યુપીમાં પત્નીથી કંટાળી IT મેનેજરે રડતાં રડતાં વીડિયો બનાવ્યો અને આત્મહત્યા કરી લીધી
Agra Self-Destruction Case: ઉત્તર પ્રદેશના આગરામાં પત્નીના ત્રાસથી કંટાળીને એક આઇ.ટી. કંપનીના મેનેજરે આત્મહત્યા કરી લીધી છે. મેનેજરે ગળામાં ફાંસો લગાવીને રડતાં રડતાં લાઇવ વીડિયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પીડિતે તેની પત્નીને આત્મહત્યા માટે જવાબદાર ગણાવી હતી. આ મામલે મૃતકના પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાએ બેંગલુરૂના અતુલ સુભાષ સુસાઇડ કેસની યાદ તાજા કરાવી દીધી છે.
આગરાની ડિફેન્સ કોલોનીમાં રહેતા માનવ શર્મા એક મોટી આઇ.ટી. કંપનીમાં રિક્રૂટમેન્ટ મેનેજરના પદ પર કામ કરતો હતો. માનવે 24 ફેબ્રુઆરીએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. મોતને ગળે ભેટતા પહેલાં માનવે રડતાં રડતાં દર્દનાક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે પોતાની પત્નીના ચરિત્ર પર સવાલો ઉઠાવ્યા હતા.
વીડિયોમાં માનવ શર્મા કહે છે કે મેં અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હવે પત્નીથી એટલો કંટાળી ગયો છું કે મરવા સિવાય બીજો કોઇ ઉપાય નથી. માનવે કાયદા અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવતાં પુરૂષોને પ્રોટેક્ટ કરવા માટે કાયદો બનાવવાની વાત કહી હતી.
પોતાના 'અંતિમ વીડિયો' માં માનવ કહે છે કે 'પપ્પા સોરી, મમ્મી સોરી, અક્કૂ સોરી... હવે હું વિદાય લઇ રહ્યો છું.' પુરૂષોને પ્રોટેક્ટ કરવા માટે કાયદાની જરૂર છે. પ્લીઝ પુરૂષો વિશે કોઇ તો વાત કરો. મરતાં પહેલાં માનવે માત-બાપને હેરાન ન કરવાની અપીલ કરી.
શું હતો અતુલ સુભાષનો કિસ્સો
કર્ણાટકના બેંગલુરુના રહેવાસી અતુલ સુભાષના લગ્ન ઉત્તર પ્રદેશના જૌનપુરની રહેવાસી નિકિતા સિંઘાનિયા સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ સુધી તો બધું બરાબર ચાલ્યું, પછી નિકિતા અચાનક બેંગલુરુથી પાછી જૌનપુર જતી રહી. તેણે પોતાના પતિ અતુલ અને સાસરીવાળાની સામે દહેજ ઉત્પીડન અને ઘરેલું હિંસાનો કેસ કરી દીધો હતો.
સાસરિયાઓ પર પણ લગાવ્યો આરોપ
અતુલ સુભાષે પોતાની આત્મહત્યા પહેલાં બનાવેલા વીડિયોમાં જણાવ્યું કે, 'મારી મોત માટે મારી પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા, સાળો અનુરાગ અને કાકાજી સસરા સુશીલ સિંઘાનિયા જવાબદાર છે. પૈસા પડાવવા માટે મારી પત્ની અને સાસરીવાળાઓએ કાવતરૂ ઘડ્યું. તેના પરિવારે મને જૂઠા કેસમાં ફસાવી દીધો. મારી અને મારા પરિવારની જિંદગી બર્બાદ કરી દીધી.'
2 વર્ષમાં 120 તારીખ
પોતાના વીડિયોમાં અતુલે જણાવ્યું કે, 'અત્યાર સુધી 120 કેસની તારીખ આપવામાં આવી છે અને 40 વાર ખુદ હું બેંગલુરુથી જૌનપુર જઈ આવ્યો છું. આ સિવાય મારા માતા-પિતા અને ભાઈને પણ કોર્ટના ધક્કા ખાવા પડી રહ્યાં છે. આ વાત જાણીને નવાઈ લાગશે કે, મોટાભાગની તારીખે તો કોર્ટમાં કંઈ થતું જ નથી. ક્યારેક જજ નથી હોતા અને ક્યારેક હડતાળ હોય છે. સુનાવણી દરમિયાન કોઈપણ પક્ષનો વકીલ આગળની તારીખની ડિમાન્ડ કરી શકે છે. મને વર્ષમાં ફક્ત 23 રજા જ મળે છે અને હવે હું આ સિસ્ટમથી થાકી ગયો છું.'