મહારાષ્ટ્રમાં લૉરેન્સ બિશ્નોઈને ચૂંટણી લડવા માટે આ પાર્ટીએ કરી ઑફર, કહ્યું- ‘તમારામાં શહીદ ભગત સિંહ દેખાય છે’
Lawrence Bishnoi: અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ તાજેતરમાં બાબા સિદ્દિકી હત્યા કેસ મામલે ખૂબ ચર્ચમાં આવ્યો છે. આ દરમિયાન એક રાજકીય પક્ષે તેને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવાની ઓફર આપી છે. ઉત્તર ભારતીય વિકાસ સેના (UBVS) નામની પાર્ટી ભારતીય ચૂંટણી પંચ અને મહારાષ્ટ્ર ચૂંટણી પંચમાં નોંધાયેલી છે. તેના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનીલ શુક્લાએ લોરેન્સ બિશ્નોઇને પત્ર લખી મહારાષ્ટ્ર ચૂંટણી લડવા અનુરોધ કર્યો છે.
લોરેન્સ બિશ્નોઇને પત્ર લખી કર્યો અનુરોધ
સુનીલ શુક્લાએ લોરેન્સ બિશ્નોઇને પત્ર લખી અનુરોધ કર્યું છે કે, 'અમે મુંબઇમાં ચૂંટણી લડવા માટે ચાર ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. તમારી મંજૂરીની સાથે અમે 50 ઉમેદવારોની યાદી ટૂંક સમયમાં જાહેર કરીશું. અમને ગર્વ છે કે તમે પંજાબમાં જન્મેલા ઉત્તર ભારતીય છો અને અમે ઉત્તર ભારતીય વિકાસ સેનાના નામથી એક રાષ્ટ્રીય અને મહારાષ્ટ્ર પ્રાદેશિક રાજકીય દળ છીએ, જે ભારતમાં ઉત્તર ભારતીયોના અધિકાર માટે કામ કરે છે.'
તમારામાં શહીદ ભગત સિંહ દેખાય છેઃ સુનીલ શુક્લા
યુબીવીએસના અધ્યક્ષ સુનીલ શુક્લાએ કહ્યું કે, 'અમને તમારામાં શહીદ ભગત સિંહ દેખાય છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ અને ઉત્તર ભારતના અન્ય પાંચ રાજ્યોમાંથી આવતા ઉત્તર ભારતીયો જે મહારાષ્ટ્રમાં જનમ્યા, જે ઓબીસી, એસસી અને એસટી છે તેમને અનામતથી માત્ર આ કારણસર વંચિત રાખવામાં આવ્યા છે કારણ કે તેમના વડીલો ઉત્તર ભારતીય હતા. જો ભારત એક છે તો આપણે આ અધિકારોથી વંચિત કેમ છે? અમે તમને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી લડવાની ઓફર આપીએ છે. અમારા પક્ષના કાર્યકરો અને પદાધિકારીઓ સુનિશ્ચિત કરશે કે તમે ભવ્ય પ્રદર્શન સાથે ચૂંટણી જીતો અને તમારા સમાજ માટે કાર્ય કરો. અમને તમારી હાં ની પ્રતીક્ષા છે.
લોરેન્સ બિશ્નોઈ કોણ છે?
નોંધનીય છે કે, તાજેતરમાં મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યા પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલી છે. લોરેન્સ બિશ્નોઈનો જન્મ 12 ફેબ્રુઆરી, 1993ના રોજ પંજાબના ફાઝિલ્કા જિલ્લાના દુત્રાવલી ગામમાં થયો હતો. ખંડણી અને હત્યાના આરોપો સહિત અનેક ગુનાહિત કેસોમાં તેનું નામ છે. લોરેન્સ 2015થી ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. તેની ગેંગ ભારત ઉપરાંત યુકે, કેનેડા, અમેરિકા જેવા દેશોમાં પણ સક્રિય છે, જેમાં 700થી વધુ શૂટર્સ સામેલ છે. 2018માં, બિશ્નોઈના સાથી સંપત નેહરાએ સલમાન ખાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. લોરેન્સ બિશ્નોઈએ પણ ઘણી વખત સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી છે.
આ પણ વાંચોઃ સાબરમતી જેલમાં કેદ લોરેન્સ બિશ્નોઈ પાછળ પરિવાર વર્ષે રૂ. 40 લાખ ખર્ચે છે