ઓડિશામાં આકાશી આફતે તબાહી મચાવી, વીજળી પડવાથી નવ લોકોના મોત
Lightning Strikes In Odisha: ઓડિશામાં ભારે વરસાદ સાથે વીજળી પડવાની ઘટનાઓ સામે આવી છે. શનિવારે (17મી ઑગસ્ટ) ઓડિશાના વિવિધ ભાગોમાં વીજળી પડવાથી નવ લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મૃત્યુ પામેલા નવ લોકોમાંથી બે મયુરભંજ, બાલાસોર અને ભદ્રક જિલ્લા અને કેઓંજરમાં હતા. ખેંકનાલ અને ગંજમ જિલ્લામાં ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટનાને લઈને મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પીડિત પરિવારોને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
ઓડિશામાં 5 વર્ષમાં વીજળી પડવાથી 10741 મૃત્યુ નોંધાયા
અહેવાલો અનુસાર, મયુરભંજ જિલ્લામાં આદિવાસી દંપતી પર વીજળી પડતા મૃત્યુ થયું હતું. જ્યારે ભદ્રક જિલ્લામાં 29 વર્ષીય અમર સેઠી અને હેમંત બારિક ખેતરોમાં કામ કરતી વખતે વીજળી પડવાથી મૃત્યુ પામ્યા હતા. કેઓંઝર જિલ્લામાં પણ વીજળી પડવાને કારણે 13 વર્ષના છોકરાનું મૃત્યુ થયું હતું, જ્યારે બારગઢ જિલ્લામાં 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી ચારની હાલત ગંભીર છે. નોંધનીય છે કે, છેલ્લા 5 વર્ષમાં ઓડિશામાં વીજળી પડવાથી 10741 મૃત્યુ નોંધાયા છે.
આ પણ વાંચો: જે મહિલા ડૉક્ટર જીવ બચાવી રહી હતી તેના પર જ હુમલો, મુંબઈમાં નશામાં ધૂત દર્દી અને સંબંધીઓએ કરી મારામારી
વન વિભાગ 20 લાખ તાડના વૃક્ષો રોપશે
ઓડિશા સરકારના મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યું હતું કે, 'ઓડિશામાં વીજળી પડવાથી મૃત્યુઆંક વધી રહ્યો છે. નિવારક પગલા તરીકે, વન વિભાગ દ્વારા સમગ્ર ઓડિશામાં 20 લાખ તાડના વૃક્ષો રોપશે. ઓડિશામાં તમામ સંવેદનશીલ સ્થળોએ 20 લાખ પામ વૃક્ષો વાવવામાં આવે. વીજળી પડવાથી થતા મૃત્યુને રોકવા માટે, સરકારે એક અભિયાન શરૂ કર્યું અને આ અભિયાન હેઠળ ગુડ કન્ડક્ટર તરીકે ઓળખાતા તાડના વૃક્ષો વાવવાનું વિચાર્યું.'