લાખો રૂપિયાનો પગાર અને સફળ કરિયર છોડી 5 IIT એન્જિનિયર્સ બન્યા સંન્યાસી, જાણો એમની રસપ્રદ જીવનકથા
IIT BABA: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભની રસપ્રદ હકીકતો રોજેરોજ દેશવાસીઓ સામે આવી રહી છે. એમાંની એક આશ્ચર્ય જગાવતી વાત છે IIT બાબાઓની પણ છે. એવા યુવાનો જે IIT (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલૉજી) જેવી દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી એન્જિનિયર બન્યા હોવા છતાં કોઈક કારણસર સંસાર છોડીને સંન્યાસી બની ગયા હોય. ચાલો, આજે ડોકિયું કરીએ એમની રસપ્રદ જીવનકથામાં.
સૌથી વધુ જાણીતા થયેલા બાબા ‘અભય સિંહ’
અભય સિંહનો જન્મ 1990માં હરિયાણાના સસરોલી ગામમાં થયો હતો. સોશિયલ મીડિયાને કારણે અભય સિંહ ખૂબ જાણીતા થયા છે. IIT બોમ્બેમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ થયેલા અભય સિંહે કેનેડામાં સારી નોકરી છોડીને સંન્યાસનો માર્ગ અપનાવ્યો છે. સંસારમાંથી તેમનો મોહ છૂટી ગયો એનું કારણ બાળપણમાં પરિવારમાં જોયેલી હિંસા હોવાનું કહેવાયું છે.
ઇસ્કોનમાં જોડાઈને આધ્યાત્મિક પંથે અગ્રેસર થયા ‘ગૌરાંગ દાસ પ્રભુ’
ગૌરાંગ દાસ પ્રભુ પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ છે. તેમણે IIT બોમ્બેમાંથી મેટલર્જિકલ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું હતું. તેમણે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ(ઇસ્કોન)માં જોડાઈને આધ્યાત્મિક માર્ગને અનુસરવાનું નક્કી કર્યું હતું. તેઓ એક પ્રેરક વક્તા, પર્યાવરણીય કાર્યકર્તા, સમાજ સુધારક, શિક્ષક અને નેતૃત્વ સલાહકાર છે. તેમણે ઘણા પુસ્તકો પણ લખ્યા છે.
ગણિતના નિષ્ણાત છે ‘મહાન એમજે’
56 વર્ષના ‘મહાન એમજે’ સ્વામી વિદ્યાનાથાનંદ તરીકે પણ જાણીતા છે. તેમણે 1992માં IIT કાનપુરમાંથી ગણિતમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી. તેઓ ભારતીય ગણિતશાસ્ત્રી અને રામકૃષ્ણ સંપ્રદાયના સાધુ છે. તેમણે હાઇપરબોલિક ભૂમિતિ અને ભૌમિતિક જૂથ સિદ્ધાંતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
નાસ્તિકમાંથી આસ્તિક બનવાની સફર ખેડનાર ‘સંકેત પરીખ’
ગુજરાતી યુવાન સંકેત પરીખે IIT બોમ્બેમાંથી કેમિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે. તેઓ અમેરિકામાં સારી નોકરી કરતા હતા. એ સમયે તેઓ નાસ્તિક હતા. આચાર્ય યુગ ભૂષણ સૂરીએ સંકેત પરીખને જૈન ધર્મના સાધુ બનવા માટે માર્ગદર્શન આપ્યું, ત્યારબાદ તેઓએ 29 વર્ષની ઉંમરે નોકરી અને વૈભવી જીવન છોડી દીધું હતું અને જૈન સંન્યાસ અપનાવી લીધો હતો. આમ કરવા બદલ તેમને પરિવાર અને મિત્રોનો ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
યોગ ગુરુ ‘સ્વામી મુકુન્દાનંદ’
સ્વામી મુકુન્દાનંદે IIT દિલ્હીમાંથી B.Tech કર્યું છે. ઉપરાંત તેમણે કોલકાતાના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ(IIM)માંથી MBA પણ કર્યું છે. તેઓ યોગ શિક્ષક અને આધ્યાત્મિક ગુરુ છે. તેઓ વેદોના જાણકાર છે. તેમણે ઘણા પુસ્તકો લખ્યા છે.
કરોડોનું પેકેજ ત્યાગીને સંન્યાસ ધારણ કરનાર ‘અવિરલ જૈન’
IIT ભુવનેશ્વરમાંથી કમ્પ્યુટર સાયન્સની ડિગ્રી મેળવનાર અવિરલ જૈન અમેરિકામાં વોલમાર્ટમાં નોકરી કરતા હતા. મહિને 30 લાખ રૂપિયાનો પગાર છોડીને તેઓ આધ્યાત્મના પંથે ચાલી નીકળ્યા હતા. તેમણે પણ જૈન સંન્યાસ અપનાવ્યો છે.