જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના પ્રસ્તાવને LGની મંજૂરી, હવે કેન્દ્ર લેશે અંતિમ નિર્ણય
Jammu-Kashmir Full Statehood : કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં સત્તામાં આવતા જ ઓમર અબ્દુલ્લા સરકારે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા ઉપ-રાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો. હવે સરકારના આ પ્રસ્તાવને ઉપ-રાજ્યપાલે મંજૂરી પણ આપી દીધી છે. ઓમર અબ્દુલ્લા કેબિનેટે આ પ્રસ્તાવને ગુરુવારે (17 ઑક્ટોબર) જ મંજૂરી આપી દીધી હતી, પરંતુ ઉપરાજ્યપાલ દ્વારા આજે (19 ઑક્ટોબર) તેને સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું છે. જો કે, આ અંગેનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવશે.
ઓમર અબ્દુલ્લા કેબિનેટનો મોટો નિર્ણય
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની અધ્યક્ષતામાં ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવો એ એક પ્રક્રિયાની શરુઆત હશે, જેનાથી જમ્મુ અને કાશ્મીરના લોકોના બંધારણીય અધિકારોને પુનઃ પ્રાપ્ત કરી શકાશે અને તેમની ઓળખની રક્ષા કરી શકાશે.
ચૂંટણી પ્રચારમાં વચન આપ્યું હતું
ઓમર અબ્દુલ્લા ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરની વિશિષ્ટ ઓળખ અને લોકોના બંધારણીય અધિકારોની સુરક્ષાના વચનો આપીને સત્તામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા આ સંબંધમાં વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓને મળવા થોડાક દિવસોમાં દિલ્હી જશે.
4 નવેમ્બરે પ્રથમ સત્ર યોજાશે
નોંધનીય છે કે, 4 નવેમ્બરે જમ્મુ-કાશ્મીર વિધાનસભાનું પ્રથમ સત્ર યોજાશે. આ દરમિયાન કેબિનેટે ઉપરાજ્યપાલને વિધાનસભા બોલાવવા અને તેને સંબોધિત કરવાની સલાહ આપી છે. હાલ એલજીએ સ્પીકરની નિયુક્તિ ન થાય ત્યાં સુધી મુબારિક ગુલને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરવા આદેશ આપ્યો છે. હવે મુબારિક ગુલ પ્રોટેમ સ્પીકર તરીકે 21 ઑક્ટોબરે તમામ ધારાસભ્યોને શપથ અપાવડાવશે.