AAP નેતા સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધી: 'પ્રોટેક્શન મની' વસૂલી મામલે થશે CBI તપાસ

- સત્યેન્દ્ર જૈન પર આરોપ છે કે, તેમણે જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ રૂપિયા લીધા હતા

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
AAP નેતા સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધી: 'પ્રોટેક્શન મની' વસૂલી મામલે થશે CBI તપાસ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 02 માર્ચ 2024, શનિવાર

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલી વધી રહી છે. દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાએ સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ CBI તપાસનો આદેશ આપ્યો છે. CBI તપાસનો આદેશ એ મામલે આપવામાં આવ્યો છે જેમાં સત્યેન્દ્ર જૈન પર આરોપ છે કે, તેમણે જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ રૂપિયા લીધા હતા.

મહાઠગ સુકેશ ચંદ્રશેખર હાલમાં દિલ્હીની મંડૌલી જેલમાં બંધ છે. સુકેશે દિલ્હીની તિહાર જેલના તત્કાલિન મહાનિર્દેશક અને ગૃહ વિભાગ સંભાળી રહેલા સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપો લગાવ્યા હતા. આ અંગે સુકેશ ચંદ્રશેખરે દિલ્હી એલજીને પત્ર લખીને આ બાબતની ફરિયાદ કરી હતી. સુકેશે 7 ઓક્ટોબર 2022ના રોજ એલજીને એક પત્ર લખ્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે જ્યારે તે 2019માં જેલમાં પહોંચ્યો હતો ત્યારે સત્યેન્દ્ર જૈને જેલની અંદર તેની સુરક્ષા મજબૂત કરવાના નામ પર 10 કરોડ રૂપિયાની કથિત ગેરકાયદેસર વસૂલી કરી હતી.

એલજી વિનય કુમાર સક્સેનાએ CBI તપાસનો આદેશ આપ્યો

આ મામલે એલજી વિનય કુમાર સક્સેનાએ CBI તપાસનો આદેશ આપ્યો છે. પૂર્વ ડીજી સંદીપ ગોયલ સહિત સત્યેન્દ્ર જૈન પર જેલમાં બંધ VVIP લોકો પાસેથી તેમની સુરક્ષાના નામે ગેરકાયદેસર વસૂલી કરવાનો ગંભીર આરોપ છે. સુકેશે એલજીને લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે તેણે કોઈપણ જેલ કર્મચારીને પૈસા આપ્યા નહોતા આપ્યા પરંતુ જે પણ વ્યવહારો થયા છે તે સત્યેન્દ્ર જૈન અને ડીજી સંદીપ ગોયલ સાથે જ થયા છે.

નાના અધિકારીઓને ફસાવ્યા

સુકેશે પોતાના પત્રમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે ડીજી સંદીપ ગોયલે તપાસમાંથી પોતાનું નામ હટાવી લીધું હતું અને તમામ દોષનો ટોપલો નાના અધિકારીઓ પર નાખી દીધો હતો. સુકેશે આરોપ લગાવ્યો છે કે સંદીપે જ સત્યેન્દ્ર જૈનનું નામ તપાસની તમામ ફાઈલોથી હટાવી દીધુ છે. ડીજીએ તેમના અને સત્યેન્દ્ર જૈનના નામ તપાસમાંથી હટાવવા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો.



Google NewsGoogle News