લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ-કોંગ્રેસનો લિટમસ ટેસ્ટ
- રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણા વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ
- તેલંગણામાં કોંગ્રેસને વિજય પછી હોર્સ ટ્રેડિંગની આશંકા, વિજેતા ધારાસભ્યોને કર્ણાટક લઈ જવાશે તેવી અટકળો
- શિવરાજસિંહને મધ્ય પ્રદેશમાં સતત ચોથી વખત મુખ્યમંત્રી બનવાની આશા, કોંગ્રેસ 'ઈન્ડિયા'માં પ્રભુત્વ વધારવા આતુર
- ચારેય રાજ્યોમાં બધા જ મતદાન કેન્દ્રો પર ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ : ચૂંટણી અધિકારીઓ
નવી દિલ્હી : રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં રવિવારે વિધાનસભા ચૂંટણીની મતગણતરી થશે. છ મહિનાથી ઓછા સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મિઝોરમ સહિત પાંચ રાજ્યોની આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે સેમીફાઈનલ સમાન બની રહી છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તા પર છે જ્યારે મધ્ય પ્રદેશમાં ભાજપનું શાસન છે. આ ત્રણે રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા છે. તેલંગાણામાં કે. ચંદ્રશેખર રાવના નેતૃત્વમાં ભારત રાષ્ટ્ર સમિતિને સતત ત્રીજી વખત સત્તા મળવાની આશા છે પરંતુ મોટાભાગના એક્ઝિટ પોલ સત્તા પરિવર્તનના સંકેત આપે છે.
એક્ઝિટ પોલ તેલંગાણામાં જેટલું સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે તેનાથી કંઈક વિપરિત સ્થિતિ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જોવા મળી રહી છે. કેટલાક એક્ઝિટ પોલના આંકડા મધ્ય પ્રદેશમાં ભાજપ આગળ રહેવાની આગાહી કરી રહ્યા છે જ્યારે કેટલાકનું માનવું છે કે રાજસ્થાનમાં કોંગ્રેસ ઈતિહાસ રચીને સતત બીજી વખત સત્તા પર આવશે. જોકે, મોટાભાગના એક્ઝિટ પોલ એક બાબતે સ્પષ્ટ છે કે છત્તીસગઢમાં ભૂપેશ બઘેલના નેતૃત્વમાં કોંગ્રેસ સત્તા પર પાછી ફરશે.
ચાર રાજ્યોમાં આકરી સુરક્ષા વચ્ચે રવિવારે સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. મધ્ય પ્રદેશમાં ૨૩૦, રાજસ્થાનમાં ૧૯૯, તેલંગાણામાં ૧૧૯ અને છત્તીસગઢમાં ૯૦ બેઠકો પર ચૂંટણી લડાઈ છે. રાજસ્થાનમાં કુલ ૨૦૦ વિધાનસભા બેઠકો છે, પરંતુ એક બેઠક પર એક ઉમેદવારનું અવસાન થયું હોવાના કારણે એક બેઠકનું મતદાન મુલતવી રખાયું છે.
ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઈવીએમ મૂકવામાં આવ્યા છે તે મતગણતરી કેન્દ્રો પર ત્રી- સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. માત્ર યોગ્ય પાસ ધરાવતી વ્યક્તિઓને જ કેન્દ્રોમાં પ્રવેશવાની મંજૂરી અપાશે. આ વર્ષે મે મહિનામાં કર્ણાટકમાં ભાજપને પછાડયા પછી કોંગ્રેસની નજર મધ્ય પ્રદેશ અને તેલંગાણામાં સત્તા પર આવવાની જ્યારે રાજસ્થાનમાં ઈતિહાસ રચીને પુનઃ સત્તા મેળવવા પર છે. આ ચૂંટણીઓમાં અસરકારક દેખાવ વિપક્ષ 'ઈન્ડિયા'માં કોંગ્રેસનું પ્રભુત્વ વધારશે. નહીં તો કોંગ્રેસ માટે 'ઈન્ડિયા'માં કેટલાક પક્ષોના વિરોધનો સામનો કરવો પડી શકે છે. વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો સામનો કરવા માટે કોંગ્રેસ, સપા, જદયુ, એનસીપી, આપ, તૃણમૂલ, ડાબેરીઓ સહિતના પક્ષો એકછત્ર હેઠળ આવ્યા છે. બીજીબાજુ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ફરીથી સત્તા મેળવીને ચોથી વખત સીએમ બનવાની આશા રાખી રહ્યા છે. રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સત્તા બદલાઈ જવાની પરંપરા જળવાઈ રહે અને રાજસ્થાન પર ફરી તેઓ જીત મેળવે તેમ પણ ભાજપ ઈચ્છે છે. લોકસભા ચૂંટણી માટે આ હિન્દી પટ્ટો ખૂબ જ મહત્વનો છે.
ભાજપ અને કોંગ્રેસ બંને રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં જીતવાના દાવા કરી રહ્યા છે ત્યારે તેઓ ચૂંટણી વિજેતા ઉમેદવારોને હોર્સ ટ્રેડિંગનો શિકાર થતા બચાવવા પણ મથામણ કરી રહ્યા છે. મોટાભાગના એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં બીઆરએસે એક દાયકા પછી સત્તા ગુમાવવી પડી શકે છે અને કોંગ્રેસ સત્તા પર આવશે. જોકે, કોંગ્રેસને પાતળી બહુમતી અથવા ત્રિશંકુ સ્થિતિ સર્જાય તો તેના ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગની આશંકા છે. તેથી જ તેલંગાણામાંથી વિજેતા ધારાસભ્યોને કર્ણાટક લઈ જવા અંગેની અટકળોએ જોર પકડયું છે.
જોકે, કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે તેલંગાણામાં કોંગ્રેસના વિજેતા ઉમેદવારોને કર્ણાટકની રિસોર્ટ્સ અને હોટેલોમાં લાવવામાં આવ્યા હોવાનો ઈન્કાર કરી દીધો છે. બેંગ્લુરુમાં શિવકુમારે કહ્યું હતું કે, કોઈપણ એમએલએ ક્યાંય પણ જવાના નથી. મને કોઈએ પણ કોઈ જવાબદારી સોંપી નથી. મને વિશ્વાસ છે કે બદા જ રાજ્યોમાં કોંગ્રેસનો વિજય થશે. શિવકુમારે જ ઑગસ્ટ ૨૦૧૭માં રાજ્યસભાની ચૂંટણી વખતે ગુજરાતના ૪૪ ધારાસભ્યોને કર્ણાટકમાં રાખવાની વ્યવસ્થા કરી હતી.
ચારેય રાજ્યોમાં કુલ 7804 ઉમેદવારો મેદાનમાં
- ત્રણ રાજ્યોમાં દ્વિપક્ષીય અને તેલંગાણામાં ચતુષ્કોણીય લડાઈ
મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, અને તેમના પ્રતિસ્પર્ધી કમલનાથ સહિત ૨૫૩૩ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મધ્ય પ્રદેશમાં ૨૩૦માંથી ૪૭ બેઠકો આદિવાસીઓ માટે અને ૩૫ બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. રાજસ્થાનમાં ૧૯૯ બેઠકો પર ૧૮૦૦ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થયું છે. અહીં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ અને કોંગ્રેસ વારાફરથી સત્તા ભોગવી રહ્યા છે. નક્સલપ્રભાવિત છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થયું હતું, પરંતુ અહીં ૩૩ જિલ્લામાં મત ગણતરી એક જ તબક્કામાં એક સાથે થવાની છે. અહીં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, ટીએસ સિંહદેવ સહિત ૧૧૮૧ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ આ ત્રણેય રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી દ્વિપક્ષીય લડાઈ છે.
