મધ્ય પ્રદેશમાં બુરાડી જેવી ઘટના, ફાંસો ખાધેલી હાલતમાં એક જ પરિવારના 5નાં મૃતદેહ મળતા ખળભળાટ
Image : Represantative Image |
Alirajpur News | મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લામાં એક ઘરમાં પાંચ લોકો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પતિ-પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહ મળ્યાની માહિતી મળતા જ જિલ્લાના એસ.પી. ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. આ હત્યા છે કે સામૂહિક આપઘાત તે અંગે એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તે વિશે ખુલાસો થઇ શકશે. ખાસ વાત એ છે કે આ ઘટનાએ આજના દિવસે જ એટલે કે 1 જુલાઈ 2018ના રોજ દિલ્હીના બુરાડીમાં બનેલી ઘટનાની યાદ અપાવી છે.
દિલ્હીમાં પણ બની હતી આવી ઘટના
અગાઉ દિલ્હીના બુરાડીમાં સામૂહિક આપઘાતના કેસથી આખો દેશ હચમચી ગયો હતો. આજે 1 જુલાઈએ આ કાંડને 6 વર્ષ વીતી ગયા. 30 જૂન 2018ની મોડી રાતે 12 વાગ્યાથી એક વાગ્યાની આસપાસ ચુંડાવત પરિવારના 11 લોકોએ આપઘાત કરી લીધો હતો. દસ લોકો ફાંસીના માચડે લટકી ગયા હતા. જોકે પરિવારના સૌથી વૃદ્ધ સભ્ય દાદીને ગળે ટૂંપો આપી દેવામાં આવ્યો હતો. આગામી દિવસે એટલે કે 1 જુલાઈ 2018ના રોજ મૃત્યુ બાદ વહેલી સવારે તેમના શબ ઘરેથી મળી આવ્યા હતા.
સંબંધીઓનો મોટો દાવો
અલીરાજપુર જિલ્લાના સોંડવા પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં રાવડી ગામમાં આ ઘટના બની હતી. મૃતકોના ઘરના વડા રાકેશ, તેની પત્ની લલિતા અને દીકરી લક્ષ્મી, બે દીકરા અક્ષય તથા પ્રકાશ આ ઘટનાનો ભોગ બન્યા હતા. સંબંધીઓના અહેવાલ અનુસાર સંપૂર્ણ પરિવારની હત્યા કરાઈ હોય તેવું લાગે છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.