‘પાંચ કરોડ નહીં આપો તો...’ રાજધાનીમાં લૉરેન્સ ગેંગની દહેશત, બે દિગ્ગજ હસ્તીને ફોન કરી આપી ધમકી
Extortion Call To Businessman In Delhi : લૉરેન્સ બિશ્નોઈ, રોહિત ગોદારા, ગોલ્ડી બરાડની ગેંગના કારણે દિલ્હીમાં ભારે દહેશત ફેલાઈ છે. ગેંગના નામે બિઝનેસમેનોને એક્સટોર્શન કૉલ કરવામાં આવી રહ્યા છે. ગેંગ દ્વારા દિગ્ગજ હસ્તીઓને કૉલ કરીને કરોડો રૂપિયાની ખંડણી માંગવામાં આવી રહી છે અને જો નાણાં ન આપે તો જાનથી મારવાની પણ ધમકી અપાઈ રહી છે. રાજધાનીમાં એક્સટોર્શન કૉલના બે કેસ સામે આવ્યા છે, જેમાં એક બિલ્ડર અને એક પ્રોડ્યુસરને કૉલ કરીને પાંચ-પાંચ કરોડ રૂપિયાની ખંડણી મંગાઈ છે.
બિલ્ડરના પરિવારને જાનથી મારવાની ધમકી
પ્રથમ કેસમાં ગેંગસ્ટર રોહિત ગોદારાએ દિલ્હીના સૈનિક ફાર્મ સ્થિત એક બિલ્ડરને કૉલ કરીને પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. એટલું જ નહીં ફોન કરનારે બિલ્ડરના પરિવારને જાનથી મારવાની પણ ધમકી આપી છે. આ મામલો બિલ્ડરે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
બિલ્ડરને ધમકી આપનારે શું કહ્યું ?
ફરિયાદ મુજબ બિલ્ડરને રોહિત ગોદારા ગેંગનો કૉલ આવ્યો હતો, જેમાં ખંડણી માંગનાર શખસે કહ્યું હતું કે, ‘હું લૉરેન્સ ગેંગનો રોહિત બોલી રહ્યો છું, તમારે કેવું ચાલી રહ્યું છે, કામ ધંધો કેવો ચાલે છે? હું ચાર-પાંચ કરોડની ખંડણી માટે ફોન કરી રહ્યો છું. તારો જવાબ આવ્યો તો ઠીક છે, નહીં તો તૈયાર રહેજે. એવું હોય તો તું મારો અવાજ પ્રશાસન, ડીએસપી, એસપીને કન્ફર્મ કરાવી લેજે. ભાઈ ગેરસમજમાં ન રહેતો કે, તું ફરિયાદ કરીશ તો, અમે છોડી દઈશું, અમે તો પડછાયો છીએ, પીછો છોડતા નથી. જો પરિવારને સલામત રાખવા માંગ તો હોય તો વાત કરી લેવી યોગ્ય છે.’
પ્રોડ્યુસરને ફોન કરીને ઈલાજ કરવાની આપી ધમકી
જ્યારે બીજા કેસમાં લૉરેન્જ બિશ્નોઈ ગેંગે ગ્રેટર કૈલાશ સ્થિત પ્રોડ્યુસર અમન બન્નાને ફોન કરી ધમકી આપીને પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. પ્રોડ્યુસરે નોંધાવેલી ફરિયાદ મુજબ ફોન કરનારે પાંચ કરોડ રૂપિયા ન આપે તો ઈલાજ કરવાની ધમકી આપી છે. પ્રોડ્યુસરે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
‘મારી રેન્જમાં આવ્યો તો ઈલાજ કરી નાખીશ’ પ્રોડ્યુસરને ધમકી
ફરિયાદ મુજબ પ્રોડ્યુસરને લૉરેન્જ બિશ્નોઈના સાથીના અવાજમાં ફોન આવ્યો હતો. ધમકી આપનારે કહ્યું હતું કે, ‘હેલ્લો અમન દાદા, મારા કૉલની રેકોર્ડિંગ કરજો. સર હું ગામડામાંથી બોલી રહ્યો છું. હું લૉરેન્જ બિશ્નોઈ ગ્રૂપનો છું. તું પાંચ કરોડ રૂપિયા આપજે, નહીં તો મારી રેન્જમાં આવ્યો તો ઈલાજ કરી નાખીશ. તારા માટે લૉરેન્જનો ફરી મેસેજ છે. તારી સાથે ગોલ્ડીભાઈએ વાત કરવી છે. તારુ નુકસાન થશે. જો ખંડણી નહીં આપે તો મારા લોકોને તારા ઘરે મોકલી દઈશ.’
દરમિયાન બિલ્ડર અને પ્રોડ્યુસરને ધમકી મળવા મામલે રાજધાનીના ઉદ્યોગપતિ અને મોટી હસ્તીઓમાં દહેશત ફેલાઈ છે. હાલ પોલીસે આ બંને ઘટના મામલે ફરિયાદ નોંધી છે અને તેની ઝડપી તપાસ પણ શરૂ કરી દીધી છે.