કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન? કોંગ્રેસના દિગ્ગજે કહ્યું- શિવકુમારને CM બનવાથી કોઈ રોકી નહીં શકે
Leadership change in Karnataka? કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનને લઈને રાજકારણ ગરમાયું છે. શું સિદ્ધારમૈયા મુખ્યમંત્રી રહેશે કે ડીકે શિવકુમારને રાજ્યની કમાન સોંપવામાં આવશે? આ અંગે વિવિધ નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા એમ વીરપ્પા મોઈલીએ એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, 'ડીકે શિવકુમારને સીએમ બનતા કોઈ રોકી શકશે નહીં. તેમની પાસે સારી લીડરશીપ છે.
વીરપ્પા મોઇલીએ કહ્યું કે, ડીકે શિવકુમારે પાર્ટી બનાવી છે. લોકો વિવિધ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે, પણ તેમને મુખ્યમંત્રી બનતા કોઈ રોકી નહીં શકે. મુખ્યમંત્રી બનવું એ કોઈ એવી વસ્તુ નથી કે, જેને ભેટ તરીકે આપી શકાય. તેની પાછળ સખત મહેનત કરવામાં આવે છે અને ડીકેએ તે કર્યું છે. આપણે બધા ઈચ્છીએ કે તેઓ શક્ય તેટલી વહેલી તકે મુખ્યમંત્રી બને તેવી કામના કરીએ.
વીરપ્પા મોઈલીના નિવેદન પર ડીકેએ શું કહ્યું?
વીરપ્પા મોઈલીના નિવેદન પર ડીકે શિવકુમારે કહ્યું કે, હું આ અંગે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવા માંગતો નથી. હું એક કાર્યકર્તાની બેઠકમાં હતો કારણ કે, મને પાર્ટી અધ્યક્ષ તરીકે મારે રાજ્યભરમાં પ્રવાસ કરવાનો છે.
કરકલામાં કોંગ્રેસના એક કાર્યક્રમને સંબોધતા મોઈલીએ કહ્યું, 'હું એ વ્યક્તિ હતો, જેણે ખાતરી કરી કે શિવકુમારને પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટણી લડવા માટે ટિકિટ મળે. અને આજે તેઓ કર્ણાટકમાં એક સફળ નેતા તરીકે ઉભરી આવ્યા છે.'
તેમણે કહ્યું કે, કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC) ના અધ્યક્ષ હોવા છતાં શિવકુમારે પડકારજનક સમયમાં રાષ્ટ્રીય સ્તરે પાર્ટી માટે અથાક પરિશ્રમ કર્યો છે અને અન્ય રાજ્યોમાં પાર્ટીને સત્તામાં લાવવા તેમનું વિશેષ યોગદાન રહ્યું છે.
કોંગ્રેસના ધારાસભ્ય બસવરાજુએ પણ આ દાવો કર્યો
વીરપ્પા મોઈલીથી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય બસવરાજુ વી શિવગંગાએ દાવો કર્યો હતો કે, ડીકે મુખ્યમંત્રી બનશે. બસવરાજુએ રવિવારે કહ્યું હતું કે, ડીકે શિવકુમાર ડિસેમ્બરમાં મુખ્યમંત્રી બનશે અને ઓછામાં ઓછા આગામી સાડા સાત વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે.