દિલ્હીમાં પૂર્વ સરકારની શરાબ નીતિથી ૨૦૦૦ કરોડનું નુકસાન, સીએજીના રિપોર્ટમાં ખુલાસો
શરાબનીતિમાં બદલાવ માટે નિષ્ણાત સમિતિની ઉપેક્ષા કરવામાં આવી હતી
રાજસ્વમાં રુપિયા ૯૪૧.૫૩ કરોડ અને લાયસન્સ શૂલ્ક તરીકે ૮૯૦.૧૫ રુપિયાનું નુકસાન
નવી દિલ્હી,25 ફેબ્રુઆરી,2025,મંગળવાર
દિલ્હીમાં વિધાનસભાના પટલ પર સીએજીના રિપોર્ટ રજૂ થતા હંગામો મચી ગયો છે જેમાં આ અહેવાલમાં જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની આમ આદમી પાર્ટીની સરકારે ૨૦૨૧-૨૨માં તૈયાર કરેલી લિકર પોલિસીથી ૨ હજાર કરોડથી વધુનું નુકસાન થયું હતું. આબકારી નીતિ લાગુ પાડવાના કથિત ગોટાળાને લઇને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ તિહાડ જેલમાં રહેવું પડયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આમ આદમી પાર્ટી સરકાર પર કુલ ૧૪ સીએજી અહેવાલ વિધાનસભાના ફલોર પર રજૂ થવાની છે જેમાંની આ એક છે. વર્તમાન અહેવાલ એમાંનો જ એક ભાગ છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે શરાબનીતિમાં બદલાવ માટે જે નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં તેમની ભલામણોને પણ તત્કાલિન ઉપ મુખ્યમંત્રી અને આબકારી મંત્રી મનીષ સિસોદિયાએ ઉપેક્ષા કરી હતી.
સરકારી રાજસ્વમાં રુપિયા ૯૪૧.૫૩ કરોડ અને લાયસન્સ શૂલ્ક તરીકે ૮૯૦.૧૫ કરોડ રુપિયાનું નુકસાન થયું હતું. બીજી કેટલીક છુટછાટોના લીધે ૧૪૪ કરોડ રુપિયાની આવક ઓછી થઇ હતી. કુલ ૧૫ જેટલા પેરાના આધારે સમગ્ર રિપોર્ટનું તારણ કાઢવામાં આવ્યું હતું. રિપોર્ટમાં કેજરીવાલ સરકારના જુદા જુદા પગલાના લીધે ૨ હજાર કરોડનું નુકસાન આંકવામાં આવ્યું છે.
જેમાં નોન કંફોર્મિગ વોર્ડસ, સરેન્ડર કરવામાં આવેલા લાયસન્સના ટેન્ડર નહી કરવાથી.ઝોનલ લાયસન્સની ફી માફ કરવાથી, ઝોનલ લાયસન્સની યોગ્ય સિકયોરિટી ડિપોઝિટ નહી લેવાથી થયેલા નુકસાનનો સમાવેશ થાય છે.દિલ્હીમાં રેખા ગુપ્તાના મુખ્યમંત્રી પદે ભાજપ સરકારે શાસન સંભાળી લીધું છે. ૨૭ વર્ષ પછી દિલ્હીમાં ભાજપનું શાસન આવતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના દસ વર્ષના શાસનની પોલ ખોલવાનું શરુ કરતા દિલ્હીના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહયો છે.