બીજીબાજુ તેલંગાણામાં બીઆરએસ સુપ્રીમો ચંદ્રશેખર રાવ, ટીપીસીસીના પ્રમુખ એ રેવન્થ રેડ્ડી અને ભાજપના લોકસભા સભ્ય સંજય કુમાર, ડી અરવિંદ અને સોયમ બાપુ રાવ સહિત ૨૨૯૦ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. અહીં કેટલીક બેઠકો પર બીઆરએસ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિકોણીય જંગ છે જ્યારે કટલીક બેઠક પર અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વમાં એઆઈએમઆઈએમના ઉમેદવારો ચતુષ્કોણીય જંગની સંભાવના ઊભી કરે છે.
કોંગ્રેસના અનેક મંત્રીઓના પરાજયની આશંકા
- સટ્ટા બજારમાં રાજસ્થાનમાં ભાજપને સ્પષ્ટ બહુમત : વસુંધરા રાજે જીતશે
ચાર રાજ્યોની વિધાનસભાના ચૂંટણી પરિણામો જાહેર થવાને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પોત-પોતાની જીતના દાવા કરી રહ્યા છે. જોકે, રાજકીય પક્ષોના દાવા અને એક્ઝિટ પોલના અંદાજો કંઈપણ કહેતા હોય, પરંતુ રાજસ્થાનના સૌથી મોટા ફલોદી સટ્ટા બજારમાં ભાજપને પૂર્ણ બહુમતી મળવાના સંકેતો મળી રહ્યા છે.
રાજસ્થાનમાં સટોડિયા ભાજપના વિજય અંગે આશ્વસ્ત જણાઈ રહ્યા છે અને ભગવા પક્ષને ૧૧૫થી વધુ અને કોંગ્રેસને ૭૦ જેટલી બેઠકો મળવાનો દાવો કરી રહ્યા છે. સટ્ટાબાજોના સટ્ટાનો ટ્રેન્ડ ભલે જમીન પરની સ્થિતિને પ્રતિબિંબિત ના કરતો હોય, પરંતુ હાલ ભાજપ તેમની પસંદગીનો પક્ષ છે. એક સટ્ટાખોરે કહ્યું કે ભાજપના ૧૧૭ બેઠકો જીતવાના અંદાજ પર સટ્ટો લગાવનારાને એક રૂપિયાથી લઈને ૨૫ પૈસા સુધીનો ભાવ ઓફર કરાઈ રહ્યો છે. એ જ રીતે કોંગ્રેસના ૭૦થી વધુ બેઠકો નહીં જીતવા પર દાવ લગાવનારા માટે રૂ. ૧.૨૫થી લઈને રૂ. ૧ સુધની ઓફર કરાઈ રહી છે.
સટ્ટા બજાર મુજબ અનેક કેબિનેટ મંત્રીઓ સહિત બંને પક્ષોના અનેક અગ્રણી નેતાઓનું નસીબ આ વખતે જોખમમાં છે. સટ્ટાબાજોએ કેટલાક મંત્રીઓના પરાજયની ભવિષ્યવાણી કરી છે. સટ્ટાબાજોના અંદાજ મુજબ મુખ્યમંત્રી અશોક ગેહલોત, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ તેમની બેઠકો જીતી રહ્યા છે. બળવાખોરો વિરુદ્ધ ચૂંટણી લડવાના કારણે બંને પક્ષોના કેટલાક અગ્રણી નેતાઓનું નસીબ ફસાયેલું છે, જેમાં મુખ્ય ભાજપના બાલકનાથ (તિજારા) અને નરપતસિંહ રાજવી (ચિત્તૌડગઢ) જ્યારે કોંગ્રેસના બીડી કલ્લા (બીકાનેર પશ્ચિમ) અને હરીશ ચૌધરી (બાયતુ)નો સમાવેશ થાય છે.