રાજૌરીમાં 17 મોતના લીધે મેડિકલ સ્ટાફની રજા રદ
- બીજા દસ મેડિકલ સ્ટુડન્ટ હોસ્પિટલમાં મોકલાયા
- રહસ્યમયી બીમારી નહીં ઝેરી પદાર્થના લીધે ૨૩૦ને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા
રાજૌરી-જમ્મુ : જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના બધાલ ગામમાં રહસ્યમસી બીમારીના પગલે થયેલા ૧૭ મોતના પગલે સત્તાવાળાઓએ ડોક્ટરો અને પેરામેડિક્સની રજાઓ રદ કરી છે. આ બીમારીના લીધે ક્વોરેન્ટાઇન કરાયેલાઓની સંખ્યા વધીને ૨૩૦ થઈ છે.
કેન્દ્રીય પ્રધાન ડો. જિતેન્દ્રસિંઘે જણાવ્યું હતું કે લખનૌ ખાતેની ટોક્સિકોલોજી લેબોરેટરીની પ્રારંભિક તપાસમાં કોઈપણ પ્રકારનો વાઇરસ કે બેક્ટેરિયા નહીં પણ ઝેરી પદાર્થ હોવાનું જાણવા મળ્યું છે. રાજોરી સરકારી મેડિકલ કોલેજ (જીએમસી) હોસ્પિટલના પ્રિન્સિપાલ ડો. અમરજીત સિંઘ ભાટિયાએ શુક્રવારે રાજૌરીમાં પત્રકાર પરિષદ સંબોધી હતી અને જાહેરાત કરી હતી કે ડોક્ટરો અને પેરામેડિક્સ સ્ટાફની બધી રજાઓ રદ કરવામાં આવે છે.
તેમણે જણાવ્યું હતું કે છેલ્લા દોઢ મહિનામાં ત્રણ કુટુંબના ૧૭ લોકો રહસ્યમયી બીમારીથીમૃત્યુ પામતા અને ૨૩૦ને ક્વોરેન્ટાઇન કરવામાં આવતા સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા શિયાળુ સ્ટાફનું વેકેશન રદ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જમ્મુકાશ્મીર સરકારે ૧૦ વધારાના મેડિકલ સ્ટુડન્ટ્સને જીએમસી રાજૌરી ખાતે મોકલ્યા છેજ્જેથી ત્યાં ચાલતી આરોગ્ય કટોકટીમાં મેડિકલ સ્ટાફને મદદ મળે. હાલમાં અહીં સારવાર લઈ રહેલા ત્રણ વ્યક્તિની આરોગ્યની સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.