Get The App

પતંજલિ આયુર્વેદની 14 વસ્તુઓનું લાઇન્સસ રદ : રામદેવની મુશ્કેલી વધી

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
પતંજલિ આયુર્વેદની 14 વસ્તુઓનું લાઇન્સસ રદ : રામદેવની મુશ્કેલી વધી 1 - image


- રામદેવે દવાઓના કાયદા અને નિયમોનો ભંગ કર્યો : સુપ્રીમમાં ઉત્તરાખંડ સરકારનું સોગંદનામુ

- સ્વાસારી ગોલ્ડ, વટી, પ્રવાહી, મુક્તા વટી એક્સ્ટ્રા પાવર, લિવામૃત એડવાંસ, દ્રષ્ટી આઇ ડ્રોપ વગેરેનું ઉત્પાદન-વેચાણ નહીં થઇ શકે

નવી દિલ્હી : બાબા રામદેવ અને પતંજલિ સામે સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. આ સ્થિતિ વચ્ચે ઉત્તરાખંડ સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કર્યું હતું અને જણાવ્યું હતું કે રાજ્યની લાઇસેંસ ઓથોરિટીએ પતંજલિ અને દિવ્ય ફાર્મસીની ૧૪ વસ્તુઓના ઉત્પાદનનું લાઇસેંસ રદ કરી દીધુ છે. તેને પગલે આ વસ્તુઓનું ઉત્પાદન નહીં કરી શકે તેમજ તેને વેચી પણ નહીં શકે. 

રામદેવ અને પતંજલિ સામે સુપ્રીમ કોર્ટમાં અવમાનના અને ગેરમારગે દોરતી જાહેરાતોનો કેસ ચાલી રહ્યો છે એવામાં ઉત્તરાખંડ સરકારે મોટો ફટકા આપ્યો છે. 

સુપ્રીમ કોર્ટમાં દાખલ સોગંદનામામાં ઉત્તરાખંડ લાઇસેંસ ઓથોરિટીએ જણાવ્યું હતું કે અમે દિવ્ય ફાર્મસી અને પતંજલિ આયુરિવેદ લિ.ની જે ૧૪ વસ્તુના ઉત્પાદન પર પ્રતિબંધ મુક્યો છે અને ઉત્પાદનના લાઇસેંસ રદ કર્યા છે તેમાં સ્વાસારી ગોલ્ડ, સ્વાસારી વટી, બ્રોકોમ, સ્વાસારી પ્રવાહી, સ્વસારી અવાલેહ, મુક્તા વટી એક્સ્ટ્રા પાવર, લિપિડોમ, બીપી ગ્રિટ, મધુગ્રિટ, મધુનાશિની વટી એક્સ્ટ્રા પાવર, લિવામૃત એડવાંસ,  લિવોગ્રિટ, આઇ ગ્રિટ ગોલ્ડ, પતંજલિ દ્રષ્ટી આઇ ડ્રોપનો સમાવેશ થાય છે. 

ઉત્તરાખંડ સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે પતંજલિ દ્વારા ધ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ રુલ્સ, ૧૯૪૫નું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાથી અમે આ ૧૪ વસ્તુઓના ઉત્પાદન પર પ્રતિબંધ મુકીને લાઇસેંસ રદ કરી દીધુ છે. અમારા આ આદેશનો યોગ્ય રીતે અમલ થાય તે માટે સ્થાનિક ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને પણ કડક સુચના આપવામાં આવી છે. એટલુ જ નહીં આ મામલે સ્થાનિક ડ્રગ્સ ઇન્સ્પેક્ટર દ્વારા ૧૬મી એપ્રીલના રોજ હરીદ્વારના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ, દિવ્ય ફાર્મસી અને પતંજલિ આયુર્વેદ લિ. સામે ફરિયાદ દાખલ કરી છે. ડ્રગ્સ એન્ડ મેજિક રેમડીઝ (વાંધાજનક જાહેરાતો) કાયદા ૧૯૫૪ની કલમ ૩, ૪ અને સાત હેઠળ આ ફરિયાદ દાખલ કરાઇ છે. રામદેવ અને અન્યો સામે કરાયેલી કાર્યવાહીની જાણકારી કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયને પણ આપવામાં આવી છે. 

આ તમામ કાર્યવાહીના પુરાવા અને દસ્તાવેજો ઉત્તરાખંડ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. અગાઉ સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકાર સામે આકરી ટિપ્પણી કરતા કહ્યું હતું કે જો કાયદા અને નિયમો મુજબ કાર્યવાહી કરવામાં ના આવી તો અમે તમને છોડીશું નહીં. સાથે જ જે પણ આરોપો થયા તેને લઇને શું કાર્યવાહી કરવામાં આવી તેનો જવાબ પણ સુપ્રીમ કોર્ટે માગ્યો હતો. પરિણામે ઉત્તરાખંડ સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને કરાયેલી કાર્યવાહી અંગે જાણકારી આપી હતી. જેથી સ્પષ્ટ છે કે હવે ઉત્તરાખંડની કોર્ટમાં બાબા રામદેવ, પતંજલિ અને બાલકૃષ્ણની સામે કાયદાનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવશે. જેથી રામદેવ અને અન્ય આરોપીઓની મુશ્કેલી વધી શકે છે.


Google NewsGoogle News