Get The App

દિલ્હી પહોંચવા ઈન્ડિગોની ફ્લાઈટમાં બેઠા : સીતારામ યેચુરીના અંતિમ દર્શન માટે નેતાએ પોતાની કસમ તોડી

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
દિલ્હી પહોંચવા ઈન્ડિગોની ફ્લાઈટમાં બેઠા : સીતારામ યેચુરીના અંતિમ દર્શન માટે નેતાએ પોતાની કસમ તોડી 1 - image


EP Jayarajan Indigo Boycott : ભારતના રાજકરણ માટે કહેવાય છે કે કોઈપણ નેતાના કોઈપણ બોલ પર ક્યારેય સંપૂર્ણ વિશ્વાસ ન કરવો જોઈએ. રાજનેતા પોતાના શબ્દો પરથી ક્યારે ફરી જાય કઈં જ કહી શકાય એમ નથી. આખી જિંદગી એક જ પાર્ટીમાં રહીને સામાન્ય કાર્યકરથી મોટા નેતા બને અને બાદમાં ટિકિટ ન મળતા કે ધમકી-દબાણને કારણે અન્ય પક્ષમાં જોડાઈ જતા હોય છે પરંતુ અમુક નેતા એવા પણ હોય છે જેઓ પોતાના શબ્દો પર હરહંમેશ કાયમ રહેતા જ હોય છે. રાજકરણમાં અનેક કસમ રોજબરોજ લેવાતી હોય અને રોજબરોજ તૂટતી હોય છે પરંતુ સીપીઆઈ-એમના દિવંગત નેતા સીતારામ યેચુરીના નિધન માટે એક રાજનેતાએ પોતાની કસમ તોડતા મીડિયા હેડલાઈન બની ગયા છે.

સીતારામ યેચુરીના નિધન બાદ ડાબેરી નેતા, પૂર્વ LDF કન્વીનર ઇપી જયરાજને લગભગ બે વર્ષ પહેલા ફ્લાઈટમાં ક્યારેય મુસાફરી નહીં કરવાના શપથ લીધા હતા પરંતુ યેચુરીના મૃત્યુના સમાચાર સાંભળીને તેઓ ગુરુવારે રાત્રે કારીપુર એરપોર્ટથી ઈન્ડિગોની ફ્લાઈટ દ્વારા તાત્કાલિક દિલ્હી પહોંચ્યા હતા.

જયરાજને જુલાઈ 2022માં પ્લેનમાં ઝપાઝપીની ઘટનામાં સામેલ હોવાના કારણે ત્રણ અઠવાડિયા માટે એરલાઈન્સ દ્વારા પ્રતિબંધ મુકાતા ઈન્ડિગોની ફ્લાઈટમાં પોતે કે પરિવારે ક્યારેય મુસાફરી ન કરવાનો નિર્ણય લીધો હતો. આ ફ્લાઈટમાં કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ સવાર હતા.

શું છે સમગ્ર ઘટના :

13 જૂન, 2022ના રોજ તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઉતર્યા બાદ કન્નુરથી ઈન્ડિગોની ફ્લાઈટની અંદર યુથ કોંગ્રેસના બે કાર્યકરોએ મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યાં હતા. પ્લેનમાં સવાર જયરાજને કથિત રીતે બંને વિરોધીઓને એક તરફ ધકેલી દીધા હતા. આ ઘટનાક્રમને પગલે એરલાઈને સીપીઆઈ(એમ) નેતા પર ત્રણ અઠવાડિયાનો પ્રતિબંધ લાદ્યો હતો અને યુથ કોંગ્રેસના બે કાર્યકરો પર પણ સીએમ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા બદલ બે અઠવાડિયા માટે પ્રતિબંધ મૂક્યો હતો.

એરલાઈન્સના નિર્ણય બાદ જયરાજને કસમ લીધી હતી કે તેઓ કે તેમના પરિવારનો કોઈ સભ્ય આજીવન ક્યારેય ઈન્ડિગોમાં રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય મુસાફરી નહીં કરે. જીવનમાં ગમે ત્યારે ઈન્ડિગોની ફ્લાઈટમાં બેસવાને બદલે મારા ગંતવ્ય સ્થાન સુધી હું ચાલીને જવાનું પસંદ કરીશ.

2 વર્ષે કસમ તોડી :

સીપીઆઈ(એમ) નેતાએ કહ્યું કે તેમણે પાર્ટીના દિવંગત મહાસચિવ સીતારામ યેચુરીને શ્રદ્ધાંજલિ આપવા માટે દિલ્હી વહેલા પહોંચવા માટે ઈન્ડિગોની ટિકિટ બુક કરી છે. જયરાજને કહ્યું કે યેચુરી સાહેબ મારા માટે આ દરેક વસ્તુ કરતા મોટા છે. બે વર્ષ પહેલાં મેં એરલાઇન વિશે જે નિર્ણય લીધો હતો તેના કરતાં મારું દિલ્હી વહેલું પહોંચવું વધુ મહત્ત્વનું છે.


Google NewsGoogle News