બિહાર: વિરોધ પ્રદર્શન કરી રહેલા શિક્ષક ઉમેદવારો પર લાઠીચાર્જ
પટના, તા. 23 ઓગસ્ટ 2022 મંગળવાર
બિહારમાં નવી સરકારની રચના બાદ આજે પહેલીવાર શિક્ષક ઉમેદવારોએ પ્રદર્શન કર્યુ. રાજ્યના તમામ જિલ્લામાંથી આવેલા લગભગ 5 હજાર કરતા વધારે શિક્ષક ઉમેદવારોએ પટનામાં નીતીશ કુમારની સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે.
પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ છે. પટનાના રસ્તા પર ઉતરેલા શિક્ષક ઉમેદવારો સાતમા તબક્કાની આયોજન પ્રક્રિયા દરમિયાન પોતાને દૂર રાખવાના મુદ્દે નારાજ છે. આ દરમિયાન રસ્તા પર ઉતરેલા પ્રદર્શન કરી રહેલા શિક્ષક ઉમેદવારોની ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો.
શિક્ષક ઉમેદવારોના પ્રદર્શન દરમિયાન મેજિસ્ટ્રેટ તરીકે તૈનાત પટનાના એડીએમની ગુંડાગીરી પણ સામે આવી. એક પ્રદર્શનકારી ઉમેદવારના હાથમાં તિરંગો હોવા છતાં એડીએમએ તેને લાઠીથી માર માર્યો. સીધે-સીધા તિરંગાને નિશાન બનાવીને ઉમેદવારના હાથ પર હુમલા કરતા રહ્યા.
તેમણે વારંવાર તિરંગા પર લાઠીથી પ્રહાર કર્યો. તિરંગાનુ અપમાન ત્યાં ઉભેલા પોલીસ અને વહીવટીતંત્રના બીજા લોકો પણ જોઈ રહ્યા હતા. જોકે બાદમાં એક પોલીસ કર્મચારી તિરંગાને પ્રદર્શનકારી પાસેથી છીનવી લે છે. તિરંગાની ઉપર લાઠી વરસાવનાર એડીએમનો તે દરમિયાન મીડિયા સાથે પણ વિવાદ થયો.