'ભાઈ ગાડી બરાબર ચલાવ'... આટલું કહેતા જ નશામાં ચૂર કારચાલકે બાઈક સવાર પરિવારને કચડ્યો, 2નાં મોત
Latur Road Rage Case: મહારાષ્ટ્રના લાતુર શહેરમાં 29 સપ્ટેમ્બરે એક કારે બાઈકને ટક્કર મારતા એક મહિલા અને તેની 3 વર્ષની પુત્રીનું મોત થયું હતું. આ અકસ્માતમાં મહિલાના પતિ અને 6 વર્ષનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે પાંચ આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
કાર સવારે મારી ટક્કર
મળતી માહિતી મુજબ, 29 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે સાદિક શેખ તેની પત્ની ઇકરા અને છ વર્ષનો દીકરો અહદ અને ત્રણ વર્ષની દીકરી નાદિયા સાથે ઓસામાં રહેલી બહેનને મળીને લાતુર પરત ફરી રહ્યા હતા. તે જ સમયે પાછળથી એક ફોર વ્હીલરે બેફામ સ્પીડે સાદિક શેખની સાઈડ કાપી હતી. આથી સાદિકે આગળ જઈને ડ્રાઈવરને કહ્યું, 'ભાઈ ગાડી બરાબર ચલાવ.' આટલું કહેતા ફોરવ્હીલમાં સવાર લોકોએ સાદિક સાથે દલીલ કરી અને ત્યારબાદ સાદિક તેના પરિવાર સાથે ત્યાંથી નીકળી ગયો.
આ પણ વાંચો: અમેઠી કાંડના આરોપીએ પોલીસની પિસ્તોલ છીનવી નાસવાનો કર્યો પ્રયાસ, એન્કાઉન્ટરમાં ઘાયલ
મહિલા અને બાળકીનું મોત
દલીલ કરીને શેખ પરિવાર ત્યાંથી નીકળી ગયો. પરંતુ કારમાં સવાર યુવકોએ 5 કિલોમીટર સુધી આ પરિવારનો પીછો કરીને બુધડા ગામ પાસે બાઈકને ટક્કર મારી હતી. જેમાં સાદિક શેખની પત્ની અને ત્રણ વર્ષની પુત્રીનું મોત થયું હતું.
પોલીસે 5 આરોપીઓને કસ્ટડીમાં લીધા
ઘટના પછી, પાંચ આરોપી દિગંબર પંડોલે, કૃષ્ણ વાઘ, બસવરાજ ધોત્રે, મનોજ માને અને મુદામેને સ્થાનિક રહેવાસીઓએ પકડી લીધા હતા. પાંચેય આરોપીઓને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.