
ગાંધી પરિવારના સભ્યો અને કોંગ્રેસી દિગ્ગજો દિવંગત પૂર્વ પીએમ મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા
વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરા પણ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તેમની સાથે સાથે કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા.
PM મોદી અને અમિત શાહ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા
વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિવંગત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા આપવા પહોંચ્યા હતા. બંને ટોચના નેતાઓએ પૂર્વ પીએમના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
પૂર્વ PMના અંતિમ સંસ્કારમાં શું પ્રોટોકોલ હોય છે?
ભારતમાં પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર દરમિયાન વિશેષ રાજકીય પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે. તેનો હેતુ દેશ પ્રત્યેના તેમના યોગદાન અને તેમના પદની ગરિમાનું સન્માન કરવાનો હોય છે.
અંતિમ સંસ્કાર પહેલા પૂર્વ વડાપ્રધાનના પાર્થિવ દેહને ભારતના રાષ્ટ્રીય ધ્વજ એટલે કે ત્રિરંગામાં લપેટવામાં આવે છે.
આ સિવાય અંતિમ સંસ્કાર દરમિયાન તેમને 21 તોપોની સલામી પણ આપવામાં આવે છે. આ સલામને રાજ્યના સર્વોચ્ચ સ્તરના સન્માનનું પ્રતીક માનવામાં આવે છે.
પૂર્વ વડાપ્રધાનની છેલ્લી મુલાકાત દરમિયાન સુરક્ષા અને પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. તેમની અંતિમ યાત્રામાં સામાન્ય લોકોથી લઈને મહાનુભાવો અને રાજનેતાઓ ભાગ લે છે.
આ ઉપરાંત સૈન્ય બેન્ડ અને સશસ્ત્ર દળોના જવાનો પણ અંતિમ યાત્રામાં ભાગ લે છે અને પરંપરાગત કૂચ કરે છે.
અંતિમ સંસ્કાર ક્યાં થઈ શકે?
દેશના પૂર્વ વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર દિલ્હીમાં વિશેષ સ્મારક સ્થળો પર કરવામાં આવે છે, જેમ કે જવાહર લાલ નેહરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના અંતિમ સંસ્કાર રાજઘાટ સંકુલમાં કરવામાં આવ્યા હતા. તે જ સમયે ઘણા ભૂતપૂર્વ વડાપ્રધાનો માટે એક અલગ સમાધિ પણ બનાવવામાં આવે છે. જો કે, અંતિમ સંસ્કારની પદ્ધતિ મૃત વ્યક્તિ અને તેના પરિવારની ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. સામાન્ય રીતે ભૂતપૂર્વ વડા પ્રધાનોના અંતિમ સંસ્કાર દિલ્હીમાં થાય છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં પ્રક્રિયા સંબંધિત વ્યક્તિના ગૃહ રાજ્યમાં પણ થઈ શકે છે. તેમના અંતિમ સંસ્કારમાં દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેબિનેટ મંત્રીઓ અને અન્ય મહાનુભાવો હાજર છે.
મનમોહન સિંહની ટિપ્પણી સાચી સાબિત થઈ: થરૂર
મનમોહન સિંહના નિધન પર શશિ થરૂરે કહ્યું કે ડૉ.સિંહની ટિપ્પણી સાચી સાબિત થઈ. કોંગ્રેસ નેતાએ કહ્યું કે મનમોહન સિંહે 2014માં કહ્યું હતું કે, "હું ઈમાનદારીથી કહું તો ઈતિહાસ મારા પ્રત્યે સમકાલીન મીડિયા કે સંસદમાં વિપક્ષની તુલનાએ વધુ દયાળુ હશે અને ફક્ત દસ વર્ષ બાદ તેમની કહેલી આ વાત સાચી સાબિત થઇ રહી છે.
મનમોહન સિંહના પાર્થિવ દેહને એઈમ્સથી તેમના નિવાસસ્થાને લવાયો
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પાર્થિવ દેહને એઈમ્સથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું. તેમને એમ્સના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ડૉ.મનમોહન સિંહ કોંગ્રેસ અને દેશનું અસલી પ્રતીક હતાઃ કેસી વેણુગોપાલ
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું, 'આ દુઃખદ સ્થિતિ છે. ડૉ.મનમોહન સિંહ કોંગ્રેસ અને દેશનું અસલી પ્રતીક હતા. આઝાદી પછી તેઓ હીરો હતા. દરેક વ્યક્તિએ તેમની દૂરંદેશી અને દેશ પર શાસન કરવાની ક્ષમતા જોઈ... 28મી ડિસેમ્બરે કોંગ્રેસના સ્થાપના દિવસ સહિત 7 દિવસ માટે કોંગ્રેસના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે...'
મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી મનમોહન સિંહના ઘરે પહોંચ્યા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને બેલગાવીથી પરત ફરેલા રાહુલ ગાંધી પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ગુરુવારે રાત્રે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ કોંગ્રેસે જાહેરાત કરી કે તેણે શુક્રવારે કર્ણાટકના બેલગાવીમાં યોજાનારી રેલીને રદ કરી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બેલગાવીથી પરત ફર્યા છે અને દિલ્હી પહોંચ્યા છે.