લિજન્ડરી કાયદાવિદ્ ફલી નરિમાને દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા
- આઝાદ ભારતના કાયદાકીય ઈતિહાસનો એક ભવ્ય યુગ પૂર્ણ થયો
દિલ્હી : દેશના વરિષ્ઠ કાયદાવિદ્દોમાં પણ વરિષ્ઠ, કાયદા તથા બંધારણના અઠંગ નિષ્ણાત અને પ્રહરી, લિજન્ડરી સિનિયર એડવોકેટ ફલી એસ નરિમાનનું બુધવારે સવારે દિલ્હીમાં ૯૫ વર્ષની વયે નિધન થયું હતું. તેમના નિધનથી દેશના કાયદાકીય વર્તુળોમાં સોપો પડી ગયો છે. ભારતીય સ્વાતંત્ર્યોત્તર કાયદાકીય ઈતિહાસમાં એક યુગ પૂર્ણ થયાનું જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતના ચીફ જસ્ટિસ ડી.વાય.ચન્દ્રચુડ સહિત દેશભરના વરિષ્ઠ એડવોકેટ્સ, રાજકીય નેતાઓ તથા અન્ય હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ ફલી એસ. નરિમાનને કાયદાનાં ક્ષેત્રે તેમની સેવાઓ મ૧૯૯૧માં પદ્મભૂષણ અને ૨૦૦૭માં પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૯૯થી ૨૦૦૫ દરમિયાન રાજ્યસભામાં તેમની રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ થતા સભ્ય તરીકે વરણી થઈ હતી. તેઓ ૧૯૯૧થી ૨૦૧૦ સુધી બાર એસોસિએશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ રહ્યા હતા. તેમના સંતાનોમાં દીકરી અનાહિતા એફ નરિમાન તથા પુત્ર અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ રોહિંગ્ટન એફ. નરિમાનનો સમાવેશ થાય છે. હાલ તેઓ અનેક બીમારીઓથી પીડાતા હતા અને હૃદય બંધ પડી જવાથી તેમનું નિધન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
તેમને દેશના શીર્ષસ્થ બૌદ્ધિક, ભારતીય ન્યાયસંસ્થાઓના પ્રહરી, બારના આખરી લિજન્ડસમાંના એક સહિતનાં વિશેષણો થી હંમેશા નવાજવામાં આવતા હતા. તેઓ કહેતા હતા કે કાયદો માત્ર બુદ્ધિ જ નહીં પરંતુ હૃદયને પણ સ્પર્શતી બાબત છે. તમારામાં કરુણા હોવી જ જોઈએ. એક વકીલ માટે તે સૌથી ઉત્તમ સદ્ગુણ છે. ભારતમાં બંધારણીય કાયદાના ઘડતરમાં મહત્વનું પ્રદાન કરનારા નરિમાન પોતે ન્યાયતંત્રના સૌથી મોટા ટીકાકાર રહ્યા હતા. ક્યાંય પણ અન્યાયની વાત અંગે તેઓ જાહેર મંચ પર ખુલ્લંખુલ્લા પોતાનો મત પ્રગટ કરતા હતા. એક સમયે તેઓ ન્યાયમૂર્તિઓની નિમણૂંક માટેની કોલેજિયમ સિસ્ટમના ઉગ્ર ટીકાકાર હતા જોકે, બાદમાં તેમણે જણાવ્યુ ંહતું કે કદાચ આ સૌથી ઓછો ખરાબ વિકલ્પ છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૦ની નાબૂદને બહાલી આપી ત્યારે તે ચુકાદાની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે એકપણ ન્યાયમૂર્તિએ વિરુદ્ધ મત પ્રગટ ન કર્યો તે બહુ ખેદજનક બાબત છે. તેઓ રાજ્યપાલોની કામગીરીના ઉગ્ર ટીકાકાર હતા અને કહેતા હતા કે આ હોદ્દો સંસ્થાનવાદી કાળનો અવશેષ છે. તેઓ ભારતીય બંધારણના આદ્ય અને મૂળભૂત મૂલ્યોની જાળવણીના પ્રખર સમર્થક હતા.
૧૯૨૯ની ૧૦મી જાન્યુઆરી રંગૂનમાં જન્મેલા ફલી નરિમાન નવેમ્બર ૧૯૫૦માં બોમ્બે હાઈકોર્ટથી વકીલ તરીકે પ્રેક્ટિસ શરુ કરી હતી. બાદમાં તેઓ સુપ્રીમ કોર્ટના એડવોકેટ તરીકે દિલ્હી શિફ્ટ થયા હતા. ૧૯૭૨માં તેમની ભારતના સોલિસિટર જનરલ પદે નિમણૂંક કરવામાં આવી હતી. જોકે, ૧૯૭૫માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી તેના વિરોધમાં તેમણે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. સાત દાયકા કરતાં પણ લાંબી કાનૂની કારકિર્દી દરમિયાન તેમણે અદાલતોના ન્યાયમૂર્તિઓ ઉપરાંત વરિષ્ઠ એડવોકેટ્સ સહિત સૌનો આદર મેળવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે ફરી નરિમાને પોતાનું સમગ્ર જીવન સામાન્ય માણસને ન્યાય સુલભ બને તે માટે સમર્પિત કરી દીધું હતું. ભારતના ચીફ જસ્ટિસ ડી.વાય ચન્દ્રચુડે કહ્યું હતું ક તેઓ કાયદા ક્ષેત્રની વિરાટ વ્યક્તિ હતા. તેમણે એક પેઢીની અભિવ્યક્તિને વાચા આપી હતી.તેઓ તેમની લેખિત કે મૌખિક અભિવ્યક્તિમાં હંમેશાં નિડર અને સ્પષ્ટવક્તા હતા. આપણા યુગના એક સરતાજ વ્યક્તિએ વિદાય લીધી છે તે ખરેખર બહુ શોકજનક છે.
સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે ફલી નરિમાનની વિદાયથી એક યુગનો અંત આવી ગયો છે. તેઓ પોતાના સિદ્ધાંતોમાં અચળ રહ્યા હતા અને ખોટાંને ખોટું કહેતા ક્યારેય અચકાયા ન હતા.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હુતં કે દેશનાં બૌદ્ધિક જગતે એક વિરાટ પ્રતિભા ગુમાવી દીધી છે. તેઓ ન્યાયપૂરઃસરતાનાં મૂર્તિમંત પ્રતીક હતા. આજે દેશનું કાયદાજગત બૌદ્ધિક રીતે રાંક બની ગયું છે.