'ધ્યાન રાખજે, તારા પર મારી નજર છે...', બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર ગોલ્ડી બરાડે UPના વેપારીને આપી ધમકી
વેપારીને 2 વખત ધમકીના કોલ આવ્યા બાદ ઉત્તર પ્રદેશ પોલીસમાં ફરિયાદ નોંધાવી
ગોલ્ડી બરાડે અગાઉ જૂનમાં સિંગર અને રેપર હની સિંહને ધમકી આપી હતી
નવી દિલ્હી, તા.15 ઓક્ટોબર-2023, રવિવાર
દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર બાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ (Lawrence Bishnoi Gang)ની એન્ટ્રી થઈ ગઈ છે. કેલિફોર્નિયામાં સતત એક્ટિવ રહેતા ગેંગસ્ટર ગોલ્ડી બરાડે (Goldy Brar) હવે ઉત્તર પ્રદેશના મોટા વેપારીને ધમકી આપી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં રામપુરના વેપારીને આંતરરાષ્ટ્રીય નંબર પરથી એક વૉઈસ નોટ મળી છે, જેમાં ગોલ્ડી બરાડે ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.
વૉટ્સએપ પર આવ્યો કૉલ
વેપારીએ ઉત્તર પ્રદેશ પોલીસમાં કેસ નોંધાવ્યો છે. FIR મુજબ ફરિયાદીના વૉટ્સએપ પર 10 સપ્ટેમ્બર સાંજે 6 કલાકે આંતરરાષ્ટ્રીય નંબરથી કૉલ આવ્યો હતો. ફોન કરનારે પોતાને લોરેન્શ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગોલ્ડી બરાડ હોવાનું જણાવી કહ્યું, ‘ધ્યાન રાખજે, તારા પર મારી નજર છે.’ ફરિયાદીએ પહેલા ફેક કૉલ હોવાનું માન્યું, જોકે 12 સપ્ટેમ્બરે ફરી તે નંબર પરથી કૉલ આવ્યો અને ફરી વેપારીને ધમકી અપાઈ. ઉત્તર પ્રદેશ પોલીસે આ મામલે આઈપીસીની કલમ 504 અને 407 હેઠળ કેસ નોંધ્યો છે.
વિદેશમાં રહે છે ગોલ્ડી બરાડ
ગોલ્ડી બરાડ હાલ અમેરિકાના કેલિફોર્નિયમાં છે... ઈન્ટરપોલ દ્વારા આ વર્ષે જુલાઈમાં બરાડ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરવામાં આવી હતી. પંજાબના મુક્તસર સાહિબનો રહેવાસી બરાડ 2017માં કેનેડા જતો રહ્યો હતો. અગાઉ જૂનમાં સિંગર અને રેપર હની સિંહ (Singer and Rapper Honey Singh)ને ગોલ્ડી પર ધમકી આપવાનો આરોપ લગાવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ મામલે એફઆઈઆર દાખલ કરી હતી. બરાડ સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસ (Sidhu Moosewala Murder Case)નો માસ્ટરમાઈન્ડ છે.