અધિકારીઓની રજાઓ રદ, ઈમરજન્સી કંટ્રોલ રૂમ બનાવવા નિર્દેશ: દિલ્હીમાં પાણી ભરાઇ ગયા પછી એક્શનમાં આવ્યું તંત્ર
Delhi Rain : આમ તો દિલ્હીમાં ઘણા દિવસ પહેલા ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, જોકે આ બે દિવસમાં પડેલા વરસાદે ભારે મુશ્કેલી સર્જી છે. મેઘરાજાએ આખી રાજધાનીને ઘરમોળી નાખ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અહીં આજે સવારે ભારે વરસાદ પડ્યા બાદ ચારેકોર પાણી ભરાઈ ગયા છે. એટલું જ નહીં રાજધાનીમાં ક્યાંક અંડરપાસ છલકાઈ ગયા છે, તો રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. આ ઉપરાંત કેટલાક સ્થળોએ આખે આખી કાર ડુબી ગઈ હોવાની તસવીરો સામે આવી છે. હવે રાજધાનીની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર એક્શમાં આવી ગયું છે અને ઈમરજન્સી કંટ્રોલ રૂમ કાર્યરત કરવાની સાથે અધિકારીઓની રજાઓ પણ રદ કરવાના આદેશ છૂટ્યા છે.
તાત્કાલીક ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ બનાવવા ઉપરાજ્યપાલનો આદેશ
મેઘરાજાએ રાજધાનીને ઘમરોળ્યા બાદ અને ચારેકોર સ્થિતિ વણસી ગયા બાદ ઉપરાજ્યપાલ વી.કે.સક્સેના (Lieutenant Governor V.K.Saxena)એ મોરચો સંભાળવાનું શરૂ કરી દીધું છે અને તેમણે વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિનો તાગ મેલવ્યો છે. સક્સેનાએ દિલ્હીની ગંભીર પરિસ્થિતિ જોયા બાદ ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ બનાવવા અને જ્યાં પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા માટે આદેશ આપ્યા છે. તેમણે અધિકારીઓને સ્ટેટિક પંપ લગાવાના પણ નિર્દેશ આપ્યા છે.
વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલીક ડ્યુટી આવવા આદેશ
દરમિયાન દિલ્હી પર આવી ચઢેલી આફતને લઈને આજે ઈમરજન્સી બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યપાલે તમામ વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલીક ડ્યુટી આવવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત તેમણે અધિકારીઓને બે મહિના સુધી રજાઓ ન લેવા પણ કહ્યું છે. તેમણે કહ્યું કે, આગામી બે મહિના સુધી કોઈએ પણ રજાઓ ગાળવાની જરૂર નથી.
સક્સેનાએ દિલ્હીમાં તૈયારીઓના અભાવનો ઉલ્લેખ કર્યો
ઉપરાજ્યપાલના કાર્યાલયના જણાવ્યા મુજબ, સક્સેનાએ રાજધાનીમાં સમસ્યાને પહોંચી વળવાનો અને ઈમરજન્સી રિસ્પૉન્સ સિસ્ટમના અભાવ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બેઠકમાં દિલ્હી જલ બોર્ડ, જાહેર બાંધકામ વિભાગ, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, દિલ્હી વિકાસ સત્તામંડળ, સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગ અને દિલ્હી પોલીસ જેવા નાગરિક સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓએ હાજર રહ્યા હતા.
દિલ્હીમાં મેઘ તાંડવ: વરસાદે 88 વર્ષનો રેકૉર્ડ તોડ્યો, જાણે રસ્તા પર નદીઓ વહી, જુઓ ભયાવહ તસવીરો
દિલ્હીમાં એક દિવસમાં કુલ વરસાદનો 25% વરસાદ ખાબક્યો
ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ દિલ્હીમાં 24 કલાકની અંદર વર્ષ 1936 બાદ બીજી વખત 228mm વરસાદ નોંધાયો છે. દિલ્હીમાં કુલ 800mm વરસાદ પડે છે, જોકે એક દિવસમાં કુલ વરસાદનો 25 ટકા વરસાદ ખાબક્યો છે. પાણીના વધુ પડતા પ્રવાહને કારણે દિલ્હીના નાળાઓ પણ ઓવરફ્લો થઈ ગયા છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
સફદરગંજના વરસાદે 1936ની યાદ અપાવી
સફદરગંજ 24 કલાકનો સૌથી વધુ વરસાદ વર્ષ 1936માં 28મી જૂને 235.5 મિમી વરસાદ નોંધાયો હતો, ત્યારે આજે ફરી સફદરગંજવાસીઓને 1936ની યાદ અપાવતો વરસાદ ખાબક્યો છે અને અહીં 228.1 મિમી વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ અત્યાર સુધીનો બીજો સૌથી મોટો આંકડો છે.
દિલ્હીમાં મેઘતાંડવ, અનેક વિસ્તારોમાં પાણી-પાણી, એરપોર્ટ પર ટર્મિનલ-1ની છત તૂટતાં એકનું મોત
એરપોર્ટ પર છત તૂટતાં એકનું મોત, 2 ઈજાગ્રસ્ત
બીજીતરફ વરસાદ વચ્ચે દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ગંભીર ઘટના બની છે. અહીં એરપોર્ટ પર ટર્મિનલ-1ની છત તૂટતાં એકનું મોત અને બે ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બાદ ટર્મિનલ પર બપોર 2.00 વાગ્યા સુધીની તમામ ફ્લાઈટો અટકાવી દેવાઈ હતી.
ખરાબ હવામાનના કારણે 28 ફ્લાઈટો રદ
બીજીતરફ મોડી રાત્રે ખરાબ હવામાનના કારણે દિલ્હીથી જતી 16 અને દિલ્હી આવતી 12 ફ્લાઈટો દદ કરવાવામાં આવી છે. આ ઉપરાંત રાજધાનીના ઘણા રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ જવાના કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. ટર્મિનલ-3 તરફના મેહરામ નગર અંડપાસમાં પાણી ભરાઈ ગયાના પણ અહેવાલ સામે આવ્યા છે.