લોરેન્સની દુશ્મન ગેંગમાં નવા ખૂંખાર વડાની એન્ટ્રી, કેનેડાથી સંભાળી કમાન, આવા કારનામા કરી દિલ્હી-હરિયાણામાં ફેલાવી હતી દહેશત
બિશ્નોઈના સૌથી મોટી દુશ્મન ગેંગ બંબીહાના નવા વડાની કેનેડામાં તાજપોશી
ગેગસ્ટર લોરેન્સને ટક્કર આપવા હરિયાણામાં બંબીહા ગેંગમાં બંપર ભરતી શરૂ
નવી દિલ્હી,મુંબઈ, તા.26 નવેમ્બર-2023, રવિવાર
દેશના સૌથી મોટા ડોન તરીકે ઉભરી રહેલા લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi)ના સૌથી મોટા દુશ્મન બંબીહા ગેંગમાં નવા ખૂંખાર ગેગસ્ટર વડાની એન્ટ્રી થઈ ગઈ છે. એવું કહેવાઈ રહ્યું છે કે, બંબાહ ગેંગ (Bambiha Gang)ના નવા વડાની કેનેડામાં તાજપોશી કરવામાં આવી છે. ઉપરાંત લોરેન્સ બિશ્નોઈ ગેંગને ટક્કર આપવા હરિયાણામાં બંબીહા ગેંગમાં બંપર ભરતી પણ શરૂ થઈ ગઈ છે. બંબીહા ગેંગે દિલ્હી અને હરિયાણામાં ભારે ધાક જમાવી છે અને એક વર્ષમાં 7 ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું પણ કહેવાય છે.
નીરજ ગેંગનો સૌથી નાની ઉંમરનો ગેંગસ્ટર
મળતા અહેવાલો મુજબ બંબીહા ગેંગમાં નીરજ ફરીદપુરિયા (Neeraj Faridpuria)ને નવો ડોન બનાવાયો છે, જે હરિયાણાના પલવલનો રહેવાસી છે અને હાલ તે કેનેડા (Canada)માં છે. જેના માથે 25 હજારનું ઈનામ છે તે નીરજ ગેંગનો સૌથી નાની ઉંમરનો ગેંગસ્ટર છે અને કેનેડામાં રહેતો હિમાંશુ ભાઉનો ખુબ જ નજીકનો હોવાનું કહેવાય છે. નીરજ લકી પટિયાલા અને કૌશલ ચૌધરીનો પણ ખાસ હોવાનું કહેવાય છે. હવે નીરજને બંબીહા ગેંગની જવાબદારી સોંપવામાં આવી છે.
નીરજ જામીન લઈ દુબઈ થઈ કેનેડા ભાગી ગયો
નીરજની 2012 પોલીસ અથડામણમાં ધરપકડ થઈ હતી, ત્યારબાદ 2015માં મર્ડર કેસમાં આજીવન કેદની સજા થઈ હતી. કોવિડ મહામારી દરમિયાન હાઈકોર્ટે નિરજને જામીન આપ્યા હતા, જોકે તે દુબઈ થઈને કેનેડા ભાગી ગયો હતો. હાલ નીરજ, હિમાંશુ ભાઉ, સાહિલ અને અન્ય ગેંગસ્ટર્સો ભારતમાં સગીરોને ગેંગમાં સામેલ કરવાથી લઈને ખાલિસ્તાની આતંકવાદીઓને સપોર્ટ કરવા તેમજ દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ખંડણી વસૂલવા, મર્ડર, ફાયરિંગ સહિતની ઘટનાઓને અંજામ આપવામાં લાગ્યા છે. અગાઉ નિરજની 2019માં બંબીહા ગેંગના જૂના ગેંગસ્ટર કૌશલ ચૌધરી સાથે મિત્રતા થઈ હતી, ત્યારબાદ નિરજે કૌશલના બે સભ્યો સાથે હરિયાણાની ભોંડસી જેલમાં મુલાકાત થઈ હતી.
બંબીહા ગેંગના 3 શૂટરોની ધરપકડ
ત્યારબાદ હરિયાણામાં કોંગ્રેસના યુવા લીડર વિકાસ ચૌધરી હત્યાકાંડમાં નીરજનું નામ સામે આવ્યું હતું. હત્યાકાંડ માટે આવેલા ગેંગના શૂટરો માટે વાહનોની અને રોકાવાની વ્યવસ્થા નીરજે જ કરી હતી. એટલું જ નહીં નીરજ ફરીદપુરિયા ગેંગનો ખાસમ ખાસ બની ગયો. સ્પેશિયલ સેલના ઈન્સ્પેક્ટર સંદીપ ડબાસની ટીમે તાજેતરમાં જ કેનેડાના હિમાંશુ ભાઉના ત્રણ સભ્યોની ધરપકડ કરી હતી. આ લોકોએ હરિયાણાથી લઈને દિલ્હી સુધી ધમાલ મચાવી પોલીસ અને તંત્રની ઉંઘ હરામ કરી દીધી હતી. રાહુલ હુલલી (20 વર્ષ), અમન નિલોઠિ (23 વર્ષ) અને જસવીર જસ્સા (34 વર્ષ)એ નાણાં લીધા વગર બંબીહા ગેંગમાં પોતાનું વર્ચસ્વ વધારવા તેમજ ગેંગ લીડર્સની નજરે પોતાને સાબિત કરવા તાબડતોબ ફાયરિંગ અને હત્યાઓની ઘટનાઓને અંજામ આપી દિલ્હી અને હરિયાણામાં દહેશત ફેલાવી હતી.