Get The App

લગ્નમાં 'પૈસા ઉડાવનારાઓ' પર ઇન્કમ ટેક્સ વિભાગની ચાંપતી નજર! જયપુરથી દરોડાની શરુઆત

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
Income tax Evasions


Lavish Weddings Under Income Tax Scrutiny: ભારતીયો લગ્નની સિઝનમાં ધૂમ ખર્ચો કરે છે. પરંતુ ખર્ચા કરતી વખતે ધ્યાન રાખજો, નહીં તો વધુ પડતાં ખર્ચના બદલામાં ઇન્કમ ટેક્સ વિભાગના સકંજામાં ફસાઈ શકો છો. ભારતીયો લગ્ન માટે પોતાની જીવનભરની મૂડી ખર્ચી નાખે છે. ઘણા લગ્નોમાં બોલિવૂડ સ્ટારથી માંડી પ્રસિદ્ધ કલાકાર, ડેસ્ટિનેશન વેડિંગ સહિતના આયોજનો થાય છે. ઇન્કમ ટેક્સ વિભાગ પણ આવા લેવિશ લકઝરી લગ્નો પર ચાંપતી નજર રાખે છે. હાલમાં જ જયપુરમાં આશરે 20 ટોપ વેડિંગ પ્લાનર્સના ત્યાં આઇટીના દરોડા પડ્યા હતા.

છેલ્લા એક વર્ષમાં લગ્નો પાછળ 7500 કરોડનો ખર્ચ

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની માહિતી અનુસાર, છેલ્લા એક વર્ષમાં દેશમાં લગ્નના આયોજન પાછળ 7500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જેનો કોઈ હિસાબ નથી. વાસ્તવમાં દેશના અમીર લોકો ભવ્ય લગ્નો કરે છે. જેનો ફાયદો કૌભાંડીઓ અને કરચોરી કરનારાઓ પણ ઉઠાવીને પોતાના કાળા નાણાંને સફેદ કરી રહ્યા છે. લગ્નો પર કરવામાં આવતાં ખર્ચમાં 50થી 60 ટકા ખર્ચ વેડિંગ પ્લાનર્સ દ્વારા થતાં હોવાની જાણ થતાં આઇટી દરોડામાં મુખ્યત્વે વેડિંગ પ્લાનર્સ પર નજર રાખવામાં આવી રહી છે.

ભવ્ય લગ્નો પર રાખે છે નજર

સૂત્રોએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં વિદેશમાં યોજાયેલા લગ્નોમાં ખર્ચવામાં આવેલા નાણાંની પણ તપાસ કરવામાં આવશે. આ લગ્નોમાં મહેમાનો અને સ્ટાર્સને ચાર્ટર્ડ પ્લેનમાં વિદેશ લઈ જવામાં આવે છે. ટેક્સ વિભાગ સત્તાવાર રીતે મહેમાનોની સંખ્યા અને ઇવેન્ટની શૈલી સાથે ખર્ચવામાં આવેલી રકમની તુલના કરશે. આ અંગે કેટરિંગ કંપનીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આવકવેરા કાયદા હેઠળ, વિભાગને ન સમજાય તેવા ખર્ચની તપાસ કરવાનો અધિકાર છે. લોકો ક્યારેક મોટા લગ્નોમાં ખર્ચવામાં આવેલા પૈસાનો રૅકોર્ડ રાખતાં નથી.

વિદેશમાં લગ્ન સમયે ઘણા મોટા બિઝનેસમેન ટેક્સ અને FEMAનું ઉલ્લંઘન કરી રહ્યા છે. વિદેશમાં ટ્રાન્સફર કરાયેલા નાણાં રિઝર્વ બૅન્કની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ(LRS)ની મર્યાદા કરતાં વધી જાય, તો વિદેશમાં થતાં આવા લગ્ન પણ EDના ધ્યાન પર આવી શકે છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આ કામમાં જયપુરના વેડિંગ પ્લાનર્સ સૌથી આગળ છે.

આ પણ વાંચોઃ શેરબજારના રોકાણકારો માટે આ સપ્તાહ સૌથી વધુ નિરાશાજનક, 20 લાખ કરોડની મૂડી ગુમાવી

રાજસ્થાનના ઇવેન્ટ પ્લાનર્સની સંડોવણી

ઇન્કમ ટેક્સ અધિકારીએ જણાવ્યું હતું કે,  જાણવા મળ્યું છે કે જે લોકો ખૂબ જ ભવ્ય લગ્નનું આયોજન કરવા માગે છે તેઓ તેમના શહેરના મોટા ઇવેન્ટ પ્લાનર્સનો સંપર્ક કરે છે. ત્યારબાદ આ આયોજકો રાજસ્થાનના ઇવેન્ટ પ્લાનર્સનો સંપર્ક કરે છે. રાજસ્થાનના ઇવેન્ટ પ્લાનર્સ હોટલ, ટેન્ટ હાઉસ, કેટરિંગ કંપનીઓ, ફૂલની દુકાનો અને સેલિબ્રિટી મેનેજરના ખર્ચ સગવડતા મુજબ રોકડમાં કરે છે. જેથી તેનો કોઈ હિસાબ રહેતો નથી. સામાન્ય ખર્ચાઓ જ ચેક અને બૅન્કિંગ દ્વારા ચૂકવે છે.

બનાવટી બિલમાંથી મળી કડી

આવા વ્યવહારોને સમર્થન આપવા માટેના કેટલાક નકલી બિલોએ તપાસ માટે પ્રારંભિક સંકેતો આપ્યા હતા. આ ઓપરેટરો વેડિંગ પ્લાનર્સ પાસેથી મેળવેલી રોકડના બદલામાં હોટલ અને કેટરિંગ કંપનીઓને બિલ આપે છે. આ બિલો GST નંબર ધરાવતી સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. 

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ એસ બનવટ એન્ડ એસોસિએટ્સ એલએલપીના પાર્ટનર સિદ્ધાર્થ બનવટે જણાવ્યું હતું કે, ટેક્સ વિભાગ વિવિધ સ્ત્રોતોમાંથી માહિતી એકઠી કરીને કરચોરી અટકાવવા કામ કરી રહ્યું છે. હવે માત્ર મોટા ઉદ્યોગપતિઓની જ તપાસ થઈ રહી નથી. તમામ લોકોને આવરી લેવામાં આવ્યા છે. વિદેશમાં લગ્ન કરવામાં ઘણી સમસ્યાઓ છે. વાસ્તવમાં, વિદેશી વિનિમય સંબંધિત કડક નિયમો છે. થોડા મહિના પહેલા વિદેશમાં એક ગ્રૂપ માટે હોટેલ બુકિંગ માટે પૈસા મોકલતી વખતે એક ખાનગી બૅન્કે દુલ્હનના પિતા પાસે દરેક મહેમાનનું નામ અને પાન નંબર માંગ્યો હતો.

લગ્નમાં 'પૈસા ઉડાવનારાઓ' પર ઇન્કમ ટેક્સ વિભાગની ચાંપતી નજર! જયપુરથી દરોડાની શરુઆત 2 - image


Google NewsGoogle News