Get The App

કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલનથી તબાહી, ગુજરાતના એક શ્રદ્ધાળુ સહિત 5ના મોત, હજુ કેટલાક દબાયાની આશંકા

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલનથી તબાહી, ગુજરાતના એક શ્રદ્ધાળુ સહિત 5ના મોત, હજુ કેટલાક દબાયાની આશંકા 1 - image


Uttarakhand highway landslide: ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ નેશનલ હાઇવે પર ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે. આજે મંગળવારે વધુ ચાર મૃતદેહો મળી આવ્યા હતા. આ તમામ મૃતકો ભગવાનના દર્શન માટે આવેલા ભક્તો હતા. સોમવારે થયેલા ભૂસ્ખલનમાં ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હતા. અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. 

આ પણ વાંચો: આતંકી ફંડિંગના કેસમાં જેલમાં બંધ સાંસદ કાશ્મીર ચૂંટણીમાં પ્રચાર કરશે, વચગાળાના જામીન મંજૂર

કાટમાળ નીચે વધુ લોકો દટાયા હોવાની આશંકા

પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે ખરાબ હવામાન, હિમવર્ષા, અંધારું અને ઘટનાસ્થળે સતત કાટમાળ અને પથ્થરો પડવાના કારણે સોમવારે રાત્રે બચાવ કામગીરી બંધ કરવી પડી હતી. જે બાદ આજે મંગળવારે સવારે વાતાવરણમાં સુધારો આવતાં ફરી રાહત કામગીરી ફરી શરુ કરવામાં આવી હતી. આ દરમિયાન કાટમાળમાંથી ત્રણ મહિલાઓ સહિત ચાર શ્રદ્ધાળુઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, "ઑપરેશન હજુ પણ ચાલુ જ છે. સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચે મુંકટિયા નજીક સોમવારે મોડી સાંજે થયેલા ભૂસ્ખલનના કાટમાળ નીચે વધુ લોકો દટાયા હોવાની આશંકા છે."

પોલીસે જણાવ્યું કે, સવારે મળી આવેલા મૃતદેહોની ઓળખ મધ્યપ્રદેશના ઘાટ જિલ્લાના નેપાવલીની રહેવાસી દુર્ગાબાઈ ખાપર (50), નેપાળના ધનવા જિલ્લાના વૈદેહી ગામની રહેવાસી તિતલી દેવી મંડલ (70), મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ઝિઝોરાના રહેવાસી સમનબાઈ (50),ગુજરાતના સુરતના ખટોદરાના રહેવાસી ભરતભાઈ નિરાલાલ (52) તરીકેની થઈ છે. આ પહેલા સોમવારે રાત્રે ઘટના સ્થળેથી મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી ગોપાલજી(50)નો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે અન્ય ત્રણ ઘાયલ ભક્તોને કાટમાળમાંથી બહાર કાઢીને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: ગુજરાત પર ત્રણ સિસ્ટમની અસર, આગામી 48 કલાકમાં આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

બચાવ અને રાહત કામગીરી શરુ કરવામાં આવી

માહિતી પ્રમાણે આ દુર્ઘટના શ્રદ્ધાળુઓનું એક ગ્રુપ કેદારનાથ ધામના દર્શન કરીને પરત ફરી રહ્યું હતું ત્યારે બની હતી. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ તરત જ બચાવ અને રાહત કામગીરી શરુ કરવામાં આવી હતી. દરમિયાન ભૂસ્ખલનથી બંધ કરવામાં આવેલો રસ્તો ચાલવા માટે ખુલ્લો કરવામાં આવ્યો છે. આ સાથે ગૌરીકુંડ તરફ રોકાયેલા મુસાફરોને સુરક્ષિત રીતે સોનપ્રયાગ તરફ મોકલવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ઘટનામાં માર્યા ગયેલા શ્રદ્ધાળુઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.


Google NewsGoogle News