બસપા MLA રાજુ પાલ હત્યાકાંડમાં તમામ સાત આરોપીઓને આજીવન કેદ, CBI કોર્ટનો નિર્ણય
Raju Pal Murder Case: બસપા MLA રાજુ પાલ હત્યાકાંડના તમામ સાત આરોપીઓને CBI લખનઉ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. આરોપીઓમાં માફિયા અતીક અહેમદના ત્રણ શાર્પ શૂટર્સ ફરહાન, આબિદ અને અબ્દુલ કવિ પણ સામેલ છે. આ ઉપરાંત જાવેદ, ઈસરાર, રંજીત પાલ અને ગુલ હસનને પણ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. હત્યાકાંડના બે આરોપીઓ માફિયા અતીક અહેમદ અને અશરફનું મોત થઈ ચૂક્યું છે.
ફિલ્મી અંદાજમાં હત્યાકાંડને આપ્યો હતો અંજામ
બસપાના ધારાસભ્ય રાજુ પાલ જ્યારે 25 જાન્યુઆરી 2005ના રોજ ધુમાનગંજના નીવાંમાં બે વાહનોના કાફલામાં તેમના સાથીદારો સાથે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેઓ SRN હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાઉસથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સુલેમાનસરાઈમાં તેમની કારને ઘેરી લેવામાં આવી હતી અને ગોળીબાર કરવામાં આવ્યો હતો. રાજુ પાલ પોતે કાર ચલાવી રહ્યા હતા. રાજુ પાલની હત્યા સંપૂર્ણ ફિલ્મી અંદાજમાં કરવામાં આવી હતી. આસપાસના લોકો હજુ પણ ગોળીઓના અવાજને યાદ કરીને કાંપી ઉઠે છે.
રાજુ પાલના કાફલા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો
બસપા ધારાસભ્યની હત્યા ચૂંટણી દુશ્મનાવટના કારણે કરવામાં આવી હતી. રાજુ પાલ 2004ની વિધાનસભા ચૂંટણીમાં BSPની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. આ ચૂંટણીમાં અતીક અહેમદના ભાઈ અશરફની હાર થઈ હતી. તેનો બદલો લેવા માટે બંને ભાઈઓએ ધારાસભ્યની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. હુમલાખોરો સ્કોર્પિયોમાં આવ્યા હતા. હુમલાખોરોએ રાજુ પાલના કાફલા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તેમાં રાજુપાલને 19 ગોળીઓ વાગી હતી. ઉમેશ પાલ આ હત્યાકાંડનો સાક્ષી હતો. પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરી 2023ના રોજ આ સાક્ષીની અતીકના શૂટરોએ ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી નાખી હતી.