ભૂસ્ખલનને કારણે આ પ્રસિદ્ધ ઐતિહાસિક ટુરિસ્ટ પ્લેસનો અંત, બ્રિટિશ કાળમાં ખાસ દરજ્જો મળ્યો હતો

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
ભૂસ્ખલનને કારણે આ પ્રસિદ્ધ ઐતિહાસિક ટુરિસ્ટ પ્લેસનો અંત, બ્રિટિશ કાળમાં ખાસ દરજ્જો મળ્યો હતો 1 - image


Image: X

Dorothy Seat Landslide: નૈનીતાલના પ્રસિદ્ધ પર્યટન સ્થળ ટિફિન ટોપમાં સ્થિત ડોરોથી સીટ કાલે રાત્રે ભારે વરસાદ બાદ ધ્વસ્ત થઈ ગયું. આ તે સ્થળ હતું જ્યાં ઊભા રહીને પર્યટક પ્રકૃતિની સુંદરતાને નિહાળતાં હતાં. છેલ્લા બે વર્ષોથી ભૂસ્ખલનના કારણે સ્થળનું અસ્તિત્વ જોખમમાં પડી ગયું હતું. આજ સુધી ઘણા અખબારો અને ઈલેક્ટ્રોનિક મીડિયાએ આ સમાચારને પ્રમુખતાથી દર્શાવ્યા કે જો સમયસર આની કાયમી ટ્રીટમેન્ટ ન કરવામાં આવી તો નૈનીતાલમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ પર્યટક સ્થળ, ટિફિન ટોપનું અસ્તિત્વ ખતમ થઈ જશે અને આખરે ગઈકાલે 6 ઓગસ્ટે રાત્રે 11 વાગે ભારે વરસાદની વચ્ચે આ ડોરોથી સીટ ભૂસ્ખલનના કારણે ખતમ થઈ ગયુ. 

ડોરોથી સીટ ઈતિહાસ બની ગયુ

નૈનીતાલનું લોકપ્રિય પર્યટક સ્થળ ટિફિન ટોપ પર સ્થિત ડોરોથી સીટ કાલે રાત્રે ભૂસ્ખલન બાદ ઈતિહાસ બની ગયુ. રાત્રે 11 વાગ્યાની આસપાસ ભારે ભૂસ્ખલન બાદ ટિફિન ટોપથી નીચે આવેલા વિસ્તારમાં વસ્તી ન હોવાના કારણે જાનહાનિ થઈ નથી. ટિફિન ટોપમાં દર વર્ષે લાખોની સંખ્યામાં પર્યટક અને સ્થાનિક નાગરિક આવે છે અને તે સ્થળેથી પ્રકૃતિના સુંદર નજારાનો આનંદ લે છે. 

અમુક વર્ષોથી ત્યાં ઊંડી તિરાડો પડી ગઈ હતી અને આ વિસ્તાર ક્રેક થવા લાગ્યો હતો પરંતુ તેને બચાવવાનો કોઈ સાર્થક પ્રયત્ન કરવામાં આવ્યો નહીં. નૈનીતાલ નગરથી લગભગ 3 કિલો મીટરના અંતરે સામાન્ય ચઢાણ અને સુંદર રસ્તાની વચ્ચે ટ્રેકિંગના શોખીન લોકો માટે ટિફિન ટોપ પર જવું અને ત્યાંથી હિમાલયની સુંદર શિખરોનો નજારો માણવો મંત્રમુગ્ધ કરી દેતો હતો. 

કર્નલ કેલેટે પોતાની પત્નીની યાદમાં બનાવ્યુ હતું ડોરોથી સીટ

ટિફિન ટોપ પર ડોરોથી સીટનું નિર્માણ બ્રિટિશ સેનાના અધિકારી રહેલા કર્નલ કેલેટે પોતાની પત્ની ડોરોથી કેલીની યાદમાં કર્યું હતું, જેમનું ઈંગ્લેન્ડ જતી વખતે સેપ્ટીસીમિયાથી જહાજ પર નિધન થઈ ગયું હતું. તેઓ જ્યારે નૈનીતાલમાં હતાં તો આ સ્થળે બેસીને પેઈન્ટિંગ કરતાં હતાં. ડોરોથી અંગ્રેજ ચિત્રકાર હતાં. ડોરોથીનું મૃત્યુ 1936માં સમુદ્રી યાત્રા દરમિયાન થઈ ગયું હતું. 

