વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ : પટનાને જલિયાંવાલા બાગ બનાવવાનો આક્ષેપ
- બિહારમાં પેપર લીક મુદ્દે શાંતિથી દેખાવો છતાં પોલીસ તુટી પડી
- કડકડતી ઠંડીમાં વોટર કેનનનો મારો, અનેક ઘાયલ, પ્રશાંત કિશોર સહિત 700 સામે પોલીસની ફરિયાદ
- ભાજપનું ડબલ એન્જિન યુવાઓ પર ડબલ અત્યાચારનું પ્રતીક બની ગયું છે : પ્રિયંકાએ વીડિયો શેર કર્યો
બિહારમાં અવાર નવાર પેપર લીકનો મામલો સામે આવતો હોય છે. બીપીએસસીની પરીક્ષા ફરી યોજવાની માગ સાથે પટનામાં હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા હતા. પટનાના ગાંધી મેદાનમાં આ વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા એવામાં મોટી સંખ્યામાં પોલીસ ત્રાટકી હતી અને વિદ્યાર્થીઓ પર ઢોરની જેમ લાઠીઓ વરસાવી હતી. જેમાં અનેક વિદ્યાર્થી ઘવાયા હતા, કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ પર વોટર કેનનનો મારો ચલાવ્યો હતો. હાલ આ વિરોધ પ્રદર્શન સમગ્ર બિહારમાં ફેલાવવા લાગ્યું છે.
બિહારની જદ(યુ) અને ભાજપના ગઠબંધનની સરકારને આડેહાથ લેતા પટનાના રસ્તા પર હજારો વિદ્યાર્થીઓ ઉતર્યા છે. છેલ્લા ત્રણ દિવસથી વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમની માગણીઓ પર વિચાર કરવાના બદલે સરકારે પોલીસને લાઠીચાર્જની ખુલ્લી છૂટ આપી હોય તેમ ત્રણ દિવસથી આ વિદ્યાર્થીઓને ઢોરની જેમ લાઠીઓ મારીને ભગાડવામાં આવી રહ્યા છે. કેટલાક વીડિયો અને તસવીરો વાયરલ થઇ રહ્યા છે જેમાં એક વિદ્યાર્થીને દસ દસ પોલીસકર્મીઓ ઘેરીને લાઠીઓ વરસાવી રહ્યા છે. શાંતિથી વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે આ અમાનવીય વ્યવહારની ભારે ટિકા થઇ રહી છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જલિયાવાલા બાગમાં જે રીતે અંગ્રેજોએ નિર્દોશ લોકો પર ગોળીઓ વરસાવી હતી તેવા જ દ્રશ્યો પટનાના ગાંધી મેદાનમાં જોવા મળ્યા હતા.
કોંગ્રેસના લોકસભાના સાંસદ પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર લાઠીચાર્જનો વીડિયો શેર કર્યો હતો અને કાર્યવાહીની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે બિહારમાં ત્રણ દિવસમાં બીજી વખત વિદ્યાર્થીઓ પર અત્યાચાર કરાયો, પરીક્ષાઓમાં ભ્રષ્ટાચાર, પેપર લીકની ઘટનાઓ રોકવાના બદલે સરકાર વિદ્યાર્થીઓનો અવાજ દબાવી આંદોલન કચડવા માગે છે. આટલી ઠંડીમાં યુવાઓ પર પાણીનો મારો ચલાવવો અને પછી લાઠીચાર્જ કરવો અમાનવીય છે. ભાજપનું ડબલ એન્જિન યુવાઓ પર ડબલ અત્યાચારનું પ્રતીક બની ગયું છે. શાંતિથી વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર બેફામ લાઠીચાર્જના વીડિયો હાલ શેર થઇ રહ્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે બિહાર પબ્લિક સર્વિસ કમિશન (બીપીએસસી)ની પરીક્ષાનું પેપક લીક થયુ છે માટે ફરી પરીક્ષા યોજવામાં આવે. બીજી તરફ વિદ્યાર્થીઓના સમર્થનમાં આવેલા પ્રશાંત કિશોરની સામે ફરિયાદ દાખલ કરાઇ છે. અનુમતિ વગર ધરણા પ્રદર્શન કરવા બદલ બિહાર પોલીસે પ્રશાંત કિશોર ઉપરાંત ૭૦૦ લોકોની સામે ફરિયાદ દાખલ કરી છે જેની પણ ભારે ટિકા થઇ રહી છે.