કાશ્મીરમાં ભારે બરફવર્ષા પછી જીવન રાબેતા મુજબ : હરિયાણા, રાજસ્થાનમાં કાતિલ ઠંડી
શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફલાઇટ્સ શરૂ કરવામાં આવી
એક દિવસ બંધ રાખવામાં આવ્યા પછી મહત્ત્વપૂર્ણ જમ્મુ-શ્રીનગર હાઇવે પર વાહન વ્યવહાર ચાલુ
હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં બરફ વર્ષા સતત ચાલુ છે. કલ્પા, કુફરી, નારાકંડા, કીલોંગમાં બરફ વર્ષા ચાલુ છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડયો હતો. રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલો હતો.
શનિવારની ભારે બરફ વર્ષા પછી માર્ગોને વાહન વ્યવહાર માટે ખોલવા જમ્મુ-કાશ્મીર સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓને ભારે જહેમત ઉઠાવી પડી હતી. રાજ્યના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહે આ કર્મચારીઓની કામગીરીની પ્રશંસા કરી હતી.
આજે સવારે શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર ટ્રાફિક શરૂ કરી દેવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ પણ ફલાઇટ ફરીથી શરૂ થઇ ગઇ હોવાની સત્તાવાર જાહેરાત કરી હતી. એક દિવસ બંધ રાખવામાં આવ્યા પછી શ્રીનગર-જમ્મુ નેશનલ હાઇવે પણ ફરીથી ખુલ્લુ મૂકવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ હાઇવે કાશ્મીર ખીણને દેશના અન્ય ભાગો સાથે જોડે છે. હરિયાણાના અંબાલામાં મહત્તમ તાપમાન ૧૫.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. પંજાબના અમૃતસરમાં દિવસ દરમિયાન ૧૬.૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. દિલ્હીમાં મહત્તમ તાપમાન ૧૮ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. રાજસ્થાનના કોટામાં હળવો વરસાદ પડયો હતો.