ડોરોથી સીટ વિસ્તાર કુદરતી આફતોનો ભોગ બન્યો છે

મંગળવારે મોડી રાત્રે 11 વાગે ડોરોથી સીટ પર ભૂસ્ખલનના સમાચારે સમગ્ર નૈનીતાલને હચમચાવી દીધું. ત્યાં સ્થિત દુકાનોના કર્મચારીઓએ માહિતી આપી કે ભૂસ્ખલનના કારણે ત્યાં બનેલા ચબૂતરા નષ્ટ થઈ ગયાં છે. વિસ્તારમાં મોટા-મોટા પથ્થર પડવાથી ડરનો માહોલ બની ગયો છે. જોકે, છેલ્લા અમુક વર્ષોમાં ડોરોથી સીટનો વિસ્તાર કુદરતી આફતોનો શિકાર રહ્યો છે. ચોમાસાની સિઝનમાં ત્યાં ભૂસ્ખલનની ઘટનાઓ વધી ગઈ છે. તંત્રએ ઘણી વખત નિરીક્ષણ કરીને સુરક્ષાત્મક ઉપાય કરતાં પર્યટકોની અવર-જવર પર રોક લગાવી છે, પરંતુ આ ઉપાયો છતાં સ્થિતિ સુધરી નહીં.

નૈનીતાલની સુંદરતાનો એક મહત્વનો ભાગ છે ટિફિન ટોપ

નૈનીતાલનું ટિફિન ટોપ જેને ડોરોથી સીટના નામથી પણ ઓળખવામાં આવે છે, નૈનીતાલના મુખ્ય પર્યટન સ્થળો પૈકીનું એક છે. સમુદ્રની સપાટીથી 2290 મીટરની ઊંચાઈ પર સ્થિત આ સ્થળ નૈનીતાલની સુંદરતાનો એક મહત્વનો ભાગ છે. ત્યાંથી નૈનીતાલ અને આસપાસના વિસ્તારોનું મનમોહક દ્રશ્ય જોવા મળે છે, જે પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. 

નક્કર પગલાં ઉઠાવવાની માગ

ડીએમ વંદના સિંહે જણાવ્યું કે માહિતી મળ્યા બાદ મોડી રાતે એસડીએમના નેતૃત્વમાં એક ટીમને નિરીક્ષણ માટે મોકલવામાં આવી. ટીમે નિરીક્ષણ કરીને જણાવ્યું કે વિસ્તારમાં કોઈ મોટું નુકસાન થયું નથી. ડોરોથી સીટનું ઐતિહાસિક મહત્વ અને પર્યટનની દ્રષ્ટિથી તેની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે પરંતુ તાજેતરની ઘટનાઓએ તેના અસ્તિત્વ પર સવાલ ઊભા કરી દીધાં છે. જરૂરી છે કે તંત્ર અને સંબંધિત વિભાગ આ વિસ્તારની સુરક્ષા માટે નક્કર પગલાં ઉઠાવે જેથી આ સ્થળ પોતાની સુંદરતા અને મહત્વને જાળવી રાખી શકે. 

ત્યાંની સુંદરતાના દિવાના હતાં અંગ્રેજ

ઊંચા દેવદારના વૃક્ષ આ સ્થળને રમણીય બનાવે છે તો ઠંડી હવા હૃદયને શાંતિ આપે છે. પહાડ ઊંચા હોવાની સાથે નૈનીતાલના શાનદાર દર્શન કરાવનાર આ સ્થળના અંગ્રેજ એટલી હદે દિવાના થયા હતાં કે શહેરના અંતિમ છેડે ચાર કિ.મીનું ઊંચું ચઢાણ પાર કરીને તેને પિકનિક સ્પોટ બનાવી દીધું અને નામ આપ્યું ટિફિન ટોપ. ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર ચિત્રકારી કરનાર અંગ્રેજ મહિલા ડોરોથી કેલીને આ સ્થળ ખૂબ પસંદ હતું. તે ઘણી વખત ઊંચું ચઢાણ પાર કરીને ટિફિન ટોપ પહોંચતાં અને ત્યાં બેસીને કાગળ પર સુંદરતાને ઉતારતાં હતાં. 


Google NewsGoogle News