ઝારખંડમાં પેપર લીક કેસમાં આજીવન કેદ અને 10 કરોડ સુધીના દંડની જોગવાઈ, નવા કાયદાને રાજ્યપાલે આપી મંજૂરી
Image Source: Twitter
- પેપર લીક અને નકલને લગતા કેસોમાં પ્રાથમિક તપાસ વિના FIR અને ધરપકડની જોગવાઈ
રાંચી, તા. 30 નવેમ્બર 2023, ગુરૂવાર
ઝારખંડમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક અને નકલ રોકવા માટે કડક કાયદાનો અમલ કરવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને ગત ઓગસ્ટમાં વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા બિલને મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડતાં જ તે કાયદાનું રૂપ લેશે. આ કાયદામાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક કરવા બદલ ઓછામાં ઓછા 10 વર્ષ અને વધુમાં વધુ આજીવન કેદથી લઈને 10 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈઓ છે.
બિલની મહત્વપૂર્ણ બાબતો
1. આ કાયદાનું નામ ઝારખંડ સ્પર્ધાત્મક પરીક્ષા અધિનિયમ 2023 હશે. તેમાં એવી જોગવાઈ છે કે, જો કોઈ ઉમેદવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રથમ વખત નકલ કરતા પકડાશે તો તેને એક વર્ષની જેલ થશે અને 5 લાખ રૂપિયાનો દંડ થશે.
2. બીજી વખત પકડાવા પર 3 વર્ષની સજા અને 10 લાખના દંડની જોગવાઈ છે. ન્યાયાલય દ્વારા સજા થવા પર સબંધિત ઉમેદવાર 10 વર્ષો સુધી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા નહીં આપી શકશે.
3. પેપર લીક અને નકલને લગતા કેસોમાં પ્રાથમિક તપાસ વિના FIR અને ધરપકડની જોગવાઈ પણ કરવામાં આવી છે. પેપર લીક અને કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે ગેરમાર્ગે દોરનારી માહિતીનો પ્રચાર કરનારાઓ પણ આ કાયદાના દાયરામાં આવશે. આ કાયદો રાજ્ય લોક સેવા આયોગ, સ્ટેટ સ્ટાફ સિલેક્શન કમિશન, ભરતી એજન્સીઓ, કોર્પોરેશનો અને સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં લાગુ થશે.
4. આ કાયદામાં પેપર લીક સાથે સંબંધિત મામલે કડક જોગવાઈઓ કરવામાં આવી છે. તેમાં પરીક્ષાઓના સંચાલન સાથે જોડાયેલા વ્યક્તિ, એજન્સીઓ, પ્રિન્ટિંગ પ્રેસ અને ષડયંત્રમાં સામેલ લોકો દાયરામાં આવશે.
5. જો કોઈ પ્રિન્ટીંગ પ્રેસ, પરીક્ષાનું સંચાલન કરતી વ્યવસ્થાપન તંત્ર, પરિવહન સાથે સંકળાયેલી વ્યક્તિ અથવા કોઈ કોચિંગ સંસ્થા ષડયંત્રકારની ભૂમિકા ભજવશે તો તેને સજા 10 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. આમાં 2 કરોડથી 10 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ છે. દંડ ન ભરવા પર ત્રણ વર્ષની વધારાની સજા ભોગવવી પડશે.
આ બિલને લઈને વિધાનસભામાં જોરદાર હંગામો થયો હતો. વિપક્ષના ધારાસભ્યોએ તેની પ્રતિઓ ફાડી નાખી હતી. વિપક્ષના ધારાસભ્યોના બહિષ્કાર વચ્ચે બિલ પસાર કરવામાં આવ્યું હતું.