25 લાખમાં અપાઈ સલમાન ખાનની સોપારી, સિદ્ધુ મૂસેવાલા જેવો હતો પ્લાન: પોલીસનો દાવો
Salman Khan Firing case: બોલિવૂડના 'ભાઇજાન' સલમાન ખાનને (Salman Khan) પાછલા થોડાક સમયથી ઘણી ધમકીઓ મળી રહી છે ઉપરાંત તેના ઘરની બહાર ફાયરીંગ પણ કરવામાં આવી હતી. હાલ આ કેસમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ, પોલીસે તેમની ચાર્જશીટમાં ખુલાસો કર્યો છે કે, બિશ્નોઇ ગેંગે 25 લાખ રૂપિયામાં સલમાન ખાનની સોપારી લીધી છે અને સિદ્ધુ મુસેવાલાની જેમ તેની હત્યા કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. ઉપરાંત સલમાન ખાન ક્યાં આવે છે અને ક્યાં જાય છે આ વાતની પણ જાણ તેના દુશ્મન રાખે છે અને તેઓ યોગ્ય તકની રાહ જોઇ રહ્યા છે.
મુસેવાલાની જેમ હત્યા કરવાનો પ્લાન
પોલીસે તેની 350 પાનાની ચાર્જશીટમાં કહ્યું કે, બિશ્નોઇ ગેંગ સલમાન ખાનની એ જ રીતે હત્યા કરવાનો પ્લાન બનાવી રહી છે જે રીતે સિદ્ધુ મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી. 29 મે, 2022ના રોજ, સિદ્ધુ મુસેવાલા જ્યારે પોતાની કારમાં નિકળ્યો હતો ત્યારે રસ્તામાં ગોલ્ડી બ્રાર ગેંગના શુટર્સ તેના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. મુસેવાલાએ ગાડી ભગાવીને પોતાની જાન બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંધાધૂંધ ગોળીબારને લીધે તે પોતાને બચાવી શક્યો ન હતો.
પાકિસ્તાનથી મંગાવાયા હથિયારો
મીડિયા અહેવાલ મુજબ, પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે, સલમાન ખાનની હત્યા કરવા માટે પાકિસ્તાનથી AK-47,AK-90 જેવા ખતરનાક હથિયારો મંગાવવામાં આવ્યા છે. આ મામલે પોલીસે તેની ચાર્જશીટમાં બિશ્નોઇ ગેંગના પાંચ સભ્યોનો નામનો ઉલ્લેખ પણ કર્યો છે.
સલમાનના ઘરની બહાર ફાયરીંગનો મામલો
અગાઉ 14 એપ્રીલની સવારે સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર બે બાઇકચાલકોએ ફાયરીંગ કરી હતી. જો કે, પોલીસે બંને આરોપી સહિત કુલ 6 લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી એક આરોપીએ જેલમાં કથિતરૂપે ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી.