સુપ્રીમને 'તારીખ પે તારીખ' કોર્ટ નહીં બનવા દઇએ : સીજેઆઇ ચંદ્રચૂડ

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
સુપ્રીમને 'તારીખ પે તારીખ' કોર્ટ નહીં બનવા દઇએ : સીજેઆઇ ચંદ્રચૂડ 1 - image


- કેસોમાં વારંવાર તારીખો પાડતા વકીલોને સુપ્રીમની ટકોર

- અત્યંત જરૂરી હોય તો જ કેસોને મોકુફ રખાવો, બે મહિનામાં અમને 3688 મોકુફ સ્લિપો મળી : સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હી : સુનાવણી હેઠળના કેસોમાં વકીલો વારંવાર તારીખો માગી રહ્યા હોવાથી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ નારાજ થયા હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં વકીલોને ફટકાર લગાવતા કહ્યું હતું કે અમે નથી ઇચ્છતા કે સુપ્રીમ કોર્ટ તારીખ પે તારીખ કોર્ટ બનીને રહી જાય. સાથે જ તેમણે વકીલોને ટકોર કરતા કહ્યું કે માત્ર જરૂર હોય તેવા જ મામલામાં તારીખ માગો, અન્યથા મામલાની સુનાવણીને યોગ્ય રીતે ચાલવા દો. સુપ્રીમ કોર્ટમાં આવા તારીખ માગેલા મામલાઓની યાદી લઇને મુખ્ય ન્યાયાધીશે સુનાવણીની શરૂઆત કરી હતી. જે દરમિયાન આંકડા પર નજર જતા તેઓ ચોંકી ઉઠયા હતા. 

છેલ્લા બે મહિનામાં વકીલોએ ૩૬૮૮ કેસોમાં તારીખો માગી હતી અને કેસને લંબાવ્યો હતો. આ આંકડા પર નજર કરતા મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે બી પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેંચે વકીલોને કહ્યું હતું કે જો અત્યંત જરૂરી ના હોય તો મહેરબાની કરીને કેસને મોકુફ રાખવાની સ્લિપ ના આપશો. મુખ્ય ન્યાયાધીશે બાદમાં કહ્યું કે હું નથી ઇચ્છતો કે આ કોર્ટ તારીખ પે તારીક કોર્ટ બનીને રહી જાય. બોલિવૂડમાં દામિની નામની એક ફિલ્મ આવી હતી જેમાં વકીલની ભૂમિકામાં જોવા મળેલા સનિ દેઓલે એક ડાયલોગ કહ્યો હતો જેના શબ્દો છે તારીખ પે તારીખ. આ ડાયલોગ બહુ જ પ્રખ્યાત થયો હતો. આ ડાયલોગ સાથે અભિનેતા કોર્ટમાં કેસોની વારંવાર તારીખો પડવાની આકરી ટીકા કરે છે. આ ડાયલોગને ટાંકીને જ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કેસોના ભારણ પર ભાર મુક્યો હતો અને વધુ તારીખો પાડવાની માગ ના કરવા વકીલોને વિનંતી કરી હતી. 

આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે વકીલોના સંગઠનની મદદથી નવા કેસોના લિસ્ટિંગના સમયગાળામાં મોટો ઘટાડો કરી દેવાયો છે. જોકે સુનાવણી માટે કેસોને બેંચોને ફાળવી દેવામાં આવે છે તે બાદ વકીલો કેસોને મોકુફ રાખી દે છે અને તારીખો પાડે છે. જેનાથી એક ખરાબ સંદેશો જઇ રહ્યો છે. કેસો દાખલ થયા બાદ તેને બેંચોને સોપવા વચ્ચેનો સમયગાળો ઘટયો છે. પણ બીજી તરફ વકીલો વારંવાર તારીખો માગી રહ્યા હોવાથી કેસોની સુનાવણીમાં મોડુ થઇ જાય છે. માત્ર ૩ નવેમ્બરના જ અમારી પાસે કેસોને મોકુફ રાખવા વકીલો તરફથી મળેલી સ્લિપની સંખ્યા ૧૭૮ છે, ઓક્ટોબરથી અત્યાર સુધી દરરોજ આવી ૧૫૦ સ્લિપો અમારી સામે આવે છે. સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીમાં જ ૩૬૮૮ સ્લિપો અમને મળી છે. એટલે કે માત્ર બે જ મહિનામાં ૩૬૮૮ કેસોને વકીલોએ મોકુફ રખાવ્યા છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે પડતર કેસોને લઇને મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યા હતા અને પાંચ વર્ષથી જુના કેસોનો ઝડપી નિકાલ કરવા આદેશ આપ્યા હતા. એવામાં પડતર કેસોને લઇને તેમજ કેસોમાં તારીખો પડવા મામલે પણ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ સક્રિય જોવા મળી રહ્યા છે. 


Google NewsGoogle News