લિવ ઈન રિલેશન પાર્ટનરની હત્યા કરી 6 મહિના ફ્રિજમાં પૂરી રાખી, પહેલાથી વિવાહિત પ્રેમી ઝડપાયો
Image Source: Freepik
Live In Relationship Murder Case: દેશમાં વધુ એક લિવ ઈન રિલેશનનો ખોફનાક અંજામ સામે આવ્યો છે. મધ્ય પ્રદેશના દેવાસમાં એક મહિલાનો મૃતદેહ 6 મહિના બાદ ફ્રિજમાંથી નીકળ્યો છે. હત્યાના આરોપમાં તેના વિવાહિત પ્રેમીની ધરપકડ કરી લેવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, જે રૂમમાં મૃતદેહ રાખ્યો હતો એ જ રૂમની બાજુમાં એક ભાડૂતી પરિવાર રહે છે પરંતુ આટલા ટાઈમમાં તેમને આ હત્યાની અને મૃતદેહની બિલ્કુલ જાણ નહોતી થઈ. જોકે, ફ્રીજ બંધ જ રહેવાના કારણે હવે દુર્ગંધ ફેલાતા આ સમગ્ર હત્યાકાંડનો પર્દાફાશ થયો છે.
પીડિતાની ઓળખ પિન્કી ઉર્ફે પ્રતિભા પ્રજાપતિના રૂપમાં થઈ છે. પોલીસે તેના પ્રેમી સંજય પાટીદારની ધરપકડ કરી લીધી છે અને આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. દેબાસના વૃંદાવન ધામમાં કારોબારી ધીરેન્દ્ર શ્રીવાસ્તવનું બે માળનું ઘર છે. તે છ મહિનાથી દુબઈમાં જ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર એક બાજુ એક રૂમ, કિચન અને ટોઈલેટ છે, અને તેની જમણી બાજુ બે બેડરૂમ અને હોલ છે. ઉપર જવા માટે બંને વચ્ચે એક સીડી છે.
આ પણ વાંચો: બેટ દ્વારકામાં ગેરકાયદે બાંધકામો પર સરકારની બુલડોઝરવાળી...1000 પોલીસકર્મીઓ ખડેપગે
પોલીસ અધિકારીઓએ આ સમગ્ર મામલે જણાવ્યું કે, ગત વર્ષે જુલાઈમાં બલવીર રાજપૂત નામના વ્યક્તિએ ગ્રાઉન્ડ ફ્લોર ભાડે લીધો હતો. પરંતુ તે જૂના ભાડૂઆત દ્વારા તાળા લગાવેલા બે રૂમનો ઉપયોગ ન કરી શક્યો. પાટીદારે જૂન મહિનામાં જ ફ્લેટ ખાલી કરી દીધો હતો પરંતુ તેણે ફ્રિજ સહિતની કેટલીક વસ્તુઓ બે રૂમમાં બંધ રાખી હતી. તે ફોન પર મકાનમાલિકને કહેતો રહ્યો કે હું ટૂંક સમયમાં મારો સામાન લેવા માટે પાછો આવીશ.
આરોપી ફ્રિજ ઓન રાખીને જતો રહ્યો હતો
બીજી તરફ બલવીરને તે રૂમોની જરૂર હતી તેથી તેણે મકાનમાલિક સાથે વાત કરી તો મકાનમાલિકે તાળું તોડીને રૂમનો ઉપયોગ કરવાનું કહ્યું. ત્યારબાદ જ્યારે બલવીરે ગુરુવારે સાંજે તાળું તોડ્યું ત્યારે તેણે જોયું કે ફ્રિજ હજુ પણ ઓન જ હતું. તેણે એવું માની લીધું કે, પહેલાના ભાડૂઆત બેદરકારીથી ફ્રિજ ચાલુ રાખીને જતો રહ્યો હશે. ત્યારબાદ તેણે ફ્રિજ બંધ કરીને રૂમ બંધ કરી દીધો અને વિચાર્યું કે બીજા દિવસે સવારે બાકી રહેલો સામાન હટાવી દઈશ.
આરોપીની ધરપકડ
શુક્રવારે સવારે રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવવા લાગી ત્યારે કેટલાક લોકોએ પોલીસને ફોન કર્યો. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ફ્રિજ ખોલીને જોયું તો તેમાં સડી ગયેલી લાશ પડી હતી. પિંકીનો મૃતદેહ ચાદરમાં લપેટાયેલો હતો. પોલીસે પડોશીઓની પૂછપરછ કરી ત્યારે સંજય પાટીદારનું નામ સામે આવ્યું. લોકોએ કહ્યું કે માર્ચ 2024થી તે અહીં જોવા નથી મળ્યો. પોલીસે પાટીદારની તલાશ કરીને તેને ઝડપી પાડ્યો અને ધરપકડ કરી લીધી.
લગ્નની જીદના કારણે હત્યા કરી નાખી
પૂછપરછ દરમિયાન પાટીદારે જણાવ્યું કે, હું પ્રતિભા સાથે પાંચ વર્ષથી લિવ ઈન રિલેશનશિપમાં રહેતો હતો. અમે ત્રણ વર્ષ ઉજ્જૈનમાં પણ રહ્યા હતા. પાટીદારે જણાવ્યું કે હું પરિણીત છું અને મારા બે બાળકો છે. પણ પ્રતિભા મારા પર લગ્ન માટે દબાણ કરી રહી હતી. હત્યાના દિવસે મેં પ્રતિભાને મનાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ પ્રતિભા પોતાના નિર્ણય પર અડગ રહી અને સંમત ન થઈ, તેથી મેં તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આરોપીએ કહ્યું કે, મેં મારા એક સાથી વિનોદ દવે સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. દુર્ગંધથી બચવા માટે મૃતદેહને ફ્રિજમાં રાખીને હાઈ મોડ પર કરી દીધું હતું. વિનોદ બીજા એક ગુનાહિત કેસમાં રાજસ્થાનની જેલમાં બંધ છે. પોલીસ તેની પૂછપરછ કરવાની પણ તૈયારી કરી રહી છે.